દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓગસ્ટ માસમાં બનેલા ચકચારી નશાકારક સીરપ પ્રકરણમાં લાંબી તપાસનાં અંતે ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સુત્રધાર સહિત આઠ શખ્સોને ઝડપી લીધા છે.જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર વિવાદિત સાઈ ઈન્ફોસીસ સિસ્ટમનો ડાયરેકટર સુનિલ કકકડ જ માસ્ટર માઈન્ડ હોવાનું ખુલ્યું છે.ત્યારે પોલીસે સુનિલ સહીત આંઠ શખ્સોની ધરપકડ કરી છે.
ઓગસ્ટમાં ઓખા બંદર ખાતેથી પકડાયેલા શીરપના જથ્થામાં મુખ્ય સૂત્રધાર સહિત તમામના નામો ખુલ્યા હતા
સેલવાસ ખાતે ફાર્મા કંપની સ્થાપી આયુર્વેદિક દવાની આડમાં નશાયુક્ત પીણું ઉત્પાદન કરી રાજ્ય વ્યાપી નેટવર્ક ઊભું કર્યા હોવાનું ખુલ્યું
મુખ્ય સૂત્રધાર સુનીલ કકકડને અગાઉ ૭૦૦ કરોડના કોભાંડમાં જેલ હવાલે કરાયો હતો
વિગતો મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લોનાં નશાકારક સેલ્ફ જનરેટેડ આયુર્વેદિક સીરપના વેચાણ સામે એલસીબી પોલીસએ સધન કામગીરી કરી હતી. જે અંતર્ગત તારીખ ૨ ઓગસ્ટના રોજ એલસીબી પોલીસ ઈન્સ.કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિયમ દરમિયાન આર.કે. બંદર વિસ્તારમાં મહાકાલ પાન તેમજ મહાદેવ નામની બે દુકાનોમાંથી અનુક્રમે ૧૩૨ તથા ૬૦ મળી, આ બંને દુકાનમાંથી રૂપિયા ૨૮,૮૦૦ ની કિંમતની ૧૯૨ બોટલ આયુર્વેદિક સીરપનો જથ્થો કબજે લઈ અને એફએસએલમાં મોકલતા આના રિપોર્ટમાં નશાબંધી કાયદાનો ભંગ થતો હોવાનો ખુલવા પામ્યું હતું. જે સંદર્ભે સ્થાનિક પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધાયો હતો.
આ સીરપ પ્રકરણમાં કુખ્યાત સાઈ ઈન્ફોસીસ સિસ્ટમનો ડાયરેકટર માસ્ટર માઈન્ડ સુનિલ કક્કડ તેમજ અન્ય સાત સાગરીતોનાં નામ ખુલતા ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણના માસ્ટર માઈન્ડનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તેની વિરુદ્ધ સી.બી.આઈ., ઈ.ડી. સહિતના કુલ ૯ કેસ નોંધાયેલ છે અને તેણે અગાઉ રૂપિયા ૭૦૦ કરોડનું કૌભાંડ આચર્યુ હતું. જેતે વખતે મુખ્ય આરોપી એવા અમદાવાદના વ ાપુર વિસ્તારમાં આવેલા સેટેલાઈટ સેન્ટર ખાતે રહેતા સુનીલ સુરેન્દ્રભાઈ કક્કડ સામે વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા ગુનાઓ નોંધી, ધરપકડ કરવામાં આવી હતી.
આ શખ્સ દ્વારા લાઇબ્રેરિયા (આફ્રિકા દેશ) ખાતે જતો રહ્યો હતો. તેની લાઈબ્રેરીયાથી ધરપકડ કરીને લવાયો હતો. વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૧ સુધી સાબરમતી, આર્થર જેલ – મુંબઈ ખાતે તે જેલવાસ ભોગવી ચુક્યો છે. તેણે ભૂતકાળમાં રૂપિયા ૭૦૦ કરોડથી વધારે રકમનું કૌભાંડ આચર્યું છે. જેના કારણે પોતે પોતાના નામથી કોઈ અધિકૃત રીતે કામ ધંધો કરી શકે તેમ ન હોય તેણે એચ.જી.પી.ના પાર્ટનરોનો સંપર્ક કરી, અને પડદા પાછળ આ કંપનીમાં ભાગીદાર તરીકે જોડાઈને પોતાની ભૂતકાળની ગુનાહિત માનસિકતા મુજબ પુનઃ આ પ્રકારે નશાયુક્ત પીણાંનો ગુજરાત રાજ્યમાં વેપાર શરૂ કરી દીધો હતો.
આ પ્રકરણના બીજા આરોપી તરીકે એચ.જી.પી. કંપનીનો ફેક્ટરી ઈન્ચાર્જ એવો વલસાડ જિલ્લાનો ઉમરગામ તાલુકાનો ભાવિક ઈન્દ્રવદન પ્રેસવાલા તેમજ ત્રીજા આરોપી તરીકે એ.એમ.બી. ફાર્માના મુખ્ય વહીવટીકતી તરીકે વાપીના રહીશ અમોદ અનિલભાઈ ભાવે, ચોથા આરોપી સૌરાષ્ટ્ર ઝોનના નંદીની એન્ટરપ્રાઇઝના ડિસ્ટ્રીબ્યુટર એવા જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, પાંચમા આરોપી તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જુના ખીજદડ ગાને રહેતો અર્જુનસિંહ મહિપતસિંહ જાડેજા, છઠ્ઠા આરોપી એવા નંદીની એન્ટરપ્રાઇઝ વતી કામ કરતા ખીજદડ ગામના મૂળ રહીશ વિરેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલ સુરુભા જાડેજા, સાતમા આરોપી એવા નશાયુક્ત પીણાંનું વેચાણ કરતા ઓખાના રહીશ નિલેશ ભરતભાઈ કાસ્ટ અને આઠમા આરોપી ઓખાના કુલદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા નામના કુલ આઠ શખ્સોની રૂા. ૩,૫૬,૫૦૦નાં મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.