જય માં દુર્ગા…… જય જય રે મહિષાસુર મર્દિની રમ્ય કર્પદિની શૈલસુતે
સ્વામી વિવેકાનંદ સ્મૃતિ સંઘ દ્વારા છેલ્લા 1પ વર્ષથી ઉજવાય છે મહોત્સવ: પુષ્પાંજલી, સંધ્યા આરતી પુજા સહિતના કાર્યક્રમો
નવલા નોરતામાં દુર્ગાપુજાનું વિશેષ મહત્વ રહેલું છે. ખાસ કરીને બંગાળી પરિવારો દ્વારા દુર્ગાપુજા કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં પણ ઘણી જગ્યાએ નવરાત્રી દરમ્યાન દુર્ગાપુજા થાય છે. ત્યારે સ્વામી વિવેકાનંદ સ્મૃતિ સંઘ દ્વારા છેલ્લા 1પ વર્ષથી શહેરમાં દુર્ગાપુજા મહોત્સવ ઉજવાય રહ્યો છે.
સ્વામી વિવેકાનંદ સ્મૃતિ સંઘ દ્વારા દુર્ગાપુજા મહોત્સવ-2021 છેલ્લા 3 દિવસથી કોઠારીયા નાકા, કિશોરસિંહજી સ્કુલની પાછળ, મંગલમ હોલ ખાતે ઉજવાય રહ્યો છે. મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો હજુ દશેરા સુધી ચાલશે. ગત તા. 10ના રોજ ઓપનીંગ સેરેમની, ગઇકાલે મહાષષ્ઠી, આજે મહા સપ્તમી અને સંઘ્યા આરતી, આવતીકાલે મહાઅષ્ટમી, પુષ્પાંજલી, સંઘ્યા આરતી અને સંઘ્યા પુજા, તા.14 ના રોજ મહાનવમી, પુષ્પાંજલી અને સંઘ્યા આરતી તેમજ શુક્રવારે વિજયા દશમીએ સિંદુર ઉત્સવ ઉજવાશે. દુર્ગાપુજા મહોત્સવમાં દરરોજ સાંજે ભકતોની ભીડ જામે છે. આ ઉપરાંત શહેરના રામનાથ પરા સહિતના સ્થળોએ દુર્ગાપુજાના આયોજનો થયાં છે.
ધોર અંધારી રે રાતલડીમાં નિસર્યા ચાર અસવાર…
દિવાનપરા મચ્છો મંદિરે છેલ્લા 100 વર્ષથી રમાતી પ્રાચીન ગરબી, યુવકો રાસ રમી કરે છે માઁની આરાધના
નવરાત્રી મહોત્સવમાંઆજે સાતમું નોરતું છે. નવલા નોરતા અંતિમ ચરણ તરફ હોય લોકોનો ઉત્સાહ દિવસે ને દિવસે વધીરહ્યો છે. ગરબી મંડળની બાળાઓ રોજ અવનવા રાસો રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કરી રહી છે. ચાલુ વર્ષે પાર્ટી પ્લોટમાં અર્વાચીન રાસોત્સવ પર પાબંદીહોયજેથીલોકો દરરોજ રાત્રે પ્રાચીન ગરબી જોવા ઉમટી પડે છે. શહેરની ખ્યાતનામ મચ્છો મંદિરે યોજાતી ગરબી, કરણપરાની ગરબી તેમજ પેલેસ ગરબી મંડળે વિશેષ આકર્ષણ જમાવ્યું છે.
દિવાનપરામાં મચ્છોમાં મંદિરે છેલ્લા 100થી વધુ વર્ષથી પ્રાચીન ગરબી યોજાઈ છે. અહીંની વિશેષતા એ છે કે બાળાઓને બદલે યુવકો ગરબી લે છે. 12 થી 20 વર્ષનાં યુવકો રાસની રમઝટ બોલાવે છે. જે સૌનું આકષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત પેલેસ ગરબી મંડળે ગઈકાલે દિવડા રાસ રમાયો હતો. તો અતિ પ્રાચીન કરણપરાની ગરબી જોવા રાત્રે માનવ મહેરામણ ઉમટે છે. આવતીકાલે હવનાષ્ટમી હોય તમામ ગરબી મંડળોએ વિશેષ રાસો રજૂ થશે ર્માં જગદંબાને પ્રસન્ન કરવા અઠીંગો, મહિષાૃર રાસ, ભુવા રાસ સહિતના રાસો રજૂ થશે.
બાલભવન ખાતે 5 થી 10 વર્ષના ભૂલકાઓએ રાસગરબાની બોલાવી રમઝટ
દર વર્ષે બાલભવન રાજકોટ દ્વારા નવરાત્રીનું એકમાત્ર એવું આયોજન કરવામાં આવે છે કે જ્યાં ફક્ત બાળકો ઓરકેસ્ટ્રાનાં તાલમાં , જગમગાટ રોશની તેમજ વિઝયુઅલ સ્ક્રીન ઇફેક્ટ અને માતાજીની આરાધના સાથે ઝુમી ઉઠે છે. પરંતુ બાળકોની લાગણીવશ બાલભવન રાજકોટનાં માનદ મંત્રી મનસુખભાઇ જોષી અને ટ્રસ્ટી ડો . અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) દ્વારા નવરાત્રીનું ત્રીદિવસીય આયોજન કરવામાં આવ્યું જેમાં તા . 07-10નાં રોજ 5 થી 10 વર્ષ (ગૃપ-એ) નાં ભુલકાઓએ ઈન્ડોર હોલમાં ગરબા -ડાંડિયારાસની રમઝટ બોલાવી સાથે સનેડો , ભાઇભાઇ , અને ટીટોડાનાં તાલમાં પણ ઝુમ્યા તથા બાલભવનની ખાસ કૃતિ વંદે માતરમ તો બાળકોની સાથે ઉપસ્થીત તમામ મહેમાનો – વાલીઓનાં મનમાં વસી ગઈ.
પ્રથમ નોરતે એટલે કે તા.07-10ને રોજ બાળકોને પ્રોત્સહિત કરવા ઉપસ્થીત રહેલ અલ્કાબેન વોરા, મીનાક્ષીબેન અરૂણ , દર્શિતાબેન શાહ, સુશીલાબેન જોષી , રીટાબેન જોબનપુત્રા, રંજનબેન પોપટ સહીતનાં મહેમાનોએ માં જગદંબાની આરતીથી કાર્યક્રમની શરૂઆત કરી તેમજ નિર્ણાયકઓ પૂજાબેન ધોળકીયા અને દુર્ગાબેન બાવીશીએ 126 જેટલા ભુલકાઓમાંથી ટોપ ટવેન્ટી ખેલૈયાઓનાં ચયન માટેની કપરી ભૂમિકા અદા કરી . તમામ ટોપ 20 વિજેતાઓને માનવંતા મહેમાનોનાં હસ્તે ઈનામ વિતરણ કરાયું.
બાલભવન રાજકોટનાં ઓફિસ સુપ્રીન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસ દ્વારા સરકારી ગાઇડલાઇન્સનું પાલન સાથે કોઇપણ અવ્યવસ્થા ન સર્જાય તેવી તકેદારી સાથેની ગોઠવણી જોઇને ઉપસ્થીત મહેમાનો – વાલીઓએ બાલભવનનાં આવા સુંદર આયોજનની સરાહના કરી હતી . કાર્યક્રમનું સંચાલન પલ્લવીબેન વ્યાસ દ્વારા ધર્મેન્દ્ર પંડયાનાં સંગીત સંકલન હેઠળ કરાયું હતું.