મેંદરડા ખેડૂતોના પીજીવીસીએલ કચેરી ખાતે ધરણાં-આવેદન
જેના માટે ખરેખર યોજના કરવામાં આવી છે તેવા ગીર વિસ્તારના જ ૨૨ જેટલા ગામડાઓની દિવસે વીજ પુરવઠોમાં બાદબાકી કરવામાં આવતા મેંદરડા પંથકના ૨૨ જેટલા ગામડાઓના ખેડૂતોએ ગઈકાલે રોષ પૂર્ણ રીતે ડીજે વગાડી, રેલી કાઢી, મેંદરડાની પી.જી.વી.સી.એલ કચેરી સામે ધરણા યોજ્યા હતા. જોકે તેની સામે પીજીવીસીએલ અધિકારીઓ દ્વારા સત્વરે દિવસના સમયે ખેડૂતોને વીજ પુરવઠો મળશે તેવું જણાવાયું હતું. પરંતુ યુથ કોંગ્રેસના પ્રમુખ જોલીત બુસા આ પ્રશ્ને લાલઘૂમ છે અને તેમણે પીજીવીસીએલ દ્વારા સત્વરે મેંદરડા પંથકના ખેડૂતોને સૂર્યોદય યોજનાનો લાભ આપવામાં નહીં આવે તો, આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
યુથ કોંગ્રેસના પ્રમુખ જોલિત બસાના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા ખેડૂતોને વન્ય પ્રાણીઓના હુમલાઓથી બચાવવા માટે સૂર્યોદય યોજના હાથ ધરી, દિવસના સમયમાં ખેડૂતોને લાઈટ આપવાની યોજના કરવામાં આવી છે. પરંતુ જે વિસ્તારમાં ખરેખર જરૂર છે તેવા મેંદરડા પંથકના જંગલ વિસ્તારોને બાદ કરી, બિન જંગલ વિસ્તારમાં આવતા અન્ય ગામના ખેડૂતોને પણ દિવસે વીજળી આપવામાંથી બાકાત રખાયા છે, અને તેના કારણે રાત્રીના સમયે પાણી વાળતા ખેડૂતોને હિંસક અને જંગલી પ્રાણીઓનો ડર કાયમી સતાવતો હોય છે, પરંતુ સરકાર અથવા પીજીવીસીએલ દ્વારા રાજકીય કિન્નાખોરી રાખી, મેંદરડાના વિસ્તારના ૨૨ જેટલા ગામડાઓના ખેડૂતોને હજુ સુધી દિવસે વીજળી આપવામાં આવતી નથી. મેંદરડાના ખેડૂતો દ્વારા મામલતદારને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.