શહેરની ભાગોળના વિસ્તારોમાં નિર્દોષ લોકોને કારમાં લિફ્ટના બહાને બેસાડીને ડરાવી- ધમકાવીને સમગ્ર ઘટનાને વીડિયોમાં કેદ કરી સોશિયલ મીડિયામાં પબ્લિશ કરાઈ છે
કાર લિફ્ટ લેનાર વ્યક્તિ અંતે ચાલુ કારમાંથી કુદવાનો પ્રયાસ કરે અથવા તમામ રીતે હિંમત હારી જાય ત્યારબાદ આ તો પ્રેન્ક છે તેવું કહીને યુટ્યૂબર્સ હિહીહાહા કરીને તેને જવા દયે છે
દેશના મોટા શહેરો બાદ હવે રાજકોટમાં પણ પ્રેન્કના દુષણની એન્ટ્રી થઇ છે. જેમાં કારમાં લિફ્ટ આપવાના બહાને ગ્રામ્ય વિસ્તારના લોકોને ડરાવી- ધમકાવી સિતમ ગુજારવામાં આવે છે. બાદમાં પ્રેન્કનું નામ આપીને તેને જવા દેવામાં આવે છે. જો કે આ મામલાઓ પોલીસ મથક સુધી પહોંચતા ન હોય પ્રેન્ક કરનાર યુટ્યૂબર્સ ફૂલ્યા ફાલ્યા છે.
સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં વ્યુ મેળવી સ્ટાર બનવાની હોડ જામી છે. આના માટે સ્ટાર બનવાની ઘેલછા ધરાવતા તત્વો ગમે તે કરવા તૈયાર હોય છે. જો કે પોતાની જાત ઉપર જ જોખમ લઈને અખતરા કરીને સોશિયલ મીડિયામાં છવાઈ રહેવું તે સમાજ માટે જરા પણ નુકસાનકારક નથી. પણ અન્ય નિર્દોષ લોકોને પોતાના વીડિયોમાં સામેલ રાખી તેને અજાણ જ રાખીને તેના ઉપર સિતમ ગુજારીને સ્ટાર બનવાના અભરખા રાખવા ખરેખર ગંભીર ગુનાથી કમ નથી. આવા પ્રેન્ક કરવાવાળા તત્વોનું પ્રમાણ રાજકોટમાં વધી રહ્યું છે.
અત્યાર સુધી સોશિયલ મીડિયામાં વ્યુ મેળવવા માટે થતા પ્રેન્કથી રાજકોટ સુરક્ષિત હતું. પણ છેલ્લા મહિનાઓમાં હવે પ્રેન્કનું દુષણ રાજકોટમાં વધી રહ્યું છે. અમુક નબીરાઓ યુટ્યૂબર બની સોશિયલ મીડિયામાં પોતાની મહત્વકાંક્ષાઓ સાબિત કરવા આ રસ્તે આગળ વધી રહ્યા છે. તેઓ રાજકોટની ભાગોળે પોતાની કાર લઈને જાય છે અને ગ્રામ્ય વિસ્તારના અશિક્ષિત લાગતા હોય તેવા આધેડવયના લોકોને એડ્રેસ પૂછવા સહિતના બહાને બોલાવતા હોય છે. આ વ્યક્તિ સામેથી લિફ્ટ માંગે તે માટે તેને પ્રેરવામાં આવે છે. બાદમાં લિફ્ટ આપવાના બહાને વ્યક્તિને કારમાં બેસાડવામાં આવે છે.
આ દરમિયાન અગાઉથી જ યુટ્યૂબર દ્વારા કારમાં એક કેમરો મુકેલો હોય છે તેમાં સમગ્ર ઘટના રેકોર્ડ થાય છે. કોઈ વ્યક્તિ લિફ્ટ મેળવીને કારમાં બેસે એટલે તેને સીટ બેલ્ટ બંધાવવામાં આવે છે. બાદમાં ધીમે ધીમે કરીને તેની પજવણી શરૂ કરી દેવામાં આવે છે.
બાદમાં ડરાવવાનું ધમકાવવાનું આ બધુ જ કરીને વ્યક્તિને સતાવવામાં આવે છે. જ્યાં સુધી લિફ્ટ લેનાર વ્યક્તિ ચાલુ કારમાંથી કૂદી જવાની તૈયારી ન દાખવે ત્યાં સુધી તેના ઉપર સિતમ ગુજારવામાં આવે છે. આ ઉપરાંત ઘણા લિફ્ટ લેનાર લોકો તો હિંમત હારી જઈ પોક મૂકીને રડવા પણ લાગે છે.
