- ચૂંટણી ફરજમાં જોડાયેલા લાખો કર્મચારીઓ માટે પ્રેરણારૂપ કિસ્સો
- રાજકોટ ગ્રામ્યના તત્કાલીન પ્રાંત અને હાલ વડોદરા ફરજ બજાવતા વિવેક ટાંકની કર્મનિષ્ઠાથી ચૂંટણી પંચ પણ દંગ રહી ગયું
મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી ફરજ એક બોજ લાગતી હોય છે પણ અમુક અધિકારીઓ એવા પણ છે જે આ હોંશભેર ચૂંટણી ફરજ બજાવી લોકશાહીના પર્વને ખરા અર્થમાં ઉજવતા હોય છે. આવો જ એક દાખલો રાજકોટના તત્કાલીન પ્રાંત અને હાલ વડોદરામાં ફરજ બજાવતા વિવેક ટાંકે પૂરો પાડ્યો છે. પત્નીના નિધનના ત્રીજા જ દિવસે તેઓએ ચૂંટણી ફરજ સંભાળી લીધી હતી. તેઓની આ કર્મનિષ્ઠાથી ચૂંટણી પંચ પણ દંગ રહી ગયું છે.વડોદરા જિલ્લા નાયબ ચુંટણી અધિકારી વિવેક ટાંક પત્નિના અવસાનના 3જા જ દિવસે ચુંટણીની ફરજ પર પરત ફર્યા, અન્ય કર્મચારીઓ અને અધિકારીઓ તેઓના મનોબળ અને કામ પ્રત્યેની નિષ્ઠા જોઈ આશ્ચર્યમાં રહી ગયા હતા. બુધવારે પોસ્ટલ બેલેટ થકી મતદાન કરી અન્ય મતદારોને લોકશાહીના પર્વમાં મતદાન થકી પોતાની પ્રાથમિક ફરજ અદા કરવાનો સંદેશ પણ આપ્યો હતો.
વિવેક ટાંકના પત્ની પ્રજ્ઞાબેન ટાંકનું ગત તા.27ના રોજ નિધન થયું હતું. તા.29ને સોમવારના રોજ જૂનાગઢના ટીંબાવાડીમાં બેસણું રાખવામાં આવ્યું હતું. તેમનું 6 વર્ષનું દામ્પત્ય જીવન હતું. સ્વ. પ્રજ્ઞાબેન એક મીડિયાકર્મી હતા. તેઓ વિવેક ટાંક માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. કેન્સરની બીમારી સામે તેઓએ સતત લડત આપ્યા બાદ અંતે 6 દિવસ પૂર્વે તેઓએ જિંદગીનો જંગ હારી ગયા હતા.
ધર્મપત્નીને ગુમાવનાર વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક આ પળોમાં પણ તેમના કર્તવ્યથી પાછળ નથી હટ્યા.પ્રજ્ઞાબેન છેલ્લા દોઢ વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા. ગત શનિવારે બિમારી સામે હારી જતાં તેમનું નિધન થયું હતું. તેઓએ આ કપરા સમયમાં પણ હિંમતથી ફરજ સંભાળી લીધી છે. તેઓની આ નિષ્ઠા આજે ચૂંટણી ફરજ સાથે જોડાયેલ લાખો કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બની છે.