લાંબા સમયથી વિવાદમાં ચાલતી ભાણવડ નગરપાલિકા સુપરસીડ થવા ભણી જઈ રહી છે. આગામી 24મીએ મળનારા જનરલ બોર્ડમાં એકેય ઠરાવ પસાર નહીં થાય તો પાલિકા સુપરસીડ થવાની શકયતા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની ચૂંટણી વર્ષ 2018 માં યોજાઈ હતી અને ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી સાથેની બોડી બની હતી અઢી વર્ષની ટર્મ સફળતા અને શાંતિપૂર્વક પૂર્ણ થતાં 24-8-2020એ બીજા અઢી વર્ષ માટે હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી જેમાં સતવારા સમાજના સંજય કણજારીયાને પ્રમુખ પદ અને બ્રાહ્મણ સમાજના બાલચંદ્ર ભટ્ટને કારોબારી ચેરમેન બનાવતાં ભાજપના ત્રણ કોર્પોરેટર નારાજ થયા હતા અને ભારે વિવાદ સર્જાયો હતો. નગરપાલિકાની ચાલુ બોડીને બીજી ટર્મને 7 મહિના જેટલો સમય થવા આવ્યો બે વખત જનરલ બોર્ડ મળ્યું હોવા છતાં એક પણ ઠરાવ પસાર થયો નથી. ત્યારે આવતી તારીખ 24 3 2021ના રોજ ત્રીજી જનરલ બોર્ડ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મળવાની છે. જેના બે દિવસ જેટલો સમય બાકી છે ત્યાં જ નગરપાલિકાના 24 કોર્પોરેટરો પૈકી દસથી બાર કોર્પોરેટર સંપર્ક વિહોણા બન્યા છે અને ભાજપની ચિંતા પણ બેવડાઈ છે.
સંપર્ક વિહોણા માં ભાજપના ત્રણ ચાર કોર્પોરેટર સામેલ છે. આગામી તારીખ 24ના ત્રીજા મળનારા જનરલ બોર્ડમાં પણ એકેય ઠરાવ પસાર નહીં થાય તો નગરપાલિકા સુપરસીડ યાને વિસર્જન થાય તેમ છે
અને પાલિકાની ચૂંટણી ફરીથી યોજવી પડે.
નગર પાલિકામાં ચાલતા ભારે વિવાદ બાદ આગામી તારીખ 24-3-2021ના રોજ મળનારી જનરલ બોર્ડમાં પણ એકેય ઠરાવ પસાર થાય તેવું દેખાતું નથી. ભારતીય જનતા પાર્ટીના હાથમાં રહેલ સ્પષ્ટ બહુમતીવાળી ભાણવડ નગરપાલિકા સરકી જશે તેવું ચોક્કસપણે મનાઈ રહ્યું છે.