છેલ્લા 24 કલાકમાં રાજ્યના 192 તાલુકામાં મેઘમહેર: આજે સવારથી દ્વારકાના ખંભાળીયામાં બે ઈંચ, જૂનાગઢના કેશોદમાં અને પોરબંદરના રાણાવાવમાં એક ઈંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં વરસાદી રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ દ્વારકા પંથક, જૂનાગઢ તથા પોરબંદરમાં કહેર વરસાવ્યો હતો. દેવભૂમિ દ્વારકા તાલુકામાં બે કલાકમાં ધોધમાર સવા સાત ઈંચ વરસાદ વરસતાં જાણે આભ ફાટ્યું હતું. અહીં અધિકમાસમાં આવેલા યાત્રિકો મુશ્કેલીમાં મૂકાયા હતા. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં 7 ઈંચ, માંગરોળમાં 5 ઈંચથી ઘેડ પંથકના અનેક ગામો બેટ બની ગયા હતા. પોરબંદરમાં 7 ઈંચથી ચોમેર પાણી-પાણ઼ી થઈ ગયું હતું. દ્વારકા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ હતી. દ્વારકામાં ગઈકાલે બપોરે ૪થી સાંજે છ દરમિયાન માત્ર બે કલાકમાં સવા સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો.
સાંજે છ વાગ્યા સુધીમાં નવ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. જિલ્લાના ખંભાળિયામાં 9 ઈંચ, કલ્યાણપુરમાં 5 ઈંચ, ભાણવડમા 2 ઈંચ જ્યારે અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દ્વારકા નગર-તાલુકામાં અનેક સ્થળોએ પૂરની પરિસ્થિતિ હતી. યાત્રાધામમાં પાણી પાણી થઈ ગયું હતું. મૂશળધાર વરસાદના પગલે દ્વારકાના ગુરુદ્વારા વિસ્તાર, ઇસ્કોન ગેટ, તોતાદ્રી મઠ સહિતના વિવિધ વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ જતા આ વિસ્તારના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના પગલે દરિયો ગાંડોતુર થયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. વેરાડી -1, મીણસાર (વા.) સિંચાઇ યોજના, વર્તુ -1 અને કબરકા નામના ચાર મોટા ડેમ છલકાઈ ગયા હતા. કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે જળબંબાકાર જેવી પરિસ્થિતિ વચ્ચે વરસાદી પાણી દુકાનોમાં ઘૂસ્યા હતા. જેના પગલે વેપારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દ્વારકા-ભાટિયા હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલી અનુભવી હતી. ખંભાળિયા-પોરબંદર હાઈવે પર નદીઓમાં પૂર વહેતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમમાં પણ આજના વરસાદથી આશરે ત્રણ ફૂટ નવા પાણીની આવક થતા ઘી ડેમની સપાટી 14 ફૂટે પહોંચી છે.
જૂનાગઢ જિલ્લામાં પણ મેઘ કહેર બની ગયો હતો. છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદે તારાજી સર્જ્યા બાદ પણ ધોધમાર વરસાદ ચાલુ રહ્યો હતો. સાંજે છ વાગ્યા સુધીમાં જિલ્લામાં કેશોદમાં 7 ઈંચ, માંગરોળ તાલુકામાં 5 ઈંચ, માણાવદરમાં ચાર ઈંચ, વંથલીમાં 4ઈંચ, માળિયા હાટિનામાં ૨.૮૦ ઈંચ, મેંદરડામાં ૨.૫૬ ઈંચ, વિસાવદરમાં ૧.૭૩ ઈંચ તેમજ અન્ય વિસ્તારોમાં દોઢ ઈંચથી લઈને ઝાપટાં વરસ્યા છે.કેશોદ-માંગરોળ પંથકમાં ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી ઓજત-ભાદર નદીમાં પૂર આવ્યા હતા. જેના પાણી આસપાસના ગામોમાં ફરી વળતાં ઘેડ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ઘેડના અનેક ગામ જળમગ્ન બની ગયા છે.
કેટલાક ગામોને જોડતા રસ્તાઓ જળમગ્ન બનતાં ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. પોરબંદર જિલ્લામાં પણ મેઘતાંડવ અનુભવાયું હતું. આજે પોરબંદર શહેર તથા તાલુકામાં અનરાધાર ૬.૨૨ ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા. પોરબંદરનો છાયા વિસ્તાર જળમગ્ન બની ગયો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે રસ્તાઓ-ખેતરોમાં પાણી ભરાયા છે. જિલ્લાના ભાદર, મોજ સહિતના ડેમો છલકાવા લાગ્યા છે. આજે સાંજ સુધીમાં જામકંડોરણામાં 5 ઈંચ, ઉપલેટામાં 4 ઈંચ, કોટડાસાંગાણીમાં4 ઈંચ, ધોરાજીમાં 3 ઈંચ, ગોંડલમાં 3 ઈંચ, રાજકોટ શહેર તાલુકામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જેતપુરમાં પંથકમાં ફુલઝર નદીના પૂરના પાણી ફરી વળતાં કપાસનો પાક ધોવાઈ જતાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે.
જામનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ધ્રોલમાં 5 ઈંચ, જામજોધપુરમાં 5 ઈંચ વરસાદથી પંથકમાં ચોમેર પાણી ભરાયા હતા. જ્યારે જામનગરમાં ૨.૩૨ ઈંચ, કાલા વડમાં ૧.૭૩ ઈંચ તેમજ અન્ય વિસ્તારોમાં દોઢ ઈંચથી લઈને ઝાપટા વરસ્યા છે. ભાવનગર જિલ્લાના મહુવામાં 5 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો તેમજ માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. સિહોરમાં 3 ઈંચ, તળાજામાં 2ઈંચ જ્યારે અન્ય વિસ્તારોમાં દોઢ ઈંચથી લઈને સામાન્યા ઝાપટા વરસ્યા છે. અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. સાંજ સુધીમાં અમરેલી તાલુકામાં ૩.૧૯ ઈંચ, લાઠીમાં ૨.૫૬ ઈંચ, કુંકાવાવમાં ૧.૪૨ ઈંચ વરસાદ થયો હતો