દર વર્ષે ઋષિપંચમીનાં યોજાય છે લોકમેળો
ભગવાન શ્રીકૃષ્ણે દ્વારિકા નગરી વસાવી, તે પછીના સમયનો પ્રસંગ મહાભારતમાં પ્રચલિત છે. શ્રીકૃષ્ણનાં મોટાભાઈ બલરામજી બહેન સુભદ્રાનું વેવિશાળ દુર્યોધન સાથે કરવા માંગતા હતા જયારે શ્રીકૃષ્ણ સુભદ્રાને અર્જુન સાથે પરણાવવા માગતા હતા. આથી શ્રીકૃષ્ણની પ્રેરણાથી અર્જુને સુભદ્રાહરણ કર્યુ હતું. આ પ્રસંગ સાથે સંકળાયેલું મનાતું દ્વારિકા પાસે આવેલું ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આ સ્થળ ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિ પંચમી અથવા રગ પાંચમના દિવસે ભાવિકજનોથી ઊભરાવા લાગે છે. દ્વારિકાથી દૂર વનરાવનમાં આવેલાં એક વૃક્ષાચ્છાદિત સ્થળે એક જટાળો જોગી બેઠો છે.
આ સંત કાંઈ ખાતો પીતો નથી. તેની દરેક ભવિષ્યવાણી સાચી પડે છે. તેવી વાત સાંભળીને બલરામજી તપાસ કરાવે છે. ભોજનનો આગ્રહ કરે છે, પરંતુ આ જટાળો જોગી કહે છે કે કુંવારી ક્ધયાના હાથનું દૂધ જ પીઉં છું. બીજું કાંઈ લેતો નથી. જે સાંભળી બલરામજી સુભદ્રાને દૂધ લઈ જોગી પાસે મોકલે છે. જયાંથી સુભદ્રાની સંમતિ સાથે જોગી વેશે રહેલો અર્જુન તેનું અપહરણ કરે છે. અર્જુન સુભદ્રા સાથે બરડીયા ગામ પાસે આવેલા સીતાપુરી કુંડ પાસે લગ્ન કર્યા હતા તેવી માન્યતા છે. અહીં ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે. અર્જુન ઈન્દ્રપુત્ર હતો, તેથી તેનું નામ ઈન્દ્રેશ્વર પડયું હતું. છેલ્લાં બે-ત્રણ દાયકાઓથી આ મંદિરનો વિકાસ અને જિર્ણોદ્ધાર થતો રહ્યો છે.