કચ્છ પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બીજો દિવસ બી.એસ.એફ. (સીમા સુરક્ષા દળ) ના જવાનો સાથે પસાર કરી સમગ્ર રાષ્ટ્ર વતી જવાનોની રાષ્ટ્ર પ્રતિ નિષ્ઠા અને આદરભાવ પ્રત્યે કૃતજ્ઞ ભાવ વ્યકત કર્યો હતો.
રાજ્યપાલે ભારત પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદની સૌથી નજીકની બોર્ડર આઉટ પોસ્ટ ૧૧૭૫ ની મુલાકાત લઈ જવાનો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્રને ભારતીય જવાનો પ્રત્યે આદર અને ગૌરવ છે તેમજ તમે એકલા જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્ર તમારી સાથે છે અને આપ હી હમારી પહેચાન હો. તેમ જણાવી અભિભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે રાષ્ટ્રના વિકાસમાં સીમા સુરક્ષા અતિ મહત્વની હોવાનું તેઓએ જણાવ્યું હતું.
પરિવારથી દૂર કોઈપણ વિષમ પરિસ્થિતમાં સરહદોને સુરક્ષિત રાખવાની અતિ મહત્વની કામગીરી બી.એસ.એફ ના જવાનો કરતા હોઈ છે તેમ જણાવી રાજ્યપાલ દેવવ્રતજી એ કહ્યું હતું કે, સીમા સુરક્ષા ઉપરાંત કુદરતી આફતો સમયે દેશવાસીઓના જાન-માલનું રક્ષણ પણ આ જવાનો કરે છે.
રાજ્યપાલને આ તકે હરામીનાળા તરીકે ઓળખાતા સરહદી વિસ્તાર તેમજ ઓબઝર્વેશન પોસ્ટની મુલાકાત પણ લીધી હતી.
બોર્ડર પોસ્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ બી.એસ.એફ. ના ડી.આઈ.જી. એસ.એસ. દબાસ, કમાડન્ટ શ્રીવાસ્તવ તેમજ ડેપ્યુટી કમાન્ડન્ટ લોકયા નાયક તેમજ અન્ય જવાનો દ્વારા સ્મૃતિ ચિહ્ન યાદગીરીના પ્રતીક રૂપે ભેટ આપ્યું હતું.
કચ્છ મુલાકતના બીજા દિવસે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શનાદેવીએ લખપત સ્થિત પ્રખ્યાત ગુરુદ્વારા તેમજ માતાના મઢની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે અબડાસા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત, નખત્રાણા પ્રાંત અધિકારી મેહુલ બરાસરા સહીત વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતાં .