અમુક ખેડુતોની જમીન ઓછી થઈ, તો કેટલાકની જમીન જ સમુળગી ગાયબ થઈ ગઈ: ઉચ્ચકક્ષાએ રજુઆત
વર્ષ ૨૦૧૦-૧૧ થી લઈ અત્યાર સુધી સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન માપણી કરવામાં આવી છે. જે જમીન માપણી બાદ તૈયાર કરવામાં આવેલા દરેક ગામના નકશાઓમાં ૧૦૦% ભુલો રહી ગઈ છે એટલું જ નહીં સરકાર દ્વારા ભુલ સુધારણા માટે વિવિધ સર્વેયરોની કુલ આઠ ટીમો બનાવવામાં આવી હતી. તેઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં પણ જમીન માપણીમાં ભુલો હોવાનું જો આ રિ-સર્વેને માન્યતા મળે તો ન્યાયિક તપાસમાં વિક્ષેપ, ખેડુતોમાં ઘર્ષણ, તકરારો વધશે. ભૂ-માફિયાઓનું વર્ચસ્વ વધશે વગેરે બાબતો સ્વિકારી હોવાનું ચર્ચાય છે. તેમ છતા સરકાર દ્વારા આંખ આડા કાન કરી આ રિ-સર્વે શા માટે માન્ય કરવામાં આવેલ તે લોક મુખે ચર્ચા તો પ્રશ્ર્ન છે.
જમીન માપણીમાં રહી ગયેલી ભુલોમાં દરેક ગામના નકશાઓ ભુલ ભરેલા છે. મોટાભાગના ખેડુતોના કબજા હકક બદલાઈ ગયા છે. કેટલાક ખેડુતોની ખરેખર જમીન હતી તેમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. (દા.ત.૪૦ વિઘા વાળાને ૧૦ વિઘા જ જમીન રહી છે.) કેટલાક ખેડુતોની તો સમુળગી જમીન જ ગાયબ થઈ ગઈ છે.
નવા બનેલા ગામના નકશાઓમાં લગભગ દરેક ખેડુતોની જમીનના શેઢા પડોશવાળા ખેડુતના ખેતરમાં દર્શાવી દીધા છે. ગામના નવા બનેલા નકશાઓમાં એકની જમીન બીજાના તો બીજાની જમીન ત્રીજાના ખેતરમાં દર્શાવી દીધી છે. કેટલાક ખેડુત ન હતા તેઓ રાતોરાત ખેડુત બની ગયા છે. દરેક ગામના નવા બનેલા નકશાઓમાં ખેતરમાં આપેલા બોર, કુવા, વૃક્ષ, મકાનોને કયાંય દર્શાવવામાં આવ્યા નથી. સરકારી ખરાબાઓ, ગૌચરની જમીન સાથે મોટાપાયે છેડછાડ થઈ છે. દરેક ગામના નવા બનેલા નકશામાં એક ગામથી બીજે ગામ જતા ગાડામાર્ગ, કેડીઓ, ખેતરે જવાના સિમ માર્ગનો કયાંય ઉલ્લેખ નથી.
જમીન રિ-સર્વે બાદ નવા બનેલા દરેક ગામના નકશાઓની વાસ્તવિકતા એ છે કે ૮૦ ટકા કરતા વધારે ખેડુતોની જમીનની હદ દિશા બદલાઈ ગયેલ છે. ૭૦ ટકા કરતા વધારે કિસ્સાઓમાં ગાડામાર્ગ, કેડીઓ, સિમ માર્ગ, વૃક્ષ, મકાન, બોર, કુવાઓ ગાયબ કરી દીધા છે. આટલી આટલી ભુલો હોવા છતા સરકારે જમીન માન્યતા આપી દીધી છે.
હવે ખેડુતો પાસે ભુલ-સુધારણા વાંધા અરજી કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી ત્યારે અમો રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન દ્વારા જાગૃતિ લાવો ખેડુત બચાવો અભિયાનના માધ્યમથી દરેક ખેડુતને જાગૃત કરી વાંધા અરજી કરાવવા જઈ રહ્યા છીએ.