આવતી કાલે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે છે જેમાં આ વર્ષે મેન્ટલ હેલ્થ ઍટ વર્કપ્લેસ આ થીમ સાથે જાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવશે. આજે જાણીએ આપણું કામ આપણી માનસિક હેલ્થને કઈ રીતે અસર પહોંચાડી રહ્યું છે
કોલેજના એક ટોપર છોકરાને મુંબઈમાં એક મલ્ટિનેશનલ કંપનીમાં લેવામાં આવ્યો. તે છોકરો પુસ્તકિયો કીડો હતો, પરંતુ પ્રેક્ટિકલ જગતમાં કામ કરવું તેના માટે એક ચેલેન્જ હતી. એમાં પણ ઑફિસમાં ગયો તો તેને સમજાયું કે અહીં તો બધા મારાથી લાખગણા હોશિયાર છે. તે ડરી ગયો. રાત-દિવસ મહેનત કરવા લાગ્યો. સવારે ૬ વાગ્યામાં ઑફિસમાં પહોંચી જાય અને રાત્રે ૧૧ વાગ્યે ત્યાંથી નીકળે. ખૂબ મગજ ચલાવે, પણ તોય તેની સાથેના લોકો કરતાં પાછળ રહી જાય. નિષ્ફળતા તેનામાં મોટો-મોટો ડર ભરાવવા લાગી. એક કલાકનું કામ હોય એ કરતાં તેને પાંચ કલાક લાગવા માંડ્યા. હવે તેને લાગ્યું કે કંપનીવાળા તેને કાઢી મૂકશે. ડર એટલો ઘૂસી ગયો કે રાત્રે પણ તે ઑફિસમાં જ રોકાતો. બે-ચાર કલાક સોફા પર સૂઈ જતો, બાકી કામ કર્યે રાખતો. તેની સાથે કામ કરતા લોકો આ જોઈ રહ્યા હતા, પણ કોઈ ધ્યાન આપતું નહીં. તે સખત બીમાર રહેવા લાગ્યો અને છેવટે તેનાં ગુજરાતથી આવ્યાં અને તેને પાછો લઈ ગયાં.
કેસ-૨
બે સોફ્ટવેર એન્જિનિયર કોલેજ સમયથી એકબીજાના પ્રેમમાં હતાં અને ભણી લીધા પછી એકસાથે જોબ શરૂ કરી. ઘરવાળા પણ રાજી હતા એટલે બે વર્ષની અંદર લગ્ન પણ થઈ ગયાં. બન્ને ખુશ હતાં, પરંતુ લગ્ન પછીના બે મહિનામાં પતિએ વધુ કમાવા ખાતર જોબ ચેન્જ કરી. એ કંપનીમાં તેને નાઈટ શિફ્ટ આપવામાં આવી. પતલૃની સવારે ૯ વાગ્યાથી ૬ વાગ્યા સુધી ઑફિસે જાય. ઘરે આવે ત્યાં સુધીમાં સાડાસાત જેવું થયું હોય. પતિને રાત્રે નવથી સવારે ચાર વાગ્યા સુધીની જોબ. નવ વાગ્યે પહોંચવા માટે તેણે સાત વાગ્યે ઘરેથી નીકળી જવું પડે. જ્યારે તે રાત્રે આવે ત્યારે પતલૃની સૂતી હોય, પતલૃની ઊઠે ત્યારે પતિ સૂતો હોય. આમ સોમથી શુક્ર બન્ને મળી જ નહોતાં શકતાં. ફક્ત શનિ-રવિ જ મળી શકતાં. શરૂઆતમાં તો બન્નેએ સંભાળવાની કોશિશ કરી, પરંતુ આગળ જતાં બન્ને વચ્ચે અસંતોષ વધ્યો અને ઝઘડા થવા લાગ્યા. બન્નેનો એકબીજા પરનો વિશ્વાસ હલવા લાગ્યો. હકીકતમાં બન્ને કમિટેડ હતાં, પરંતુ વિશ્વાસ હલી જવાને કારણે બન્ને દુખી હતાં. એની અસર તેમના કામ પર પણ પાડવા લાગી. આજે એ લોકોનું લગ્નજીવન લગભગ ભંગાણના આરે આવીને ઊભું રહી ગયું છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા આવતી કાલે દુનિયાભરમાં મેન્ટલ હેલ્થ ડેની ઉજવણી થશે. આ દિવસની શરૂઆત ૧૯૯૨માં કરવામાં આવી હતી જે અનુસાર આ પચ્ચીસમો વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે છે. આ વર્ષે એણે એક થીમ પસંદ કરી છે જે છે મેન્ટલ હેલ્થ ઍટ વર્કપ્લેસ. આજનો માણસ પોતાના ઘર કરતાં ઑફિસમાં વધુ સમય વિતાવી રહ્યો છે ત્યારે એ વાતાવરણમાં તેનું માનસિક સ્વાસ્થ્ય કેવું રહે છે એ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે.
