વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ
રોડ-રસ્તા પર વસ્તુઓ વેચી આજીવિકા ચલાવતા ફેરિયાઓ માટે આ યોજના ખૂબ મદદરૂપ સાબિત થઈ – મોદી
કોરોના મહામારી સામે વિશ્વ આખું ઝઝુમી રહ્યું છે. તેમા પણ મોટી અસર મધ્યમ વર્ગીય પરિવાર પર પડી છે. ત્યારે આ કોરોનાકાળમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને મદદ મળી રહે તે હેતુસર જુલાઇ માસમાં કેન્દ્ર સરકાર દ્રારા સ્વનિધી યોજના અમલમાં મુકવામાં આવી હતી. આ યોજનાને લઈ આજરોજ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રમોદીએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની હાજરીમાં ઉત્તરપ્રદેશના શેરી વિક્રેતાઓ તેમજ રોડ-રસ્તાઓ પર ચીજ-વસ્તુઓ વેચી આજીવિકા ચલાવનારાઓ સાથે વાતચીત કરી હતી. અને વડાપ્રધાન સ્વાનિધિ યોજનાના લાભ અંગે માહિતી આપી હતી.
લાભાર્થીઓ સાથેના સંવાદમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે રોડ-રસ્તા પર વસ્તુઓ વેચી આજીવિકા ચલાવતા ફેરિયાઓ માટે આ યોજના ખૂબ મદદરૂપ સાબિત થઈ છે. પહેલાં માત્ર નોકરીવાળાઓ જ લોન લેવા બેંકોમાં જતા, ગરીબ માણસો તો બેંકની અંદર જવાનો વિચાર પણ કરી શકતા ન હતા. ત્યારે આજે સમય બદલાયો છે. અને ખુદ બેંક ગરીબ પરિવારો પાસે આવી રહી છે. સ્વનિધી યોજનાને લઈ તેમણે બેંક કર્મચારીઓનો આભાર માન્યો અને તેમના કામની પ્રશંસા કરી છે.
તેમણે કહ્યું કે આઝાદી પછી પહેલી વાર ગરીબો બેંકોમાં જોડાઇને પ્રગતિ કરી રહ્યા છે. કોરોના યુગમાં, જ્યારે મોટા દેશોએ દમ તોડી દીધો, ત્યારે આપણો દેશ સામાન્ય વર્ગની તાકાત પર અડગ રહ્યો. પીએમએ કહ્યું કે ટૂંક સમયમાં દેશ કોરોના સંકટમાંથી સ્વસ્થ થઈ જશે. હવે આપણે વિજયના માર્ગ પર છીએ. જ્યાં સુધી આપણે યોગ્ય રીતે જીતીશું નહીં ત્યાં સુધી રુકીશુ નહી. ગરીબ અને પછાતવર્ગના જીવનધોરણ સુધારણા માટે સરકાર તમામ શક્ય પગલાં લેશે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ પ્રકારની યોજના આઝાદી પછી પહેલીવાર બનાવવામાં આવી છે. ગરીબ ભાઈ-બહેનોને કેવી રીતે સૌથી ઓછી પીડા સહન કરવી પડે તે તરફ અમે પ્રયત્નશીલ છીએ. સરકારના તમામ પ્રયત્નોના કેન્દ્રમાં આ જ ચિંતા છે. આ જ વિચારસરણીથી દેશમાં 1 લાખ 70 હજાર કરોડથી ગરીબ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી છે.