કોરોના કાળમાં ભગવાનના દ્વાર પણ બંધ
કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોય રાજ્યના પ્રસિધ્ધ તિર્થધામો દ્વારા એક સપ્તાહ દર્શન બંધ રાખવાનો લેવાયો નિર્ણય
કોરોનાની ત્રીજી લહેરના આરંભે જ સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના દૈનિક આંક 10 હજારને પાર થઇ જતા હવે ભગવાનના દ્વાર પણ બંધ થઇ ગયા છે. શક્તિપીઠ અંબાજી માતાજીનું મંદિર શનિવારથી જ બંધ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન આજથી એક સપ્તાહ સુધી દ્વારકાનું જગતમંદિર અને બહુચરાજી માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
દરમિયાન ચોટીલાના ચામુંડા માતાજીના મંદિરે આજથી આગામી 23મી સુધી ભાવિકોને સવાર તથા સાંજની આરતીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. છેલ્લા ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ચાર વિખ્યાત તીર્થધામોમાં ભાવિકો માટે દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં અન્ય મંદિરોમાં પણ ભાવિકો માટે દર્શનબંધી લાગુ કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
અંબાજી તીર્થધામ ગત શનિવારથી એક સપ્તાહ માટે ભાવિકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન આજથી આગામી 23મી સુધી દ્વારકાના જગત મંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશની ઝાંખી ભક્તો માટે બંધ કરી દેવામાં આવી છે. જગત મંદિરમાં પુજારી પરિવાર દ્વારા પારંપારિક નિત્યક્રમ કરવામાં આવશે. દર્શનાર્થીઓ મંદિરની વેબ સાઇટ WWW. DWARKADHISH. ORGમાં લાઇવ કરી શકશે. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાનું વિશ્ર્વ વિખ્યાત બહુચરાજીનું મંદિર પણ આગામી 22મી સુધી ભાવિકો માટે બંધ રહેશે.
દરમિયાન શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી છે કે, હાલ કોરોનાની મહામારીના કારણે મંદિરમાં યાત્રિકોની ભીડ ન થાય તે માટે આજથી 23મી જાન્યુઆરી સુધી સવાર તથા સંધ્યા આરતીના દર્શનમાં યાત્રિકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. દર્શન માટે આવતા તમામ યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાનું અન્ય એક તીર્થધામ શક્તિધામ પણ દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે હવે ભગવાનના દ્વાર પણ ભાવિકો માટે બંધ થઇ રહ્યા છે. આગામી દિવસોમાં અન્ય મંદિરોમાં પણ ભાવિકો માટે દર્શન બંધી લાદવામાં આવે તેવી સંભાવના નકારી શકાતી નથી.