દ્વારકા ગુગળી બ્રાહ્મણ બ્રહ્મપુરીમાં 28-29 ઓક્ટો.એ બે દિવસીય અધિવેશનમાં ઉમટી પડવા પ્રમુખ વિજય બુજડનું આહવાન
દ્વારકામાં આગામી તા.28-29 ઓકટોબરના રોજ ગુગળી બ્રાહમણ બ્રહમપુરી નં.1 ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના સમસ્ત બ્રહ્મસમાજનું 1ર7મું મહાઅધિવેશન માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
આ અધિવેશનમાં સમસ્ત ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા-જુદા સમાજના આગેવાનો તેમજ બ્રહ્મસમાજના હોદેદારો અને સૌરાષ્ટ્ર-કચ્છના સમસ્ત બ્રહ્મસમાજ આ મહાસમ્મેલનમાં ઉપસ્થિત રહેશે. દ્વારકા શારદાપીઠાધીશ્ર્વર જગદગુરૂ શંકરાચાર્યના આશીર્વાદથી ‘બ્રહ્મ તેજો બલમ્ બલમ્’ ની દિવ્ય ચેતનાને જાગૃત કરવાના શ્રેષ્ઠ હેતુથી વિશાળ ફલક પર એકત્રિત થશે.
આ મહાઅધિવેશનનું દ્વારકા શારદાપીઠાધીશ્ર્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના શિષ્ય બ્રહ્મચારી નારાયણાનંદજી હસ્તે દિપ પ્રાગટ્યથી સાંજે 4 કલાકે અધિવેશનનનો પ્રારંભ થશે. મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય પબુભા માણેક, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, દંડક બાલકૃષ્ણભાઈ શુક્લ તથા સાંસદો રંજનબેન ભટ્ટ(વડોદરા), પૂનમબેન માડમ (હાલાર -જામનગર), બાબુભાઈ દેસાઈ (રાજ્યસભા સાંસદ), પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહેશે.
દિપ પ્રાગટ્ય બાદ વિષય વિચારસરણી બેઠક, સાંજે દ્વારકાધીશ મંદિરે ધ્વજાજીનું પૂજન, મહાપ્રસાદી બાદ શરદ પૂનમની રઢીયાળી રાત્રિમાં રંગ કસુંબલ ડાયરો થશે. જેમાં નિરંજનભાઈ પંડ્યા, નારાયણભાઈ ઠાકર, જીતુભાઈ પંડયા, પરેશભાઈ વડીયા, હિરેનભાઈ વાસુ, મયુરભાઈ દવે, પીયુષભાઈ મહારાજ જેવા કલાકારો લોકસાહિત્યની રમઝટ બોલાવશે. તા.ર9મીએ રવિવારે મહાઅધિવેશનની મીટીંગમાં ગત મીટીંગ બાદ દિવંગત થયેલ સમાજશ્રેષ્ઠીઓને શ્રધ્ધાંજલિ બાદ બ્રહ્મસમાજની ભવિષ્યની લોકકલ્યાણકારી અને સમાજલક્ષી યોજનાઓ અને વિવિધ પ્રશ્ર્ને ચર્ચા-વિચારણા થશે. સવારે 11 કલાકે જગતમંદિરે ધ્વજારોહણ થશે ત્યારબાદ સમૂહ પ્રસાદીનું આયોજન કરેલ છે.
દ્વારકામાં 27 વર્ષ બાદ બ્રહ્મસમાજનું ર7મું મહાઅધિવેશન
સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના નવા વરાયેલા હોદ્દેદારો દ્વારકાસ્થિત પ્રમુખ વિજયભાઈ બુજડ, મહામંત્રી દિવ્યપ્રકાશ ઠાકરએ જણાવ્યું છે કે આજથી 27 વર્ષ પૂર્વે દ્વારકા ખાતે સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજનું પ્રથમ મહાઅધિવેશન મળેલ હતું. 27 વર્ષ બાદ આજે ફરીથી આ ર7મું બ્રહ્મસમાજનું મહાઅધિવેશન દ્વારકા ખાતે મળી રહ્યું છે જે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના બ્રહ્મસમાજ માટે હર્ષ અને આનંદની લાગણી સમાન છે. તા.28-29 ઓકટોબરે મળનાર આ ર7માં મહાઅધિવેશનની મુખ્ય નોંધ એ છે કે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના સમસ્ત બ્રહ્મસમાજના નવા હોદેદારોની જે નિમણુંક હાલમાં કરવામાં આવી છે. જેમાં પ્રમુખ પદે વિજયભાઈ બુજડ, મહામંત્રી દિવ્યપ્રકાશ ઠાકર સહિતના હોદેદારોની નિમણૂંકો દ્વારકાધીશની કર્મભૂમિ ઉપરથી કરવામાં આવી છે.