ધોરાજીની વિદ્યાર્થીનીના બદલે તેની બહેનપણી પરીક્ષા આપવા પહોંચી જતા સુપરવાઈઝરે દબોચી કાર્યવાહી કરી
શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધો.12ની પૂરક પરીક્ષામાં બુધવારે એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયા બાદ ગુરુવારે બીજે દિવસે ડમી વિદ્યાર્થિની પકડાઈ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંગ્રેજી વિષયની પરીક્ષામાં જે વિદ્યાર્થિનીને પરીક્ષા આપવાની હતી તેના બદલે તેની બહેનપણી પરીક્ષા આપવા આવી હતી જેને વર્ગખંડના હાજર સુપરવાઈઝરે તપાસ કરતા ડમી હોવાનું માલૂમ પડ્યું હતું જેની સામે કોપીકેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે જિલ્લા શિક્ષણાધિકારી તંત્રએ ડમી વિદ્યાર્થિની પકડાતા બંને સામે કાર્યવાહી હાથ ધરી છે. હવે ધોરણ 12ની આ વિદ્યાર્થિની આગામી 3 વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે તેવું જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું છે.
વિગતો મુજબ 13 જુલાઈને ગુરુવારે રાજકોટમાં ધોરણ 10માં ગુજરાતી વિષયની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં કુલ 41માંથી 37 વિદ્યાર્થીએ હાજર રહીને પરીક્ષા આપી હતી જ્યારે 4 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2381માંથી 2203 વિદ્યાર્થીઓએ હાજર રહીને પરીક્ષા આપી હતી જ્યારે 178 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા બપોરે 3થી 6.30 દરમિયાન લેવાઈ હતી જેમાં શહેરના રૈયા રોડ પર આવેલી કલ્યાણ હાઈસ્કૂલમાં પરીક્ષા જેને કેન્દ્ર ફાળવાયું છે તે વિદ્યાર્થિની વાઢેર વંદનાને બદલે તેની બહેનપણી કુંજલ મેર અંગ્રેજી વિષયની પરીક્ષા આપવા આવી હતી. પરીક્ષા દરમિયાન જ સુપરવાઈઝરે આ ડમી વિદ્યાર્થિનીને પકડી પાડી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં તારીખ 13 જુલાઈના એક જ દિવસમાં તમામ પેપરની પરીક્ષા લેવાનું આયોજન કરાયું હતું. જ્યારે ધોરણ 10 અને 12 સાયન્સની પરીક્ષાનું 10થી 14 જુલાઈ દરમિયાન આયોજન કરાયું છે.