વર્ષ ૨૦૧૭માં યોજાયેલી
ભાજપના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય પબુભા માણેકના ફોર્મમાં ભુલ હોય કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી: અદાલતે ચૂંટણી પ્રક્રિયા રદ કરવાનો આપ્યો આદેશ
ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે યોજાનારા મતદાનના આડે હવે આંગળીના વેઠે ગણી શકાય તેટલા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપને આજે હાઈકોર્ટે જોરદાર ઝટકો આપ્યો છે.
વર્ષ ૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં દ્વારકા બેઠકની ચુંટણી રદ કરવા અદાલતે આદેશ આપતા હવે ભાજપના ધારાસભ્ય પબુભા માણેકનું ધારાસભ્યપદ રદ થશે અને આ બેઠક માટે ફરી પેટાચુંટણી યોજાશે.
વર્ષ ૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં દ્વારકા બેઠક પર ભાજપના ઉમેદવાર પબુભા માણેકે ફોર્મ ભરવામાં ભુલ કરી હતી. આ મામલે કોંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ ગોરીયાએ ચુંટણી પ્રક્રિયા રદ કરવા માટે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી જેનો આજે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે અને દ્વારકા વિધાનસભા બેઠકની ચુંટણી રદ કરવાનો આદેશ આપ્યો છે. અદાલતના આદેશના પગલે હવે પબુભાનું ધારાસભ્યપદ રદ થશે અને દ્વારકા વિધાનસભા બેઠક માટે આગામી દિવસોમાં ફરી પેટાચુંટણી યોજાશે. જોકે ગુજરાત હાઈકોર્ટે પબુભા માણેકને ધારાસભ્યપદે ગેરલાયક ઠેરવ્યા ન હોય તેવો પેટાચુંટણી પણ લડી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકા વિધાનસભા બેઠક પર પબુભા માણેકનું એક હથ્થુ સામ્રાજય છે. આ બેઠક પર તેઓ સતત ૭મી વખત ધારાસભ્યપદ તરીકે ચુંટાઈ આવ્યા હતા. અગાઉ ચાર વખત તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા અને ભાજપ તથા કોંગ્રેસના બંને પક્ષના ઉમેદવારોને મહાત આપી ધારાસભ્ય બન્યા હતા. જયારે છેલ્લી ત્રણ ટર્મથી તેઓ ભાજપના ઉમેદવાર તરીકે ધારાસભ્ય પદે ચુંટાઈ આવ્યા છે.
વર્ષ-૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં દ્વારકા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચુંટણી લડતા પબુભા માણેક ઉમેદવારી ફોર્મમાં કયાં મત વિસ્તારમાંથી ચુંટણી લડી રહ્યા છે તે વાતનો ઉલ્લેખ કરતા ફોર્મમાં ભુલી ગયા હતા જેની સામે કોંગ્રેસના પરાજીત ઉમેદવાર મેરામણ ગોરીયાએ હાઈકોર્ટમાં સમગ્ર ચુંટણી પ્રક્રિયા રદ કરવાની રીટ દાખલ કરી હતી જેનો અદાલતે ચુંટણીના ૧૬ માસ બાદ સ્વિકાર કર્યો છે.
લોકસભાની ચુંટણીમાં ત્રીજા તબકકામાં આગામી ૨૩મી એપ્રીલના રોજ ગુજરાતની ૨૬ બેઠકો માટે મતદાન યોજાવાનું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે આજે દ્વારકા વિધાનસભાની ચુંટણી રદ કરવાનો જે ચુકાદો આપ્યો છે તેનાથી સતાધારી પક્ષ ભાજપને જોરદાર ફટકો પડયો છે. અદાલતના આ નિર્ણયથી જામનગર લોકસભા બેઠક પર ભાજપને મોટી અસર થાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. જોકે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે ભાજપનાં ધારાસભ્ય પબુભા માણેક સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવે તેવી સંભાવના પણ જાણકારોએ વ્યકત કરી છે. લોકસભાની ચુંટણી સમયે જ ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાથી રાજય સહિત દેશભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.