ખ્યાતી પ્રાપ્ત ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી, પૂનમ ગોંડલીયા, વિશાલવરૂએ ગરબી મહોત્સવમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું: નવરાત્રી મહોત્સવમાં ભાગ લેનાર ગરબીઓને રોકડ પુરસ્કાર અપાયા
૧૮ વરણીની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર સમાન આપાગીગાનો ઓટલો ચોટીલા ખાતે પૂ. જીવરાજબાપુ ગૂરૂ શામજીબાપુની પ્રેરણા અને આશીર્વાદ સાથે ભવ્યાતિ ભવ્ય દશેરા મહોત્સવનું આયોજન સફળતા પૂર્વક સંપન્ન થયેલ. સતાધારની વર્ષો જુની માનવતાની પરંપરાને આગળ વધારતા આપાગીગાનો ઓટલો ચોટીલા ખાતે મહંત નરેન્દ્ર બાપુ ગૂરૂ જીવરાજબાપુના માર્ગદર્શન હેઠળ આસો સુદ ૧ તા.૨૯.૯ રવિવારના પ્રથમ નોરતાથી આસો સુદ ૧૦ તા.૮.૧૦, મંગળવાર દશેરા સુધી દરરોજ બ્રહ્મદેવી દ્વારા સવારથી બપોર સુધી હોમાત્મક તેમજ પાઠાત્મક હવન કાર્યો દ્વારા દિવ્યનવરાત્રી અનુષ્ઠાન મહામાંગ્લય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતુ. જેની પૂર્ણાંહુતિ સ્વરૂપે દશેરાના શુભ દિને ધાર્મિક મહોત્સવની ઉજવણી તા.૮.૧૦, મંગળવારથી સવારે ૯ વાગ્યાથી જે ૬ વાગ્યા સુધી કરવામાં આવી હતી.
આ દશેરા મહોત્સવમાં રાજકોટ ચોટીલા, સુરેન્દ્રનગર પંથકની ૧૯૪ જેટલા ગરબી મંડળોની ૮૫૪૨થી પણ વધુ બાળાઓએ સુપ્રખ્યાત લોક સાહિત્યકાર કિર્તીદાનભાઈ ગઢવી પુનમ ગોંડલીયા, વિશાલ વરૂ સાથે ગરબી મહોત્સવમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતુ અને માં ભગવતીની આરાધના કરી હતી આ સાથે પાંચાળ પંથકના સેંકડો સાધઉ સંતો મહંતોએ ઉપસ્થિત રહી દરેક બાળાઓને આર્શિવાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે અન્નકોટ મહાપ્રસાદનું ઉપસ્થિત દરેક માં ભગવતીના સ્વરૂપ દિકરીઓને તેમજ મહેમાનોને અન્નકોટ પ્રસાદ તેમજ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતુ તેમજ દરેક ગરબી મંડળના સંચાલક દરેક ગરબી મંડળની બાળાઓ, દરેક ધર્મપ્રેમી માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો બાળકો તેમજ દરેક કાર્યકર્તાભાઈઓ બહેનોએ પણ મહાપ્રસાદનો લાભ લીધેલ હતો.
આ સમગ્ર મહોત્સવ દરમિયાન રોજે રોજ ઉપસ્થિત તમામ ભાવિકજનો માટે વિશેષ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ તેમજ આ નવરાત્રી નિમિતે ચોટીલા તાલુકા, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર જિલ્લો તેમજ સૌરાષ્ટ્રની દરેક ગરબી મંડળની બાળાઓ તેમજ કાર્યકર્તાઓને વિશેષ મહાપ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામા આવી હતી.
દશેરા નિમિત્તે આયોજીત આ મહાયજ્ઞ અને સમગ્ર કાર્યક્રમની શુભ શરૂઆત ઉપસ્થિત સંતો મહંતો દ્વારા દિપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત કલાકારો દ્વારા ગરબા ગાઈને માં ભગવતીની આરાધના શરૂ કરવામાં આવી હતી.
આ નવરાત્રી મહોત્સવમાં ભાગ લેનાર ગરબી મંડળમાંથી પ્રથમ નંબર પર આવેલ ભરૂચી ગરબી મંડળ રાજમોતી મીલ, રાજકોટને રૂ.૧૧૧૧૧, દ્વિતિય નંબર પર આવલે નવદુર્ગા દશામાં ગરબી મંડળ મોરબી જકાતનાકા, રાજકોટને રૂ.૭૭૭૭ , તૃતીય નંબર પર આવલે નવદુર્ગા ગરબી મંડળ, જશરાજ નગર મવડી રૂ.૫૫૫૫, પુરસ્કાર ઈનામ આપવામાં આવ્યા હતા. આ સિવાય સિલેકટ અન્ય ૧૧ ગરબી મંડળોને રૂ.૨૫૦૦, પ્રોત્સાહીત પુરસ્કાર સ્વરૂપે આપવામા આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સુરેન્દ્રનગર રાજકોટ શહેરના રાજકીય સામાજીક ક્ષેત્ર તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો પણ ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે ધાર્મિક જગ્યાના સંતોમાં પર વીર હનુમાન મોલડી જગ્યાના મહંત દાદાબાપુ, જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ગાપાલગીરી બાપુ મેશરીયા ધામના મહંત બંસીદાસ બાપુ, ગેડીયા ઠાકર આશ્રમના મહંત ખેરડી જગ્યાના મહંત જગુબાપુ, વોલ મઢ માતાજી મંદિરના મહંત શાંતીદાસ બાપુ, ખેરડી કાબાપુ, ચોટીલા તેમજ વિવિધ અખાડાઓનાં અને સીતારામ સાધુઓ વગેરે હજારોની સંખ્યામાં સંતો મહંતોએ આ તકે ખાસ ઉપસ્થિત રહેલ હતા.
આપા ગીગાના ઓટલે થતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમા દરેક લોકો માટે ૨૪ કલા અવિરત મહાપ્રસાદ તહેવારો નિમિતે ભજન તેમજ સંતવારી તથા મહાપ્રસાદનું આયોજન, દર વર્ષે સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન, લઘુદ્રાભિષેક, મહાપુજા તેમજ ભગવાન ભોળાનાથને બિલીપત્ર ચડાવવાનું આયોજન દર અષાઢી બીજે ધ્વજા રોહણનું ભવ્યાતી ભવ્ય આયોજન, ચોટીલા જતા તેમજ દરેક પદયાત્રીકો અને તમામ સમાજ માટે વિસામો તેજ ભોજનની વ્યવસ્થા જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.