કંપની દ્વારા મર્યાદા બહાર લાખો ટન ખનીજ ખોદી કઢાયું હોય તેની સામે યોગ્ય પગલા ભરવા જાગૃત નાગરિકોની માંગ
તાજેતરમાં રાજુલા-જાફરાબાદ વિસ્તારોમાં ભુકંપના આંચકાઓનો અનુભવ લોકોએ કર્યો. અગાઉ પણ સને ૨૦૦૧માં ૨૬મી જાન્યુઆરીએ ભુકંપ આવેલો જોકે તે સમયે તો સમગ્ર ગુજરાતમાં ભુકંપ આવેલો પરંતુ તાજેતરમાં આવેલ ભુકંપના સ્થળને ગંભીરતાથી લેવા માટે આ વિસ્તારના આગેવાનો અને પર્યાવરણ પ્રેમીઓએ જણાવેલ છે. કારણકે આ વખતે આવેલ ભુકંપ કરોડો ટન ખનીજ માઈનીંગ કરીને આ વિસ્તારમાં સૌથી વધુ પ્રદુષણ કરતી અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા ઉલેચી લેવામાં આવેલ છે અને લાખો એકર જમીનમાં તેને આપેલી શરતો કરતા પણ ખુબ ઉંડે સુધી માઈનીંગ કરીને તેમજ દરિયાની એકદમ નજીક સુધી માઈનીંગ કરીને સીઆરઝેડ (કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન) કાયદાનો સરેઆમ ભંગ કરીને મોટી મોટી ખાણો ખોદી કાઢેલ છે.
આ અંગે રામપરા-૨ના કિશાન સંઘના આગેવાન તથા ખેડુત અગ્રણી એવા લાલાભાઈ વાઘ દ્વારા જણાવેલ છે કે, આ અલ્ટ્રાટેક દ્વારા મોટાપાયે ખાણો ખોદીને ભુખરો પથ્થર કાઢી લીધેલ છે અને છેક દરિયા સુધી આવો પથ્થર કાઢી લેવાથી દરિયાના પાણી જમીનોમાં ઘુસી જવાથી તળ ખારા થઈ ગયેલ છે. જેના કારણે ખેતીને ખુબ જ નુકસાન થયેલ છે. આ ઉપરાંત આ અલ્ટ્રાટેક સિમેન્ટ. દ્વારા હવામાં સિમેન્ટના રજકણો ઉડાડે છે. જેના કારણે ખેતી પાકોને ખુબ નુકસાન થાય છે. આ અંગે અમોએ સીઆરપીસી ૧૩૩ જાહેર ઉપદ્રવ અંગેની ફરિયાદ સબ ડિવીઝન મેજીસ્ટ્રેટ સા.ની.કોર્ટમાં કરેલ.
જેમાં તેઓનું પ્રદુષણ સાબિત થયેલ જેથી આ વિસ્તારનો ઉંડો અભ્યાસ વિજ્ઞાનો દ્વારા કરવામાં આવે તથા આ વિસ્તારમાં જમીન પ્રદુષણ, પાણી પ્રદુષણ અને વાયુ પ્રદુષણ એમ ત્રણેય પ્રકારના પ્રદુષણો ઓકતી અલ્ટ્રાટેક સિમેન્ટ.ના કારણે હજારો લોકોના જીવને જોખમાય અને જો આ કંપની દ્વારા તેની મર્યાદા બહાર ખનીજ ખોદી કાઢેલ હોય જેથી તેની સામે પણ પગલા ભરવામાં આવે તેવી આ વિસ્તારના જાગૃત નાગરિકોમાંથી માંગણી ઉઠેલ છે.