ફાફડાના રૂ. 400 અને શુધ્ધ ઘીની જલેબીનો ભાવ રૂ.540
આજે આસુરી શક્તિ પર વિજય મેળવવાનો દિવસ એટલે વિદ્યાદશમી… અને આ વિજયા દશમીની સોરઠ પંથકમાં ભારે ધર્મોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. તે સાથે આ દિવસે ફાફડા, જલેબી અને મીઠાઈ ખાવાનું મહત્વ હોય ત્યારે જુનાગઢ જિલ્લામાં 30 હજાર કિલો મીઠાઈ અને ફરસાણનું વેચાણ થશે. જો કે, ગત વર્ષે કરતા આ વખતે મીઠાઈ અને ફરસાણના ભાવમાં વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મીઠાઈ ખાવાને બદલે માત્ર ચાખીને દશેરા ઉજવી લે તેવું બની રહેશે.
જુનાગઢ સહિત સમગ્ર સોરઠ વાસીઓ ગરમા ગરમ ગાંઠિયા અને મીઠા રસ નીતરતી જલેબી ખાવાના ભારે શોખીનો છે. સોરઠ પંથકમાં 365 દિવસ સવારના 6 વાગ્યાથી લઈને રાત્રિના 4 વાગ્યા સુધી ગરમા ગરમ ગાંઠિયા, વિવિધ સંધારા, ચટણી અને તળેલા મરચા સાથે ચિપ્સ અને દહીં આસાનીથી મળી રહેતા હોવાથી અહીંના લોકો પેટ ભરીને ગાંઠિયાની જયાફત બોલવાના આદિ બની ગયા છે. ત્યારે આજે ભાવતું તું ને વૈદે કહ્યું ની જેમ આસુરી શક્તિ પર વિજય મેળવ્યાનો દિવસ એટલે વિજયાદશમીના દિવસે ફાફડા અને જલેબીની સાથે વિવિધ મીઠાઈ ખાવાનો દિવસ હોય ત્યારે આજે જુનાગઢ વાસીઓ સવારથી જ ગરમા ગરમ ફાફડા જલેબી અને વિવિધ મીઠાઈ સાથે ફરસાણની ખરીદી કરી રહ્યા છે. એક કંદોઈના જણાવ્યા મુજબ આજે જુનાગઢ શહેરમાં 30 હજાર કિલો મીઠાઈ અને ફરસાણાનું વેચાણ થશે.
જો કે, જૂનાગઢના મીઠાઈ અને ફરસાણના વેપારીના જણાવ્યા અનુસાર, હાલમાં તેલ, વેસણ, કઠોળ, મેંદો, દૂધ અને ઘી ની સાથે મીઠાઈમાં વપરાતી ખાંડ સહિતની વસ્તુઓના ભાવમાં ભારે વધારો થયો હોવાથી મીઠાઈમાં રૂ. 50 ની આસપાસ ભાવ વધારો નોંધાયો છે. આવી જ રીતે ફરસાણના ભાવમાં પણ 20 થી લઈને 50 રૂપિયા સુધીનો વેપારીઓએ વધારો કરવો પડ્યો છે. જેના કારણે જૂનાગઢમાં શુદ્ધ ઘીની જલેબીના એક કિલોના ભાવ રૂ. 540 અને ફાફડાના એક કિલોના ભાવ 400 રૂપિયા છે.
જો કે, સોરઠ વાસીઓ ખાવામાં ક્યારેય પાછા પડતા નથી અને તેમાંય ગાંઠિયા અને મીઠાઈની વાત આવે ત્યારે ભર પેટે ભોજન લીધા બાદ પણ 100 ગ્રામ થી લઈને અડધો કિલો ફરસાણ અને મીઠાઈ હસતા હસતા આરોગી જતા હોય છે. ત્યારે ગઈકાલે જુનાગઢ શહેરની ફરસાણ અને મીઠાઈ ની દુકાનો સહિત ડેરી ફાર્મ ઉપર મીઠાઈ અને ફરસાણ ખરીદવા માટે ભારે ગીરદી જોવા મળી રહી હતી. અને આજે સવારથી જુનાગઢની ફરસાણ, મીઠાઈ અને ડેરીઓ ઉપર મોટા પ્રમાણમાં જલેબી, ફાફડાની સાથે મીઠાઈનું વેચાણ થઈ રહ્યું છે. આ વખતે દૂધની મીઠાઈ અને માવાની મીઠાઈના ભાવ રૂ. 400 થી 480 સુધીના ભાવે અને મિક્સ મીઠાઈ 480 થી રૂપિયા 575 સુધી તથા કાજુકત્રી રૂ. 840 થી રૂપિયા 900 ના ભાવે વેચાઈ રહી છે. આ જ રીતે ફાફડાના ભાવ રૂ. 400 જ્યારે અન્ય ફરસાણના ભાવ 200 થી લઈને 350, ચવાણું રૂ. 190 થી લઈને 220 તથા ચેવડો 190 થી લઈને 300 અને મિક્સ કઠોળ 200 થી લઈને 250 સુધીમાં લોકો ખરીદી કરી રહ્યા છે. જો કે, આ વખતે મીઠાઈ અને ફરસાણમાં રૂ. 50 ની આસપાસનો ભાવ વધારો આવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મીઠાઈ ખાવાને બદલે માત્ર ચાખીને દશેરા ઉજવી લે તેવું બની રહેશે.