આજની પરિસ્થિતિ
કામ તો પહેલાં પણ કરતા હતા અને આજે પણ થઇ રહ્યું છે તો આજનો માણસ કેમ આટલી ભીંસ અનુભવી રહ્યો છે? આ પ્રશ્નનો જવાબ આપતાં બોમ્બે સાઇકિઍટ્રી સોસાયટીના પાસ્ટ પ્રેસિડન્ટ અને પી. ડી. હિન્દુજા હોસ્પિટલના ક્ધસલ્ટિંગ સાઇકિયાટ્રિસ્ટ ડો. કેરસી ચાવડા કહે છે, પહેલાં માણસ જીવવા માટે કામ કરતો હતો, આજનો માણસ કામ કરવા માટે જ જાણે કે જીવે છે. ખાસ કરીને ૨૦થી ૪૦ વર્ષની વ્યક્તિઓની આ વાત થઈ રહી છે. એ હકીકત છે કે આજનો કામકાજી માણસ અત્યંત લાંબા ગાળાના સ્ટ્રેસમાં છે. એટલે કે તકલીફ એક કલાક કે એક દિવસની નથી હોતી, પરંતુ કાયમી છે. સતત છે. આપણાં જેટલું કામ કરતાં હતાં એના કરતાં આપણે આજે વધારે કામ કરીએ છીએ, જેને લીધે આપણી પાસે પોતાના અને પરિવાર માટેનો સમય નથી એટલું જ નહીં, કોમ્પિટિશન વધી રહી છે. ગળાકાપ હરીફાઈમાં ટકવું મુશ્કેલ છે. અસુરક્ષાની ભાવના વધી રહી છે. આ સિવાય કામની જગ્યાએ ચાલતું પોલિટિક્સ, કોણ કોનાથી આગળ નીકળી જાય એવી વગરવિચારી રેસ, લાયકાત કરતાં વધુ ભારણ, વધુ પૈસા આપતી કંપનીઓની જરૂરતથી વધુ ડિમાન્ડ વગેરે સરળ તો નથી.
બે પ્રકાર
મૂળભૂત રીતે સ્ટ્રેસના બે પ્રકાર છે : (૧) ઍક્યુટ અને (૨) ક્રોનિક. સાદી ભાષામાં સમજીએ તો જે થોડા સમય માટેનું હોય એને ઍક્યુટ સ્ટ્રેસ કહે છે જ્યારે જે લાંબા સમય સુધી ચાલે એને ક્રોનિક સ્ટ્રેસ કહે છે. જેને ઉદાહરણ સહિત સમજાવતાં ડો. અશિત શેઠ કહે છે, જેમ કે આજે કોઈ મહત્વની મીટિંગમાં કોઈ વ્યક્તિનું પ્રેઝન્ટેશન છે અથવા કોઈ ટેન્ડર બહાર પડવાનું છે અથવા ઑફિસમાં બહારથી કોઈ સુપરવિઝન કરવા આવવનું હોય જેવા તત્કાલીન અને આજના દિવસ પૂરતા જ સ્ટ્રેસને ઍક્યુટ સ્ટ્રેસ કહે છે. આ સ્ટ્રેસ આજે ઊભું થયું છે અને આજે જ પતી જવાનું છે એટલે એને ઍક્યુટ કહે છે, પરંતુ કોઈ વ્યક્તિને પ્રમોશન મળવું જોઈતું હતું અને ન મળ્યું એનો અફસોસ હોવા છતાં તે જે કંપનીમાં કામ કરે છે અને દરરોજ પોતે હાયર પોઝિશન પર નથી એનું તેને સ્ટ્રેસ થયા કરે છે તો એ ક્રોનિક સ્ટ્રેસ છે, પરંતુ મોટા ભાગે એવું જોવા મળે છે કે ઍક્યુટ સ્ટ્રેસ આગળ જતાં ક્રોનિક સ્ટ્રેસમાં પરિણમે છે.
