- ઉનાળાએ ઉન્માવી ઉપાધિ: અનેક સમસ્યા સામે ઝઝુમે છે ફૂલની ખેતી કરતા ખેડુત
જામનગર ન્યૂઝ : જામનગર નજીક આવેલુ મોખાણા ગામ રણજીત સાગર ડેમ નજીક આવેલુ છે. આ ગામના મોટા ભાગના ખેડુતો છેલ્લા કેટલાક વર્ષોથી પરંપરાગત ખેતીને ત્યજીને હવે ફુલોની ખેતી કરી રહ્યા છે. ફૂલોની ખેતી કર્યા બાદ તેનું વેચાણ કરીને દરરોજ આવક મેળવી રહ્યા છે.
છેલ્લા લાંબા સમયથી તેઓ ફૂલોની ખેતી કરી રહ્યા છે જેની પાછળનું કારણ એ છે કે મોખાણા ગામ એ રણજીતસાગર ડેમ ની આજુબાજુના વિસ્તારમાં આવેલું હોવાથી પાણીના તળ ખુબ સારા રહે છે આથી ફૂલોની ખેતીને પણ પાણીની ખૂબ જરૂરિયાત રહેતી હોવાથી અહીં ફૂલની ખેતી માટે અનુકૂળતા છે જેને લઈને વર્ષોથી આ ગામના મોટાભાગના ખેડૂતો ફૂલોની ખેતી કરે છે. આથી જામનગર જિલ્લાના ખેડૂત મોખાણા ગામનો નજારો કશ્મીરના નજારા જેવો જ આહલાદક હોય છે. પરંતુ આકરા તાપને લઈ હાલની સ્થિતિ એ ખેડૂતો અનેક મૂંઝવણ અનુભવી રહ્યા છે.
મોખાણા ગામના ખેડૂત વિક્રમભાઈ પાટડીયાએ કહ્યું કે હાલ ઉનાળાને લઈને જામનગર પંથકનું તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચી રહ્યું છે. જેથી મનુષ્ય અને પશુપક્ષીઓ પણ અકળાયા છે. આવી પરિસ્થિતિ વચ્ચે જામનગરના મોખાણા ગામમાં લહેરાતા ફૂલો પણ કરમાઈ રહ્યા છે. આકરા તાપ અને પાણીની ઘટને લઈ ફૂલોની ખેતી કરતા ખેડૂતો અનેક મૂંઝવણ અનુભવી રહ્યા છે. ખાસ તાપ સામે રક્ષણ મેળવવા માટે ફૂલોને પાણીની વધુ જરૂરિયાત હોય છે.
જોકે હાલ પાણીની ઘટ હોવાથી જોઈએ તેટલું પાણી પહોંચી શકતું નથી. આથી ફૂલોના પાકમાં માર પડી રહ્યો છે. બીજી વાત એ છે કે ફૂલોનો પાક તૈયાર થઈ જતાની સાથે જ તેને ઉતારી લેવો પડે છે. જોકે હાલ આકરી ગરમીને લઈને મજૂરો કામ કરવા આવતા નથી. જેને લઇને તૈયાર પાક પણ અમુક અંશે બગડી રહ્યો છે. મજૂરો ₹500 જેવી હાજરી આપવા છતાં પણ તાપમાં કામ કરવા માટે તૈયાર થતા નથી. એક બાજુ ફૂલની ખેતીમાં હાલ ઓફ સીઝન હોવાથી ઉત્પાદન ખૂબ ઓછું છે. આથી 500 રૂપિયા મજૂરી પણ પીસાતી નથી.
અગાઉ કપાસ કે મગફળીની ખેતીમાં ખેડૂતોને કોઇને કોઇ કારણોસર નુકસાન થતુ હતુ.એક તો મોંઘા બિયારણ અને ખાતર બાદ પણ રોગ આવવાની ભીતિ રહે છે. જ્યારે અત્યારે દર માસમાં ખેડૂતો અંદાજે 8થી 10 હજાર રૂપિયા સુધીની ટૂંકી ખેતીમાં પણ કમાણી મળે છે. ફુલોની આવક દૈનિક થતી હોય છે. કોઈ કારણે ફુલોમાં બગાડ આવે તો એકાદ દિવસ આવક ઓછી થાય. જો કે તેનુ નુકસાનનું પ્રમાણ ખુબ ઓછુ હોય છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ ઉનાળો હોવાથી ખેતીમાં ઓફ સીઝન ચાલી રહી છે છતાં પણ આગામી સમયમાં ફૂલોની ખેતીમાં સારું એવું વળતર મળશે.
સાગર સંઘાણી