પાંભર-ઈટાળામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દારૂ પીનારા અને વેંચનારા સામે ડોળા કાઢયા: નેતાઓ પણ શાનમાં સમજી જાય
રાજકોટના પાદરે આવેલા પાંભર ઇટાળા ગામમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યુવાનોના પ્રેરણા સ્ત્રોત સમા સ્વામિ વિવેકાનંદજી અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલની વિશાળ કદની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ધનંજય ગ્રુપ, વતન કે રખવાલે ગ્રુપ દ્વારા યોજવામાં આવેલા માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ અને સહકાર શિબિરમાં પણ મુખ્યમંત્રીશ્રી સહભાગી બન્યા હતા. આ તકે રૂપાણીએ સાફ શબ્દોમાં જણાવ્યું કે ગુજરાતમાં દારૂ વેચનાર અને પીનારને છોડવામાં નહીં આવે. નશાબંધીના નવા કાયદાનો અસરકારક રીતે અમલ કરવામાં આવશે.
યુવાનોને એક નવી દિશા આપવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી રૂપાણીએ આ સંદર્ભમાં ઉમેર્યું કે ગુજરાતનો યુવાન સંસ્કારશીલ અને ચારિત્ર્યવાન બને એવા રાજ્ય સરકારના પ્રયાસો છે. નશાબંધના નવા કાયદાની અમલવારી એ નેમનો એક ભાગ છે. હર હા કો કામ એ રાજ્ય સરકારનો કાર્યમંત્ર છે. એટલે, આગામી એક વર્ષમાં જોબફેર કી દસ લાખ યુવાનોને નોકરીની તકો આપવામાં આવશે.
યુવાનો માટે આ વર્ષના અંદાજપત્રમાં કરવામાં આવેલી જોગવાઇની માહિતી આપવા મુખ્યમંત્રીએ કહ્યું કે ધોરણ બાર પાસ કરી કોલેજમાં પ્રવેશ લેતા ચાર લાખ છાત્રોને માત્ર એક હજાર રૂપિયામાં જ ટેબલેટ આપવામાં આવશે. ગુજરાતનો યુવાન અભ્યાસુ બને, સાથે નવતર ટેક્નોલોજીનો ઉપયોગ કરતો થાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપણા યુવાનો અભ્યાસમાં તેજસ્વી બને અને વિશ્વ સાથે કદમી કદમ મિલાવી ચાલે એ જરૂરી છે.
કૃષિ અને કૃષિકાર કલ્યાણ માટે ઉઠાવવામાં આવેલા કદમની વિસ્તૃત છણાવટ કરતા મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા એક હજાર ટન મગફળની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. જ્યારે, ખેડૂતોને રાહત આપવા દોઢ લાખ ટન દાળની પણ પોષણક્ષમ ભાવોથી ખરીદી કરાઇ છે. ખેડૂતોના ખેતર, વાડીને ભૂંડ અને રોઝ જેવા પ્રાણીઓનો ત્રાસ છે, એ બાબત સરકારના ધ્યાને છે, એી આ વખતે બજેટમાં ખેતર ફરતે વાડ કરવા માટે કિસાનોને આર્થિક સહાય કરવા માતબર નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે. ખેડૂતોને ખોટી રીતે વીજ બીલો ન મળે એની પણ સરકાર તકેદારી રાખી રહી છે. આ સરકાર ઉપર લોકોનો અતૂટ વિશ્વાસ છે, એ વિશ્વાસને તૂટવા નહીં દેવાય.
તેમણે કહ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના આરોગ્યની ખેવના કરવામાં આવે છે. એટલે જ મુખ્યમંત્રી અમૃતમ યોજના અને વાત્સલ્ય કાર્ડ કી ગંભીર પ્રકારના રોગમાં બે લાખ રૂપિયા સુધીની સારવાર સારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે આપવામાં આવે છે. સસ્તી અને સારી દવા મળી રહે એ માટે ૫૨ પંડિત દિન દયાળ જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે, આ જૂન માસ સુધીમાં વધુ અઢીસો આવા મેડિકલ સ્ટોર ખુલી જશે.
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સેવા સેતુ કાર્યક્રમના પરિણામે વિવિધ સેવાનો લાભ ૩૫ લાખ ૩૦ હજાર લોકોને ઘર બેઠા મળ્યો હોવાની વિગતો પણ મુખ્યમંત્રીએ આપી હતી અને ૨૦૦ દિવસમાં ૨૬૦ પ્રજાલક્ષી નિર્ણયો લીધા હોવાનું અંતે ઉમેર્યું હતું.
સ્વાગત પ્રવચન આપતા ઘનશ્યામભાઇ પાંભરે પ્રગતિશિલ ગુજરાતના પ્રણેતા અને સૌરાષ્ટ્રનું નામ ઉજળુ બનાવનાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને સમગ્ર રાજય સરકારનું અભિવાદન કર્યુ હતું
આ પ્રસંગે સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાએ સહકાર ક્ષેત્રે ખેડુતોને ધિરાણ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ઝીરો ટકા વ્યાજે ખેડૂતોને ધિરાણ આપી ખેડુતો અને ગુજરાતના વિકાસમાં રાજકોટ જિલ્લા સહકારી બેન્ક હરહંમેશ કાર્યરત રહી છે. તેની માહિતી આપી ખેડૂતોને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા હાંકલ કરી હતી.
ધારાસભ્યશ્રી બાવનજીભાઇ મેતલીયાએ સરકાર દ્વારા ઇગ્રામ પોર્ટલ તેમજ ખેડૂતો માટે રૂ. ૮ હજાર કરોડની વિવિધ યોજનાઓનો રાજય સરકાર દ્વારા ચાલી રહી હોઇ ખેડૂતો આ યોજનાઓનો લાભ લે તેવું સુચન કર્યુ હતું.
માર્કટીંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખિયાએ ભૂતપુર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન દ્વારા ગરિબો અને ખેડૂતો માટે લેવાયેલા પગલાઓની સરાહના કરી હતી. સાથે સાથ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગૌ હત્યા અંગે કડક કાયદો તેમજ ખેડૂતો માટે વિજળી અને પાણી માટે લેવાયેલા નિર્ણયોને યાદ કર્યા હતા અને પ્રગતિશીલ અને નિર્યાણક સરકાર હરહંમેશ ગરિબો અને ખેડૂતલક્ષી રહી હોવાનું આ તકે જણાવ્યું હતું અગ્રણી ઉદ્યોગપતિ મહેશભાઇ સવાણી આ પ્રસંગે ઉપસ્તિ નગરજનોને સમાજમાં રહેલા દુષણો દુર કરવા આહવાન કર્યુ હતું
સમારોહમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, બાવનજીભાઇ મેતલીયા, બોર્ડનાં અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, વિવેકસાગર સ્વામી, કમલેશભાઇ મીરાણી, રાજુભાઇ ધ્રુવ, નીતીનભાઇ ભારદ્વાજ, મેયર જૈમનભાઇ ઉપાધ્યાય, કલેકટર ડો. વિક્રાંત પાંડે અગ્રણીઓ, નિતીનભાઇ ઢાંકેચા, વસંતભાઇ ગજેરા, મહેશભાઇ સવાણી, રામજીભાઇ માવાણી, બટુકભાઇ મોવલિયા, નાગદાનભાઇ ચાવડા, તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્તિ રહ્યા હતા.