પોલીસ અદાલતમાં રજૂ ન કરી શકે તો તેની સજા આરોપીને આપી શકાય નહીં : અદાલત
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે, જ્યારે આરોપીઓ જેલમાં હોય ત્યારે પોલીસની ફરજ છે કે તેમને ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવે. જો પોલીસ તેમને કોર્ટમાં રજૂ કરવામાં નિષ્ફળ જાય તો આરોપીઓને પોલીસની આવી બેદરકારી બદલ સજા આપી શકાય નહીં. સુપ્રીમે સ્પષ્ટ કહ્યું છે કે, ધરપકડ કરાયેલા આરોપીને અદાલતમાં રજૂ કરવાની જવાબદારી પોલીસની છે.
જસ્ટિસ બીઆર ગવઈ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે જામીન અરજી (સતેન્દ્ર બાબુ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય)નો નિર્ણય કરતી વખતે આ અવલોકનો કર્યા હતા. આરોપી એક વર્ષ અને ચાર મહિના જેલના સળિયા પાછળ રહ્યો અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
અરજદારની જામીન અરજીનો એ આધાર પર વિરોધ કરવામાં આવ્યો હતો કે અરજદાર ટ્રાયલ કોર્ટમાં હાજર થયો ન હતો અને આ રીતે વોરંટ જારી કરવામાં આવ્યું હતું.
આ દલીલને ફગાવી દેતાં બેન્ચે કહ્યું હતું કે, અરજીકર્તા જેલમાં હોવાથી તેને ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવાની પોલીસ અધિકારીઓની ફરજ હતી. અરજદારને પોલીસ અધિકારીઓની બેદરકારી બદલ દોષિત ઠેરવી શકાય નહીં. અરજદારને ટ્રાયલ કોર્ટના સંતોષ માટે જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.