લિફ્ટ લેનાર વ્યક્તિની સહનશીલતાનો અંત ન આવે ત્યાં સુધી યુટ્યૂબર તેને પજવીને મજા લેતો હોય છે. બાદમાં તે પ્રેન્ક હોવાનું કહી દયે છે સામે મુસીબતમાંથી છૂટેલો વ્યક્તિ પોતે સુરક્ષિત હોવાની ખુશીમાં એ ભૂલી જાય છે કે તે ભોગ બનનાર છે. તેની ખોટી રીતે પજવણી કરવામાં આવી હતી. બસ તે મુસીબતમાંથી છૂટી ગયો તેવું વિચારી લ્યે છે મોટાભાગના ભોગ બનનાર લોકો ગ્રામ્ય વિસ્તારના અને ઓછા શિક્ષિત હોય છે એટલે મામલો પોલીસ મથક સુધી પહોંચતો નથી.
પ્રેન્ક માટે ગ્રામ્ય વિસ્તારના અશિક્ષિત લોકોને જ પસંદ કરાય છે,જેથી કોઈ તકલીફ ઊભી ન થાય
યુટ્યૂબર પ્રેન્ક કરવા માટે રાજકોટના ભાગોળે જાય છે. જ્યાંથી ગ્રામ્ય વિસ્તારના લોકો જે શહેરથી પોતાના ઘર તરફ જતા હોય છે તેને ટાર્ગેટ બનાવવામાં આવે છે. આવા લોકોને જાણી જોઈને લિફ્ટ માંગવા માટે પ્રેરવામાં આવે છે. ત્યારબાદ તેની ઉપર સિતમ ગુજારવામાં આવે છે. જો કે ભોગ બનનાર ગરીબ વર્ગમાંથી હોય તેઓ ફરિયાદ કરવાનું ટાળે છે અને યુટ્યુબર્સ ફરી બીજા સાથે આવી હરકત કરતા ડરતા નથી.
ચોરી-લૂંટફાટ બાદ પણ ગુનેગારો જો પ્રેન્કનું નામ આપી દેશે તો ચાલશે?
યુટ્યૂબર્સ લિફ્ટ લેનાર વ્યક્તિને ધાક ધમકીઓ પણ આપે છે અને ડરાવવાના પુરા પ્રયાસ કરે છે. આવું ગેરકાનૂની કૃત્ય આચર્યા બાદ તેને પ્રેન્કનું નામ આપી દેવામાં આવે છે. જો આને યોગ્ય ગણવામાં આવે છે. તો પછી ચોરી, લૂંટ ફાટ કે ધાક ધમકીના બનાવોમાં જો ગુનેગાર એમ કહી દયે કે હું તો પ્રેન્ક કરતો હતો. તો તેને પણ યોગ્ય ગણવા ? ભલે ઈરાદો ગમે તે હોય પણ પ્રેન્કના નામે ભય ફેલાવવાને કાયદાની કેમ એકેય કલમ નડતી નથી તે પ્રશ્ન ઘેરો બની રહ્યો છે.
યુટ્યુબમાં માત્ર થોડા વ્યુની લાલચે કોઈ ઉપર ઝૂલમ ગુજારવાને કાયદો કેમ નડતો નથી?
પ્રેન્કનું દુષણ અનેક મોટા શહેરોમાં છે. જ્યાં લોકોની રોજબરોજની લાઈફ એટલી બીઝી હોય છે કે તે આવો કોઈ પ્રેન્કનો સામનો કરે તો તેઓ ત્યાં જ તેનું રિએક્શન આપી દેતા હોય છે. ફરિયાદની ઝંઝટમાં પડતા નથી. બીજી તરફ રાજકોટમાં શરૂ થયેલા પ્રેન્કમાં ગ્રામ્ય વિસ્તારોના લોકોને જ ટાર્ગેટ કરવામાં આવે છે. આવા લોકોને સોશિયલ મીડિયામાં માત્ર થોડા વ્યુ માટે પરેશાન કરવામાં આવે છે. જે લોકોને પ્રેન્કનો મિનિંગ પણ ખબર નથી તેઓ ઉપર પ્રેન્કના નામે ઝૂલમ ગુજારવો કાયદાની ભાષામાં યોગ્ય નથી. છતા પણ યુટ્યુબમાં આવા વીડિયો પબ્લિશ થયા બાદ કોઈ એક્શન લેવાતા નથી.
ઘણા ભોગ બનનાર પોક મૂકી રડી પડે છે, હાથ જોડી દયાની ભીખ પણ માંગે છે
યુટ્યૂબર્સની પ્રેન્કની જાળમાં ફસાયેલા અનેક ભોગ બનનારા ધાક- ધમકીથી ડરીને પોક મૂકીને રડી પડે છે. આ ઉપરાંત અનેક તો હાથ જોડીને દયાની ભીખ પણ માંગે છે. તેમ છતાં યુટ્યૂબર્સ માત્રને માત્ર વીડિયોને વધુ મનોરંજક બનાવવા તેના ઉપર સિતમ ગુજારે છે. બાદમાં જ્યાં સુધી તેને એવું ન લાગે કે ભોગ બનનારની સહનશીલતા હવે ચરમસીમાએ પહોંચી છે ત્યાં સુધી તે આ પ્રેન્ક ચાલુ જ રાખે છે.