બીજા ‘લોક દરબાર’માં ચાર પ્રશ્નો રજૂ થયાં: ઉપસ્થિત પ્રશ્નોના ઉકેલ માટે શાળા અધિકારીઓને સુચના અપાઇ

રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના સમાવિષ્ટ ગામોમાં લોકોના પ્રશ્નો સત્વરે ઉકેલવા માટે પ્રમુખ ભુપતભાઇ બોદરે જે ‘લોક દરબાર’ જિલ્લા પંચાયત કચેરી ખાતે દર સોમવારે યોજવાનો જે નિર્ણય લીધો છે. તેને પ્રતિસાદ મળી રહ્યો છે. આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાયેલ બીજા લોક દરબારમાં ચાર જેટલાં પ્રશ્નો અરજદારોએ રજૂ કર્યા હતા. અરજદારો દ્વારા રજૂ કરાયેલ આ ચારેય પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા પ્રમુખ ભૂપતભાઇ બોદરે સંબંધીત શાળા અધિકારીઓને સુચનાઓ આપી હતી.

આજે જિલ્લા પંચાયત ખાતે યોજાયેલાં બીજા લોક દરબારમાં ચાર જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. જેમાં શિક્ષણ વિભાગને લગત કર્મચારીના કોર્ટ કેસનો પ્રશ્ન, મહેકમ શાળાને લગત ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા બાબતનો પ્રશ્ન, જસદણ તાલુકાના ભાડલા ગામે પાણીના નિકાલ બાબતે ગટરની ગ્રાન્ટ ફાળવવા બાબતનો પ્રશ્ન અને જસદણ તાલુકાના જંગવડ ગામે આરસીસી પાઇપ લાઇન નાંખવા બાબતનો પ્રશ્ન આજના યોજાયેલ ‘લોકદરબાર’માં રજૂ થયેલાં હતાં.

IMG 20220620 WA0011

આજના લોક દરબારમાં અરજદારો દ્વારા જે ચાર જેટલા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા તે તમામ પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવા જે-તે શાળા અધિકારીને સુચના અપાઇ હોવાનું જિલ્લા પંચાયત રાજકોટના પ્રમુખ ભુપતભાઇ બોદરે જણાવ્યું હતું.

જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાયેલાં આ બીજા લોકદરબારમાં અરજદારોના પ્રશ્ર્નો સાંભળવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, ઉપપ્રમુખ સવિતાબેન નાથાભાઇ વસાણી, શાસક પક્ષના નેતા વિરલભાઇ પ્રફુલ્લભાઇ પનારા, મુકેશભાઇ તોગડીયા, શિક્ષણ સમિતિના પ્રતિનિધિ ધર્મેન્દ્રભાઇ ટીલારા, પરેશભાઇ રાદડીયા, બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણભાઇ ગોગનભાઇ કયાડા, સિંચાઇ સમિતિના જેંતીલાલ મોહનલાલ બરોચીયા, જનકભાઇ ડોલરીયા, સુભાષભાઇ બાંભરોલીયા, ભીખાભાઇ બાબરીયા સહિત વિવિધ સમિતિના ચેરમેન, સભ્યો અને સભ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં.

પ્રજાના પ્રશ્નો ઉકેલવાના પ્રયાસ માટે દર સોમવારે જિલ્લા પંચાયત ખાતે યોજાતા લોક દરબારમાં ગયા સોમવારે માત્ર ત્રણ પ્રશ્નો જ રજૂ થયાં હતાં તો આજે યોજાયેલ આ લોક દરબારમાં ચાર પ્રશ્નો અરજદારો દ્વારા રજ થયાં હતાં.

જિલ્લાના અરજદારો પોતાના અણ ઉકેલ પ્રશ્નો સરળતાથી રજૂ કરી શકે અને ઉપસ્થિત પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય તેવા શુભાશયથી જિલ્લા પંચાયત ખાતે દર સોમવારે લોક દરબાર યોજવાના નિર્ણય અને કાર્યને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.

હાલ વરસાદ સારો થયો હોવાથી ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાયાં હોવાથી આજના આ ‘લોકદરબાર’માં માત્ર ચાર જ પ્રશ્નો અરજદારો દ્વારા રજૂ થયાં  હતા. આગામી દિવસોમાં દર સપ્તાહના સોમવારે યોજાનાર લોક દરબારમાં હજુ જે-જે પ્રશ્નો ઉપસ્થિત થશે તેનું સત્વરે નિરાકરણ લવાશે તેમ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.