વોલ ટુ વોલ પેવર કામ કરાશે: વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત કબીર વન મેઈન રોડથી કુવાડવા રોડ સુધી ૧૬ જગ્યાએ માર્જીન પાર્કિંગમાં ખડકાયેલા દબાણનો સફાયો
કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટની પસંદગી સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી છે ત્યારે ખરેખર રાજકોટ સ્માર્ટ સિટી બને તેવી દિશામાં મહાપાલિકા દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે. ચાલુ સાલના બજેટમાં શહેરના ત્રણ રાજમાર્ગોને ડસ્ટ ફ્રી બનાવવામાં આવશે તેવી ઘોષણા કરવામાં આવી હતી. દરમિયાન આજે પત્રકારોને માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ એવી જાહેરાત કરી હતી કે, શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સંતકબીર રોડને ડસ્ટ ફ્રી અને મોડેલ રોડ બનાવવામાં આવશે અને રોડ પર વોલ ટુ વોલ પેવર કામ કરવામાં આવશે. આ દિશામાં ટુંક સમયમાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.
ચાલુ સાલના બજેટમાં મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા શહેરના ત્રણ રાજમાર્ગોને ડસ્ટ ફ્રી બનાવવામાં આવશે તેવી ઘોષણા કરાઈ હતી. તે દિશામાં હવે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ તબકકે સંતકબીર રોડને ડસ્ટ ફ્રી અને મોડેલ રોડ બનાવવામાં આવશે. દરમિયાન આજે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત કબીર વન મેઈન રોડથી કુવાડવા મેઈન રોડ પર ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં પાર્થ ઈમીટેશન પાસે છાપરાનું દબાણ, સંતકબીર રોડ પર જલગંગા ચોકમાં પાર્કિંગમાંથી દબાણ, સરદાર સેના ગ્રુપનું છાપરાનું દબાણ, કે.ડી.કોમ્પ્લેક્ષમાં પાર્કિંગમાંથી દબાણ, ગોવિંદબાગ મેઈન રોડ પર વિષ્ણુ ખમણ હાઉસમાં ફુટપાથ પરથી રેલીંગનું દબાણ, શિવશકિત પ્રોવિઝન અને કપડાઝમાં રેલીંગનું દબાણ, રામમંદિર કોલ્ડ્રીંકસ પાસે ફોટા તથા છાપરાનું દબાણ, સિઘ્ધેશ્વર પેલેસમાં શ્રીરામ બ્યુરી જીલના પાર્કિંગમાં હોર્ડિંગ્સનું દબાણ, રણછોડવાડી-૧ની સામે ખોડલદિપ મોબાઈલ ઝોનમાં ઓટાનું દબાણ, રાજકોટ પ્રોપર્ટીના પાર્કિંગમાં હોડિર્ંગ્સનું દબાણ, સ્ટાર ચાઈલ્ડ પ્રિ-સ્કૂલમાં ફુટપાથ પરથી બોર્ડનું દબાણ, માતી મોબાઈલ પાસે ફુટપાથ દબાણ, જય ખોડિયાર ફરસાણમાં ફુટપાથનું દબાણ, આર.કે.કોમ્પ્લેક્ષમાં ઓટાનું દબાણ, બાલક હનુમાન ચોકમાં મહાવીર પાઉભાજીમાં ઓટાનું દબાણ દુર કરવામાં આવ્યું હતું.