- રાજકોટમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી દ્વારકા પંથકની તરૂણીએ સ્કૂલ અને હોસ્ટેલની ફી પિતા માટે આર્થિક બોજરૂપ છે એવું વિચારી પગલું ભર્યું
- માનસરોવર પાર્કમાં પરિવારની જવાબદારીથી હતાશ થઈ યુવતીનો આપઘાત
- દૂધસાગર રોડ નજીક બીમારીથી કંટાળી યુવકે જાત જલાવીને આત્મઘાત
રાજકોટ શહેરમાં અપમૃત્યુના ત્રણ બનાવો બન્યા છે જેમાં રાજકોટની ક્રિસ્ટલ હોસ્ટેલમાં રહી ધો.૧૨ નો અભ્યાસ કરતી દ્વારકા પંથકની તરુણીએ સ્કૂલ અને હોસ્ટેલની ફી પિતા માટે આર્થિક બોજરૂપ છે પિતા માટે બોજ નથી બનવું એમ સ્યુસાઈડ નોટમાં લખી ગળાફાંસો ખાઈ અને આજીડેમ નજીક માનસરોવર પાર્કમાં પરિવારની જવાબદારીથી હતાશ થઈને યુવતીએ ફાંસો ખાઈ અને દૂધસાગર રોડ નજીક માનસિક બિમારીથી કંટાળી યુવકે અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતા ત્રણેય પરિવારમાં કલ્પાંત છવાયો છે.
જામનગર રોડ પરની કલ્યાણ સોસાયટી પાસે આવેલી અર્પણ હોસ્ટેલમાં રહેતી સાહિસ્તા મહમદ મીલતાની નામની ૧૭ વર્ષીય કિશોરીએ હોસ્ટેલના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આત્મઘાત કરી લીધો છે. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે જેમાં મૃતક કિશોરી સાહિસ્તા દેવભૂમિ દ્વારકા પંથકની છે અને તે બે ભાઇની એકની એક બહેન હતી. તેના પિતા ખાવડીમાં નોકરી કરે છે, સાહિસ્તા રાજકોટમાં અર્પણ હોસ્ટેલમાં રહી ક્રિસ્ટલ સ્કૂલમાં ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી હતી. થોડા દિવસ અગાઉ રીડિંગ વેકેશન હોવાથી સાહિસ્તા પોતાના ઘરે ગઇ હતી અને રવિવારે જ હોસ્ટેલે પરત આવી હતી, મંગળવારે બપોરે તેની સાથી વિદ્યાર્થિનીઓ સ્કૂલે પરીક્ષા આપવા ગઇ ત્યારે સાહિસ્તા સાથે ગઇ નહોતી અને પોતાના રૂમમાં રોકાઈને ફાંસો ખાઇ લીધો હતો તરૂણીએ આપઘાત કરતા પહેલા સ્યૂસાઇડ નોટ લખી હતી તેમાં પિતા પર બોજ નથી બનવું એટલે અંતિમ પગલું ભરું છું. સ્કૂલ અને હોસ્ટેલની ફી પિતા અને પરિવાર માટે આર્થિક બોજરૂપ છે તેવો વિચાર કરી યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.
બીજા બનાવમાં,માનસરોવર પાર્કમાં રહેતી કાજલ ભૂપતભાઈ સોલંકી નામની ૨૨ વર્ષિય એ મંગળવારે બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં આજી ડેમ પોલીસ. દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી જેમાં યુવતીના પિતા હયાત નથી અને કાજલ બે બહેન અને બે ભાઈમાં મોટી હતી. આથી કાજલ કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી, પરિવારની જવાબદારી હોવાથી તેણે લગ્ન કર્યા ન હતા તેણે નાની બહેનના લગ્ન કરાવી દીધા હતા.યુવતીને નાનાભાઇ ક્યારે મોટા થશે, ક્યારે સારા દિવસો આવશે આવા વિચારો કેટલાક દિવસથી આવતા હતા જે બાબતની વાત માતા સાથે કરતી હતી યુવતીએ પરિવારના જવાબદારીથી હતાશ થઈ અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં આક્રંદ છવાયો છે.
ત્રીજા બનાવમાં શહેરના દૂધસાગર રોડ ઉપર આવેલ શ્રમજીવી સોસાયટીમાં રહેતા સાહિલ રફીકભાઈ કામદાર નામના ૩૫ વર્ષીય યુવકે પોતાના ઘરે કેરોશીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડાયો હતો જેનું મોત નિપજ્યું છે. બનાવની જાણ થતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી પ્રાથમિક તપાસમાં બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.