અનલિમિટેડ પોટેન્શ્યલિટીના સાઇકિયાટ્રિસ્ટ ડો. અશિત શેઠ કહે છે, જેમ કે યર એન્ડિંગમાં કોઈ પણ કંપનીમાં ઘણું કામ વધી જતું હોય છે. એ આધારે દરરોજ કામનું અલગ જ પ્રેશર હોય એટલે એ પ્રેશર જો એક દિવસ હોય તો એ ઍક્યુટ સ્ટ્રેસ આપે, પરંતુ એ દરરોજ જ હોય તો એ દરરોજનું ઍક્યુટ સ્ટ્રેસ અંતે ક્રોનિક સ્ટ્રેસમાં ફેરવાઈ જતું હોય છે. આ ક્રોનિક સ્ટ્રેસ માનસિક બીમારીઓને આમંત્રણ આપે છે. ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશન આ રીતે જ વ્યક્તિના જીવનમાં ઘર કરે છે.
(આવતી કાલે આપણે જાણીશું કે કામ સંબંધિત સ્ટ્રેસ સામે લડવા અને માનસિક હેલ્થ યોગ્ય રાખવા શું કરી શકાય?)
ઓળખ
તમે કેવી રીતે જાણશો કે તમને કામને કારણે અનુભવાતું સ્ટ્રેસ નોર્મલ છે કે એના તરફ ધ્યાન દેવાની જરૂર છે. એ ઓળખ કઈ રીતે થશે? એ જાણીએ ડો. અશિત શેઠ પાસેથી.
૧. જ્યારે વ્યક્તિને ઍક્યુટ સ્ટ્રેસ હોય તો એનું એકદમ બ્લડ-પ્રેશર વધી જાય, ધબકારા વધી જાય, સતત રેસ્ટલેસનેસ લાગ્યા કરે એટલે કે અજંપો રહ્યા કરે, દરેક કામમાં બિનજરૂરી રીતે ઝડપ કર્યા રાખવી, નાની-નાની વાતમાં ગુસ્સે થઈ જવું, દરેક વસ્તુને વારંવાર ચકાસ્યા કરવી વગેરે લક્ષણો જણાવે છે કે વ્યક્તિને ઍક્યુટ સ્ટ્રેસ થઈ રહ્યું છે.
૨. ક્રોનિક સ્ટ્રેસનાં લક્ષણોમાં ઉપરનાં બધાં જ લક્ષણોની સાથે-સાથે કેટલાંક મહત્વનાં બીજાં લક્ષણો પણ સામેલ છે. ક્રોનિક સ્ટ્રેસવાળી વ્યક્તિઓ મોટા ભાગે ઇમોશનલેસ હોય છે. એટલે કે તેમને કોઈ પણ પ્રકારનું ખાસ પેઇન મહેસૂસ નથી થતું.
૩. સ્ટ્રેસને કારણે તેઓ મોટા ભાગે જાડા થઈ ગયા હોય છે.
૪. ઊંઘનો તેમને પ્રોબ્લેમ હોય છે.
૫. આવા લોકો બધી જ રીતે મહેનત કરતા હોવા છતાં તેમને ક્યારેય રિઝલ્ટ મળતું નથી હોતું અથવા આપેલો ટાસ્ક પૂરો કરવામાં તેઓ અસફળ રહે છે.