કામાંધ શખ્સને બચાવવા અને ગુનો છુપાવવા પોલીસના હિન પ્રયાસ: પીડિતાને પોલીસે મારમારી ફરિયાદ ન નોંધાવવા ધમકી દીધી !: દુષ્કર્મનો ભોગ બનનાર તરૂણીને સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડાઈ

ગોંડલ તાલુકાના શ્રીનાથગઢની માત્ર ૧૩ વર્ષની તરૂણીનું તેના જ ગામના ૩૪ વર્ષના ઢગાએ બાઈક પર પોતાની વાડીએ લઈ જઈ બે દિવસ સુધી ગોંધી રાખી અવાર-નવાર બળાત્કાર ગુજારી સુરાપુરાના મંદિરમાં પુરી દીધાનો અને પોલીસે કામાંધ શખ્સને બચાવવા પીડિતાને મારમારી ધમકાવ્યાના આક્ષેપ સાથે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાતા સનસનાટી મચી ગઈ છે. આ અંગે ઉચ્ચકક્ષાએ કરાયેલી રજૂઆતના પગલે પોલીસમાં દોડધામ મચી ગઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શ્રીનાથગઢ રહેતી અને ધો.૮માં અભ્યાસ કરતી ૧૩ વર્ષની તરૂણી ગત તા.૧૬ માર્ચે પોતાની વાડીએ બોર વીણવા ગઈ હતી ત્યારે તેના જ ગામના પ્રફુલ મગન ખાખરી નામનો શખ્સ ત્યાં બાઈક પર ધસી આવ્યો હતો. તરૂણીને બાઈક પર પોતાની વાડીએ લઈ ગયા બાદ બે દિવસ સુધી ગોંધી રાખતા અવાર-નવાર દુષ્કર્મ આચરી ગામના સુરાપુરા મંદિરની અંદર તરૂણીને પુરી ભાગી ગયાનું પીડિતાના પિતાએ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. બે દિવસ સુધી તરૂણી પોતાના ઘરે ન આવતા પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવતા પીડિતા સુરાપુરાના મંદિરમાં મળી આવી હતી.

ત્યારે ગુમ થઈ તે કપડા પ્રફુલ ખાખરી પોતાની સાથે લઈ ગયો હતો અને તેને બીજા કપડા આપી દીધા હોવાથી પોલીસને દુષ્કર્મ અંગેના કોઈ પુરાવા ન મળે તેવા પ્લાન સાથે ભાગી ગયો હોવાના આક્ષેપ સાથે પરિવારજનો ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા જતા પોલીસ સ્ટાફે પીડિતા અને તેના પરિવારજનોને ધમકાવી ફરિયાદ નોંધવાનો ઈન્કાર કરી પ્રફુલ ખાખરીને બચાવવાનો આક્ષેપ સાથે સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત થયા બાદ પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. પ્રફુલ ખાખરીને પોલીસે સુરત ખાતેથી ઝડપી પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.