અન્ય રાજયમાં ટેકસ રાહતો પૂર્ણ
હળવા જીએસટીને કારણે ફાર્મા કંપનીઓની ગુજરાત તરફ દોડ
નવી ૧પપ કંપનીઓ આવે છે
જમ્મુ-કાશ્મીર, ઉતરાંચલ, હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડ જેવા રાજયોમાં કરવેરાની મુકિત પૂર્ણ થતાં ફાર્માસ્યુટીકલ કંપનીઓએ હળવા જીએસટીને કારણે ગુજરાતમાં ફાર્માકંપનીઓ સ્થાપવા રીતસરની દોટ લગાવી છે અને આગામી સમયમાં રાજયમાં ૩૮૦૦ કરોડના રોકાણ સામે નવી ૧૫૫ કંપનીઓ ફેકટરીઓ શરુ કરવા જઇ રહી છે.
નોટબંધી અને જીએસટી બાદ મોટાભાગના ઉઘોગોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેવી તદન વિપરીત સ્થિતિમાં રાજયોમાં ફાર્મા ઉઘોગ સ્થાપવા માટે રીતસરનો ધસારો જોવા મળી રહ્યો કે ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશન ગુજરાતનાં સત્તાવાર આંકડા મુજબ જુલાઇ ૨૦૧૭ સુધીમાં કુલ નવી ૧પપ કંપનીઓને ફાર્મા કંપની સ્થાપવા માટે મંજુરી આપવામાં આવી છે. આ કંપનીઓ અંદાજે ૩૦૦૦ થી ૩૮૦૦ કરોડનું રોકાણ ગુજરાતમાં કરશે.
ગુજરાતમાં નવી આવી રહેલી મોટાભાગની કંપનીઓના બાંધકામ શરુ થઇ ગયા છે જેમાં મોટા ભાગની કંપનીઓ જુદા જુદા રોગ માટેની દવાઓ બનાવવા ઉપરાંત કેટલીક કંપનીઓ મેડીકલ સાધનો બનાવવા માટેની ફેકટરીઓ પણ શરુ કરવા જઇ રહી છે.
ફાર્મા કંપનીઓની ગુજરાત પાછળની દોટ પાછળનું મુખ્ય કારણ જોઇએ તો અગાઉ હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાચંદ અને ઉત્તરાખંડ રાજયમાં ઉઘોગોને આકર્ષવા માટે કરમુકિત આપવામાં આવી જે પૂર્ણ થવાને આરે છે. આ ઉપરાંત ગુજરાતની આબોહવા ફાર્મા કંપનીઓ માટે સાનુકુળ હોવાની સાથે સાથે જીએસટી કરનું માળખુ હળવું હોવાથી પણ જુદી જુદી ફાર્મા કંપનીઓ ગુજરાતમાં ફેકટરી સ્થાપવા ઉત્સુક હોવાનું સુત્રો જણાવી રહ્યા છે..