પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી ટ્રાફિક ડ્રાયવર્ડ કરાવ્યો: તમામ પ્રકારના વાહનોની અવર જવર પર પ્રતિબંધ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે ગાંધી મ્યુઝીયમના લોકાપર્ણ અને ચૌધરી હાઇસ્કૂલ ખાતે જાહેર સભા યોજવાના હોવાથી વડાપ્રધાનનો કોન્વે સરળતાથી પસાર થઇ શકે તે માટે શહેરના કેટલાક માર્ગો પર તમામ પ્રકારના વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું પ્રસિધ્ધ કરી માર્ગો ડ્રાઇવર્ડ કર્યા છે.
વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો કોન્વે એરપોર્ટથી જુની એનસીસી ચોક થઇ પોલીસ હેડ કવાર્ટર, બહુમાળી ભવન ચોક, ચાણક્ય બિલ્ડીગ ચોકથી ચૌધરી હાઇસ્કૂલ જશે ત્યાંથી હોસ્પિટલ ચોક થઇ લવલી ગેસ્ટ હાઉસ ચોક, જયુબીલી ચોક થઇ એરપોર્ટ જવાના હોવાથી કોન્વે સરળતાથી પસાર થઇ શકે તે માટે માર્ગ ડ્રાઇવર્ડ કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.
કુવાડવા તરફથી આવતા વાહનોને પારેવડી ચોક, ખટારા સ્ટેન્ડ થઇ ઢેબર રોડ પર પસાર કરવામાં આવશે, જામનગર રોડ પરથી આવતા વાહનોને મોરબી હાઉસ થઇ ખટારા સ્ટેન્ડ પાસેથી ઢેબર રોડ પર જશે, કાલાવડ રોડ તરફથી આવતા વાહનોને ડો. યાજ્ઞિક રોડ થઇ ઢેબર ચોક થઇ ખટારા સ્ટેન્ડ તરફ જઇ શકશે, ગોંડલ તરફથી આવતા વાહનોને ઢેબર રોડ અને ગોંડલ રોડ થઇ લોધાવાડ ચોક થઇ ઢેબર ચોક જઇ શકશે, રૈયા રોડ પરથી આવતા વાહનોને આમ્રપાલી ફાટક થઇ યાજ્ઞિક રોડ તરફ જઇ શકશે જ્યારે ભાવનગર રોડ તરફથી આવતા વાહનોને ૮૦ ફુટ રોડ થઇ ઢેબર ચોક, ગોંડલ ચોકડીથી કાલાવડ ચોકડી અથવા જામનગર રોડ તરફ જઇ શકે તેમજ ગ્રીન લેન્ડ ચોકડી થી માધાપર ચોકડી થઇ જામનગર જઇ શકશે જાહેરનામુ તા. ૩૦ના બપોરના ૧૨ વાગ્યાથી રાતે ૧૧ વાગ્યા સુધી અમલમાં રહેશે તેમ યાદીમાં જણાવ્યું છે.