શનિ-રવિ સૌથી વધુ ટ્રાફિક રહ્યું : તા.4થી 8 સુધીમાં અંદાજે 90 હજારથી વધુની આવક, બોટિંગ બંધ હોવાના કારણે આવકમાં અંદાજે રૂ. 50 હજારનો ફટકો

અબતક, રાજકોટ : તહેવારોના દિવસોમાં ઇશ્વરીયા પાર્ક સહેલાણીઓથી ઉભરાયું હતું. શનિવાર અને રવિવારે સૌથી વધુ ટ્રાફિક રહ્યું હતું. તહેવારના દિવસોમાં પાર્કને અંદાજે રૂ. 90 હજારની આવક થઈ હતી. જો કે બોટિંગ બંધ હોવાથી આવકમાં અંદાજે 50 હજારનો ફટકો પડયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રાજકોટનું મીની હિલ સ્ટેશન તરીકે ઈશ્વરીયા પાર્ક જાણીતું છે. કલેકટર તંત્ર અને પાર્કના મેનેજર પી.એમ.વાળા દ્વારા તહેવારોના દિવસોમાં સહેલાણીઓની સંખ્યાને ધ્યાને રાખીને સુવ્યવસ્થિત આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. તા.11 સુધી પાર્ક રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લો રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

તહેવારોના દિવસોમાં હજારો સહેલાણીઓ પાર્કમાં ઉમટી પડ્યા હતા. ખાસ કરીને શનિવાર અને રવિવારના દિવસે સૌથી વધુ અંદાજે 2500 જેટલા લોકો પાર્કની મુલાકાતે આવ્યા હતા. બાકીના દિવસોમાં અંદાજે 500થી 1000 લોકો દરરોજ પાર્કની મુલાકાત લેતા હતા. તા.4થી લઈને તા.8 સુધી પાર્કને ટીકીટની રૂ. 90હજાર જેટલી આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ કમિશન વધારાના પ્રશ્ને પાર્કમાં બોટિંગ બંધ હોય આવકમાં અંદાજે રૂ. 50000નું ગાબડું પડ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.