સર્વેશ્વર ચોકમાંજૂની અદાવતમાં બિલ્ડર પર ત્રણ શખ્સોએ ખૂની હુમલો કર્યો ‘તો
રાજકોટમાં આવેલા સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ અને તેના સાગરીતે પાઇપ વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં લોકસાહિત્યકાર દેવાયત ખવડે જામીન મુક્ત થવા હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી પરત ખેંચી લીધી છે.
આ કેસની હકીકત મુજબ શહેરમાં યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકમાં જૂની અદાવતનો ખાર રાખી મયુરસિંહ સંપતસિંહ રાણા નામનો યુવાન પોતાની ઓફિસેથી ઘરે જવા નીકળ્યો હતો ત્યારે તેની ગાડી પાસે પહોંચતા જ નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીતે કારમાંથી ઉતરી મયુરસિંહ રાણા ઉપર પાઇપ વડે જીવલેણ હુમલો કરી માર માર્યો હતો. બાદમાં હુમલાખોર દેવાયત ખવડ અને તેના સાગરીતો કાર લઈ નાસી છૂટ્યા હતા. હુમલામાં ઘવાયેલા મયુરસિંહ રાણાએ એ ડિવિઝન પોલીસ મથકમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીત હરેશ ઉર્ફે કનો રબારી
તેમજ કાર ડ્રાઈવર કિશન દિલીપભાઈ કુંભારવાડિયા વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જે ગુનામાં નાસતા ફરતા હુમલાખોર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના બંને સાગરીતો પોલીસ સમક્ષ સરન્ડર થયા હતા. હાલ જેલ હવાલે રહેલા દેવાયત ખવડ અને તેના બંને સાગરીતોએ કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરતા દેવાયત ખવડે જામીન મુક્ત થવા હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી સુનાવણી ઉપર આવે તે પૂર્વે જ દેવાયત ખવડે હાઇકોર્ટમાં જામીન મુક્ત થવા કરેલી જામીન અરજી પરત ખેંચી લીધી છે.
આ કેસમાં મૂળ ફરિયાદી વતી રાજકોટના ખ્યાતનામ એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા અને નદીમ ધંધુકીયા રોકાયા હતા.