કોરોનાકાળની મહા મુશ્કેલી વચ્ચે વિજયભાઈની દીર્ધદ્રષ્ટિના કારણે અનેક સવલતો રાતોરાત લોકોને ઉપલબ્ધ બની: વિજયભાઈના ભવ્ય અભિવાદન સમારોહમાં તબીબી જગત જોડાશે
રાજકોટના લોક નેતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના તબીબી ક્ષેત્રના વિકાસ માટે અઢળક સુવિધાઓ ઉપલબ્ધ બની છે , ગુજરાતની સૌ પ્રથમ એઈમ્સ અને પી.એમ.એસ.એસ.વાય . હોસ્પિટલ એમ બબ્બે રાષ્ટ્રીય કક્ષાની હોસ્પિટલ દેશભરમાં એક માત્ર રાજકોટ શહેરને મળી છે, ગુજરાતમાં સૌ પ્રથમ કોવિડના મૃત્યુ માટેનો ખાસ પોસ્ટ મોર્ટમ રૂમ રાજકોટમાં શરૂ કરવામાં આવ્યો હતો અને આ પોસ્ટ મોર્ટમ રૂમમાં દેશભરમાં સૌથી વધુ 35 જેટલાં મૃતદેહની ઓટોપ્સી કરવામાં આવી છે.
આ ઉપરાંત કોરોના , મ્યુકર માઈકોસીસ , ડેન્ગ્યુ વગેરે રોગચાળા વખતે જરૂરી તમામ સવલતો રાતો રાત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉભી કરવા સાથે લોકોની મુશ્કેલીમાં સંવેદનશીલ સરકાર તરીકે હુંફ આપવાનું કામ વિજયભાઈ અને તેમની સરકારે કર્યુ છે . રાજકોટનું તબીબી ક્ષેત્રે વિશ્વ કક્ષાએ નોંધ લેવાય એ લેવલનું બનાવી સમાજના દરેક વર્ગના લોકો તેનો સરળતાથી લાભ લઈ શકે એ માટે વિજયભાઈના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં અનેક પ્રજાહિતના કાર્યો થયા છે ત્યારે તેમનું રૂણ રાજકોટ – સૌરાષ્ટ્રના લોકો પર કાયમ રહેશે . લોક નેતા એવા આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રૂણ સ્વીકાર માટે રાજકોટના તબીબી જગત દ્વારા વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં રાજકોટના તમામ પથીના તબીબો અને સમાજની અન્ય સંસ્થાઓ દ્વારા વિજયભાઈનું રૂણ સ્વીકારી તેમનું ઉચીત બહુમાન કરવામાં આવશે.
આગામી તા . 8 મી ઓક્ટોબરની સાંજે રાજકોટમાં એક ગરીમાપૂર્ણ સમારંભમાં પૂર્વ મુખ્યમંત્રીની વિજયભાઈ રૂપાણીનું રૂણ સ્વીકારી અભિવાદન કરવામાં આવશે એમ રાજકોટ તબીબી જગતના અગ્રણીઓની એક યાદીમાં જણાવાયું છે . ધારાસભ્ય તરીકે વિજયભાઈ એ તબીબી ક્ષેત્રના વિકાસ માટે કરેલ પહેલ મુખ્યમંત્રી તરીકે ના કાર્યકાળમાં મુહિમ બની અને સૌરાષ્ટ્રના લોકોને અકલ્પનીય તબીબી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ બની એ વાતની દરેક વર્ગના લોકો નોંધ લે છે અને વિજયભાઈનું રૂણ કાચમ રહેશે એમ માને છે.
વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા એ પહેલા કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય હતા ત્યારે પણ તેમણે રાજકોટ સૌરાષ્ટ્રના લોકોને આરોગ્ય ક્ષેત્રે ઉતમ સારવાર – સુવિધા મળે એ માટે અનેક કાર્યો કર્યા છે . તેઓ પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે તેમણે પોતાના મત વિસ્તારમાં તબીબી સંગઠનોના સહકારથી કુપોષિત બાળકોને પોષિત કરવા ખાસ ઝુંબેશ શરૂ કરી હતી . તેમના માર્ગદર્શન હેઠળ રાજકોટના તમામ પથીના તબીબો અને સરકારી તબીબો દ્વારા રાજકોટ વિધાનસભા -69 ના વિસ્તારમાં ખાસ કેમ્પો કરવામાં આવતાં અંદાજે 185 જેટલાં બાળકો કુપોષિત હોવાનું ધ્યાનમાં આવ્યુ હતું . આ તમામ કુપોષિત બાળકોની યોગ્ય સારવાર કરાવી સંપૂર્ણ તંદુરસ્ત બનાવવાનું કામ વિજયભાઈએ કર્યું હતું . તેમના આ કાર્યની નોંઘ લઈ તત્કાલીન ગુજરાત સરકાર દ્વારા ગુજરાતભરમાં આ પ્રકારે પોષિત બાળકો માટેના ખાસ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.
વિજયભાઈ કેબીનેટ મંત્રી હતાં એ સમયે ગુજરાતમાં ડેન્ગ્યુનો રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે ડેન્ગ્યુના દર્દી માટે જરૂરી સિંગલ ડોનર પ્લેટ લેટની સારવારની સુવિધા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાવી ડેન્ગ્યુના દર્દીને વિનામુલ્યે આ સારવારની સગવડ કરાવી હતી. ખાનગી બ્લડ બેંકમાં લગભગ દસ હજાર રૂપીયામાં મળતા આ લોહીના ઘટક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવ્યા હતા.
