દ્વારકાના ઓખા મઢી નજીક આવેક કાચબા ઉછેર કેન્દ્રમાં કુદરતી વાતાવરણમાં હુંફ સાથે બચ્ચાનો જન્મ સરક્ષણ સહિતની કપરી જવાબદારી વન વિભાગના કર્મચારીઓ ઉપાડે છે
હાલારની ભૂમિની સુંદરતા જોઈને સૌ કોઈ અંજાઈ જાય તેવું કહેવું વધુ પડતું નથી. કારણ કે જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એવા ઘણાં રમણીય સ્થળો આવેલા છે કે જેમની એક વખતની મુલાકાત જીવનભર યાદ રહે. જેમાનું એક સ્થળ એટલે ઓખા મઢીમાં આવેલ કાચબા ઉછેર કેન્દ્ર.
ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું હોવાથી અહીંની જૈવ વિવિધતા પણ ભરપૂર છે. દ્વારકાના ઓખા મઢી બીચ ખાતે મેરિન નેશનલ પાર્કનું કાચબા ઉછેર કેન્દ્ર દરિયાઈ કાચબાને જીવંત રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે. કાચબા ઉછેર કેન્દ્રમાં કાચબાના ઈંડાને કુદરતી વાતાવરણમાં મા જેવું વ્હાલ અને હૂંફ આપવામાં આવે છે.
કાચબા ઉછેર કેન્દ્ર ખાતે કાચબાઓના બચ્ચાઓ માટેના ઉછેર માટે કુત્રિમ માળાઓ તૈયાર કર્યા હોય તે વિસ્તારને હેચરી કહેવાય છે. સામાન્ય રીતે કાચબીનો પ્રજનન સમયગાળો નવેમ્બરથી માર્ચ દરમિયાનનો હોય છે. એક કાચબી સરેરાશ 60 થી 100 ઈંડા મૂકે છે અને ઈંડા મૂક્યા બાદ કાચબી તરત જ દરિયામાં ચાલી જતી હોય છે. ત્યારે આવી સ્થિતિમાં રેતીમાં કાચબાના ઈંડાને લઈ જંગલી જનાવર ઉપરાંત શ્વાનના આતંકની ભીતિ રહેતી હોય છે.
આથી વન વિભાગના કર્મચારીઓ ઓખાથી લઈ હર્ષદ સુધી આવા દરિયાઈ વિસ્તારની રેતીને ફંફોળીને દરિયાઈ વિસ્તારો ખુંદીને મહા મહેનતે ખાડામાંથી સલામતી સાથે ઈંડાને ડોલમાં ભરીને કાચબા ઉછેર કેન્દ્ર સુધી પહોંચાડે છે. જ્યા કુત્રિમ માળામાં 45 થી 60 દિવસ સુધી રાખવામાં આવે છે. આ કાચબાઓના આયુષ્ય 80થી 450 વર્ષ સુધીના હોય છે. કર્મચારીઓ કાચબીના આવવા જવાનો ટ્રેક શોધી માળાઓ શોધે છે. ત્યારબાદ કુદરતી વાતાવરણમાં હુંફ સાથે બચ્ચાનો જન્મ કરાવવામાં સરક્ષણ સહિતની કપરી જવાબદારી વન વિભાગના કર્મચારીઓ ઉપાડે છે.
ગત વર્ષની જ વાત કરવામાં આવે તો વન વિભાગના કર્મચારીઓ દ્વારા 50 થી 55 માળા એટલે કે 5,500 ઈંડાઓનું સંરક્ષણ કર્યા બાદ તેમાંથી બચ્ચા થવામાં મદદ કરવામાં આવી હતી. કાચબાના બચ્ચાને વન વિભાગ દ્વારા પૂરતી કાળજી સાથે દરિયામાં કુદરતી વાતાવરણમાં છોડવામાં આવ્યા છે.