જન્માષ્ટમીના લોકમેળામાં પ્લોટ માટેની અરજી પ્રક્રિયા પૂર્ણ
ડ્રોવાળા 244 પ્લોટ સામે 1849, તો હરાજીવાળા 94 પ્લોટ સામે 156 ફોર્મ ભરાયા
જન્માષ્ટમીના લોકમેળામાં પ્લોટ માટેની અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં હરાજીવાળા પ્લોટમાં નિરસતા જોવા મળી છે તો ડ્રો વાળા પ્લોટમાં મોટી હરીફાઇ જોવા મળી છે. ડ્રોવાળા 244 પ્લોટ સામે 1849, તો હરાજીવાળા 94 પ્લોટ સામે 156 ફોર્મ ભરાયા છે. સરકારી બેન્ક એકાઉન્ટમાં ધંધાર્થીઓએ રૂ. 56 લાખ જમા કરાવ્યા છે. હવે 27મીએ ડ્રો અને 28-29મીએ હરાજી યોજાનાર છે.
જિલ્લા કલેકટર તંત્ર દ્વારા જન્માષ્ટમી નિમિત્તે આગામી તારીખ 17 થી 21 ઓગસ્ટના રેસકોર્સના મેદાનમાં યોજાનારા લોકમેળામા સ્ટોલ અને પ્લોટ ભાડે મેળવવા માટે ફોર્મનું વિતરણ અને ભરાયેલા ફોર્મ પરત સ્વીકારવાની પ્રક્રિયા છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી છે. જે પૂર્ણ જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન ડ્રોવાળા જે 244 પ્લોટ છે તેની સામે 1849 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે.
સરકારી બેન્ક એકાઉન્ટમાં ધંધાર્થીઓએ રૂ. 56 લાખ જમા કરાવ્યા: હવે 27મીએ ડ્રો અને 28 અને 29મીએ હરાજી
આ પ્લોટમાં ભારે હરીફાઈ જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ હરાજીવાળા જે 94 પ્લોટ છે તેમાં 156 ફોર્મ ભરાયા છે. આમ હરાજીમાં ધંધાર્થીઓએ નિરસતા દાખવી છે.બીજી તરફ જે ફોર્મ વેચાયાએ છે તેના બદલામાં ધંધાર્થીઓએ રૂ. 2.18 લાખ જમા કરાવ્યા હતા. જ્યારે ફોર્મ ભરાઈને પરત આપવાની સાથે ધંધાર્થીઓએ રૂ. 54.12 લાખ જમા કરાવ્યા હતા. આમ મેળાના ખાતામાં રૂ. 56.30 લાખ જમા થયા છે.
બીજી તરફ હવે આગામી તા.27મીએ ડ્રો અને તા.28 તથા 29એ હરાજી યોજાનાર છે. ઉલ્લેખનીય છે કે મેળાનું નામ શું રાખવું તે માટે નગરજનો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે. તે રજુ કરવાની અંતિમ તારીખ 27 જુલાઈ હતી તે વધારીને 30 જુલાઈ રાખવામાં આવી હોવાનું જાહેર કરાયું છે.