દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખેડૂતો સહિત સ્થાનિક લોકો પવન ચક્કીઓ ઉભી કરતી કંપનીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. કલ્યાણપૂર તાલુકાના અલગ અલગ 28 ગામોમાં પવનચક્કીઓ ઉભી કરી ઉર્જા ઉત્પાદન કરતી કે.પી.એનર્જી અને મિયાણી પાવર ઈન્ફ્રા. એલ.એલ.પી. કંપની સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.
આ કંપનીઓ દ્વારા તમામ નીતિ, નિયોમો, કાયદાઓ, ઠરાવો, પરિપત્રોનો છેદ ઉડાડી, તંત્રને બાનમાં લઈ ખુલ્લા શાંઢની માફક કામગીરી કરવામાં આવી રહી હોવાનો વિરોધકર્તાઓએ આક્ષેપ મુક્યો છે. તંત્ર સમક્ષ અનેક લેખિત મૌખિક રજુઆત કરવા છતાં જાણે તંત્ર કુંભકર્ણ નિંદ્રાધીન હોય તેમ કોઈ કાર્યવાહી ન તંત્ર થતા 28 ગામોના લોકોએ એકઠા થઇ તંત્ર સામે રણશીંગુ ફુક્યું છે. એવો પણ આરોપ મુકાયો છે કે તંત્ર જાણી જોઈ આંખ આડા કાન કરી કંપનીને પ્રત્યક્ષ રીતે મદદ કરવામાં આવી રહી છે.
શા માટે થઈ રહ્યો છે વિરોધ ..??
સ્થાનિકોનું કહેવું છે કે આ કંપનીઓ દ્વારા અગાઉ ખાખરડા ગામના તળાવને બુરી નાખવા, ગૌચરના પાણીના હોજ ને બુરી નાખવા, બે તળાવોની પાર તોડી નાખવા, ખનીજ ચોરી, બોક્સાઇટ વાળા વિસ્તારમાં કંપનીને 3 હેકટર જમીન આપવા જેવી બાબતે વિરોધ છે. આ પ્રકારે નિયમો તોડી પવનચક્કી ઊભી કરવામાં આવતા ખેડૂતો તેમજ સ્થાનિક લોકોને નુકસાની ભોગવવી પડી રહી છે. આ બાબતે મામલતદાર, ટીડીઓ, ખાણ ખનીજ અધિકારી તેમજ કલેક્ટરને અનેક લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા મામલો વધુ ઉગ્ર બન્યો છે.
મામલતદાર કચેરીએ શિવલિંગની પૂજા કરી નોંધાવ્યો અનોખો વિરોધ
કલ્યાણપુર મામલતદાર કચેરી અંદર 28 ગામના 400-500 ગ્રામજનો એકત્રિત થઈ શિવ લિંગની પૂજા અર્ચના કરી તંત્રને સદબુદ્ધિ મળે તે માટે પ્રાર્થના કરી નવતર વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત કિસાન કોંગ્રેસની આગેવાનીમાં 28 ગામના ગ્રામજનોએ એકત્રીત થઈ શિવ પૂજા અર્ચના આરાધના પ્રાર્થના કરી તંત્રને સદબુદ્ધિ મળે તેવો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજી માંગ કરવામાં આવી હતી કે ખાખરડા ગામના તળાવને બુરી નાખવામાં આવ્યું છે તે ફરીથી જીવંત કરવામાં આવે.
આ ઉપરાંત બે તળાવની પાર તોડી નાખવામાં આવી છે તેને ફરીથી પૂર્વવત કરવામાં આવે, જે હોજ બુરી નાખ્યો છે તેને ફરીથી માટી કાઢી પૂર્વવત કરવામાં આવે, લાખો કરોડોની ખનીજ ચોરી કંપનીએ કરી છે તેની વિરુદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત જે ખનીજ વિસ્તરમાં 3 હેકટર જમીન ફાળવવામાં આવી છે તે પરત લેવામાં આવે, ગૌચરમાં જે જમીન ફાળવવામાં આવી છે તે પરત લેવામાં આવે.
ગુજરાત કિસાન કોંગ્રેસની આગેવાનીમાં ગ્રામજનોએ માંગ કરી હતી કે કંપની દ્વારા અમારા ગામોમાં પવનચકીઓ ઉભી કરી અબજો કરોડોની કમાણી કરવામાં આવશે તો કંપની દ્વારા લોકલ લેવલે રોજગારી આપવામાં આવે, કંપની દ્વારા CSR ફંડમાંથી ગામમાં જ વિકાસના કામો કરવા માટે અગાઉથી જ દર વર્ષે આપવાની રકમ નકકી કરવામાં આવે જેથી કરીને ગામનો વિકાસ થઈ શકે.
આ સાથે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાદ્વારા માગણી કરવામાં આવી હતી કે જેવી રીતે સરકાર ખાનગી કંપનીઓને ઉર્જા ઉત્પાદન કરવાનો પરવાનો આપે છે, પાણીના ભાવે સરકારી જમીન આપે છે, અને લોન પણ આપે છે તેવી જ રીતે ગ્રામ પંચાયત-ગામના મંડળ કે સહકારી મંડળીને પવનચક્કી ઉભી કરવાની મંજૂરી, રાહતદરે જમીન અને લોન આપવાની નીતિ સરકારે બનાવે જેથી કરીને વિજળીમાં ગામ સ્વનિર્ભર બનશે, ગ્રામ્યકક્ષાએ રોજગારીની તકો ઉભી થશે, અને ગામમાં જરૂર પૂરતી વીજળી વાપરી વધારાની વીજળીનું ખાનગી કંપનીની જેમ સરકારને વેચાણ કરીને ગામ પણ બે પૈસા કમાઈ ગ્રામ પંચાયતનું સ્વભંડોળ ઉભું કરશે જેથી ગામ આત્મ નિર્ભર બનશે આવી યોજના સરકાર લાવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી.