• દ્વારકાની પશ્વિમે બિરાજતાં શ્રી સિદ્ધનાથ મહાદેવ

પુરાણ પ્રસિદ્ધ મોક્ષદાયિકા દ્વારકા નગરીમાં ઠેર-ઠેર શિવાલયો સ્થાપિત છે અને દરેક શિવાલયની આગવી વિશેષતા છે. આ બધા શિવાલયો પૈકીનું એક એવું શ્રી સિધ્ધનાથ મહાદેવનું શિવાલય પરમ પાવન યાત્રાધામ દ્વારકાની પશ્વિમ દિશાએ આવેલું છે. આ મંદિર સંકુલ આશરે ૨૮૦૦ થી ૩૦૦૦ ફૂટના ઘેરાવામાં આવેલું છે. હાલમાં ચાલતાં શ્રાવણ માસમાં દેવાધિદેવને પ્રસન્ન કરવા આ પૌરાણિક શિવાલયે શિવભકતો બિલ્વપત્ર, દૂધ, જળ, પુષ્પ ઈત્યાદિથી અભિષેક કરી ભળાનાથને રીઝવે છે.

સનકાદિક મુનિઓએ શિવલિંગ પ્રસ્થાપિત કર્યાની પૌરાણિક માન્યતા

પૌરાણિક માન્યતા અનુસાર બ્રહમકુમારો અર્થાત્ સનકાદિક મુનિઓ કેટલાક સમય માટે દ્વારકાપુરીમાં નિવાસ કરતા હતા. તે સમયે પરમપિતા બ્રહમાજી પણ ત્યા પધાર્યા. બ્રહમાજીએ તેમના પુત્રોને મહાદેવજીની નિત્ય પૂજા કરવાનો આદેશ કર્યો. કેમકે જયાં સુધી નીલકંઠનું અર્ચન ન થયું હોય ત્યાં સુધી હરિ અર્ચન સ્વિકારતા નથી. બ્રહમાજીના આદેશ અનુસાર સનકાદિક મુનિઓએ શ્રધ્ધાપૂર્વક તેમની જ ઉપસ્થિતિમાં શિવલિંગ પ્રસ્થાપિત કર્યુ. બ્રહમાજીએ તે વખતે સનકાદિક મુનિઓને કહયું કે તમે યોગસિધ્ધ હોવાથી તમારા દ્વારા પ્રસ્થાપિત આ લિંગ સિદ્ધનાથ તરીકે પૂજાશે અને પ્રસિધ્ધ થશે.

કુબેરપૂજા માટે નિજમંદિરમાં કુબેરજીની દુર્લભ મૂર્તિ પણ સ્થાપિત

નિજ મંદિરના ગર્ભગૃહે શિવલિંગ, શિવલિંગના પાછળના ભાગે પાર્વતીદેવી તથા ડાબી બાજુએ ગંગાજીની પ્રાચીન મૂર્તિઓ સ્થાપિત કરેલ છે. આ પંથકના મંદિરોમાં કયાંય પણ જોવા ન મળતી એવી કુબેરજીની પૂજનીય મૂર્તિની અહીંયા સ્થાપના થયેલ છે. તેમના પરથી એવું અનુમાન થઈ શકે કે પુરાતન કાળમાં આ પંથકમાં કુબેરપૂજાનું મહત્વ હશે. મંદિરના ઘેરાવામાં મંદિરમાં સેવા-પૂજા કરતા પૂજારી પરિવારના વડવાઓની સમાધિઓ તેમજ પૂજનીય પિપળાનું ઝાડ આવેલું છે. મંદિરની પૂર્વ દિશાએ દ્વારકાની પ્રાચીન વાવો પૈકીની એક એવી જ્ઞાનવાવ જે લીંગ આકારની આવેલી છે. મંદિરના બહારના ભાગે હનુમાનજીનું મંદિર તેમજ વટવૃક્ષ આવેલું છે. આ વટવૃક્ષ પ્રાચીન જ્ઞાનવાવ ઉપર છવાયેલ છે. ભાવિકો પ્રતિદિન તેમજ શ્રાવણ માસમાં અને પવિત્ર તહેવારોએ ષોડશોપચાર વિધિ તથા અન્ય વિધિ-વિધાન દ્વારા પૂજન કરી શ્રી સિદ્ધનાથ મહાદેવની કૃપા પ્રાપ્ત કરે છે તેમજ પીપળાનું શ્રધ્ધાપૂર્વક પૂજન કરીને મનોવાંછીત ફળ પ્રાપ્ત કરે છે.

આદિ શંકરાચાર્યે સિદ્ધનાથ મહાદેવને ક્ષેત્રદેવતા તરીકે પ્રતિષ્ઠાપિત કર્યા

ઐતિહાસિક દ્રષ્ટિએ આદિ શંકરાચાર્ય મહારાજે સિદ્ધનાથ મહાદેવને ક્ષેત્રદેવતા તરીકે પ્રતિષ્ઠાપિત કરેલ હોય સિદ્ધનાથ મહાદેવ દ્વારકાના એક સ્થાનદેવતા કે ગ્રામદેવતા મનાય છે. આદિ શંકરાચાર્યની જીવનલીલાનો સમય ઈસુની આઠમી સદીના ગાળે ઈતિહાસકારો માને છે. કેટલાક ઈતિહાસકારોએ તો આદ્ય શંકરાચાર્યજી ઈસુની પહેલાની પાંચમી સદીમાં પ્રવર્તમાન હોવાના આધારો સંપાદિત કર્યા છે. આ દ્રષ્ટિએ આ મંદિર એક યા બીજા સ્વરૂપે બારસો કે તેથી વર્ષો પુરાણું હોવાનું સ્વયંસિધ્ધ થાય છે. સિધ્ધનાથ મહાદેવના દર્શન-પૂજાથી અનેક ભાવિકોના મનોરથ સિધ્ધ થયા હોવાથી આ મંદિર દેવનગરી દ્વારિકાના એક દર્શનીય સ્થળ તરીકે સૈકાઓથી ભાવિકો દ્વારા સ્વિકારતું આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.