રાજકોટ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ બાળકોની હોસ્પિટલ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલનું નવિનીકરણ કરી બાળકો માટેના આઈ.સી.યુ. બેડની સંખ્યા વધારવા સાથે બાળ દર્દીને વિશ્વકક્ષાની સારવાર મળી એ માટે તમામ સવલતો ઉપલબ્ધ બનાવી છે . સિવિલ હોસ્પિટલની સાથે વરસો જુની ઝનાના હોસ્પિટલ હતી જયાં મહિલાઓને પ્રસુતિ સંબંધી તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે પણ અનેક કિસ્સામાં નવજાત બાળકને કોઈ તકલીફ હોય ત્યારે બાળકને કે . ટી . ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવા પડે અને માતા ઝનાના હોસ્પિટલમાં દાખલ હોય આમ બાળક અને માતા બન્ને અલગ અલગ બિલ્ડીંગમાં દાખલ હોવાથી બાળકના સ્તનપાન સહિત અનેક મુશ્કેલી પડતી હતી , આ બન્ને હોસ્પિટલ વચ્ચે ટ્રાફીકથી સતત ધમધમતો ચોક છે .
આ બાબતે વિજયભાઈ એ અંગત રસ લઈ વરસો જુની ઝનાના હોસ્પિટલની જગ્યાએ અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું . આ નૂતન ઝનાના હોસ્પિટલમાં મધર અને ચાઈલ્ડ કેર એક જ બિલ્ડીંગમાં શક્ય બને એ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે . સંવેદનશીલતા અને દીર્ઘદ્રષ્ટીના કારણે વિજયભાઈ એ આવી અનેક બાબતોમાં લોકોને પડતી નાની નાની મુશ્કેલીઓ પણ નિવારવા કાર્યો કર્યા છે. ગુંદાવાડી હોસ્પિટલ તરીકે જાણીતા પદ્મકુંવરબા હોસ્પિટલમાં તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ ના અભ્યાસ ક્રમો શરૂ કરાવ્યા છે.
કોવિડ ડેથના કેસમાં ખાસ નેગેટીવ પ્રેસરવાળો પોસ્ટ મોર્ટમ રૂમ ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનાવાયો હતો , બાદમાં અમદાવાદની હોસ્પિટલમાં પણ આ પ્રકારનો ખાસ પોસ્ટ મોર્ટમ રૂમ શરૂ કરાયો છે . રાજકોટના આ પોસ્ટ મોર્ટમ રૂમની સવલત ઉપલબ્ધ બની હોવાથી દેશભરમાં સૌથી વધુ 33 જેટલાં મૃતદેહની ઓટોપ્સી કરવામાં આવી છે , જેના અભ્યાસ રીપોર્ટદુનિયાભરમાં કોવિડ સંબંધી માહિતી માટે ઉપયોગી થશે.
કોરોનામાથી હજુ લોકોને કળ નહોતી વળી ત્યાં મ્યુકર માઈકોસીસ નામના રોગે માઝા મુકી અને અચાનક મોટી સંખ્યામાં આ રોગના દર્દી આવવા લાગ્યા ત્યારે તેમના માટે દવા , ઓપરેશન સહિત તમામ જરૂરી સવલતો રાતો રાત વિજયભાઈ અને તેમની સરકાર દ્વારા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરાવવામાં આવી હતી. રાજકોટના સર જારી અને ખાનગી તબીબોની ટીમ બનાવી સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ ઉભી કરાયેલી હોસ્પિટલમાં મ્યુકર માઈકોસીસના દર્દીના વિનામુલ્યે ઓપરેશન કરી આપવા સાથે જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી હતી.
અચાનક આવી પડેલી કોરોના મહામારી રૂપી આફતના સમયે વિજયભાઈએ મુખ્યમંત્રી તરીકે આગેવાની લઈ આરોગ્ય મંત્રી સહિતના મંત્રીશ્રીઓ , ઈન્ડીયન મેડિઠલ એસોસીએશનના રાષ્ટ્રીય અને ગુજરાત કક્ષાના પદાધિકારીઓ , અધીકારીગણ વગેરેની ખાસ કમીટીની રચના કરી ગુજરાતમાં કોરોના સારવારમાં કોઈ કચાસ ન રહે એ માટે વ્યવસ્થા ગોઠવી હતી . તેઓ દરરોજ આ કમીટીની મીટીંગ લઈ કોરોના , મ્યુકર માઈકોસીસી વગેરેની સારવાર બાબતે સતત ધ્યાન રાખી જરૂરી તમામ સવલતો તાત્કાલીક ઉપલબ્ધ કરાવતા હતાં . રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના છેવાડાના માનવી સુધી આરોગ્યને લગતી તમામ સવલતો પહોંચાડનારા સંવેદનશીલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈરૂપાણીનુ ગુજરાત રૂણી છે અને રહેશે .
પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈના ઋણ સ્વીકાર સમારોહમાં તબીબી જગત જોડાનાર હોય ત્યારે ડો. અતુલ પંડયા, ડો. ચેતન લાલસેતા, ડો. નરેન્દ્ર વિસાણી, ડો. મયુરભાઈ ઠકકર, ડો. પ્રફુલ કામાણી, ડો. જયેશ રાજયગુરૂ અને ડો. શૈલેષ વસાણીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધક્ષ હતી. અને તબીબી ક્ષેત્રે જોડાયેલા 300થી વધુ સભ્યો આ સમારોહમાં હાજરી આપશે.