ટિકિટ બુકીંગનાં મુખ્ય એજન્ટ સોફટવેરમાં ગોટાળા કરી ગ્રાહકો પાસેથી નિયત દરથી વધુ નાણા ખંખેરતો હોવાનું ખુલ્યું: મેઈન્ટેનન્સનું કામ પૂર્ણ થયે ફરી રો-રો ફેરી શરુ થશે

સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સડકમાર્ગનું ભારણ ઓછું કરનાર ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસ વધુ એક વખત ઠપ્પ થઇ ગઇ છે. ગત બુધવારથી શિપના કોઇ તકનીકી કારણોસર નહીં, પરંતુ ટિકિટ બૂકિંગના મુખ્ય એજન્ટ દ્વારા સોફ્ટવેરમાં ગોટાળા કરી અને ગ્રાહકો પાસેથી નિયત દરથી વધુ નાણાં ખંખેરવામાં આવી રહ્યા હોવાની બાબત પ્રકાશમાં આવતા કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

ફેરી ઓપરેટર ડી.જી.સી કનેક્ટના ચેતનભાઇ કોન્ટ્રાક્ટરના જણાવ્યા પ્રમાણે પેસેન્જરોની સુવિધા માટે ભાવનગરમાં તન્ના ટ્રાવેલ્સને બૂકીંગ માટે મેઇન એજન્સી આપવામાં આવી હતી અને તેઓએ થોડા પેટા એજન્ટોની નિમણૂંક કરી હતી. કોમ્પ્યુટર સોફ્ટરવેરમાં ફેરફાર કરી અમારી જેવી ટિકિટ છપાવી અમારા નિયત દરથી વધુ નાણાં તેઓ પેસેન્જરો પાસેથી વસુલી રહ્યા હતા અને તે સમગ્ર બાબત પ્રકાશમાં આવતા અમે કાનૂની પ્રક્રિયા હાથ ધરવાનું નક્કી કર્યુ છે. દરમિયાન અમારા હિત શત્રુઓએ ફેરી સર્વિસ બંધ થઇ ગઇ હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા અને ડાયરેક્ટ બૂકિંગ માંડ ૨થી ૪ ટકા આવી રહ્યું હતું, તેથી હંગામી ધોરણે ફેરી સર્વિસ બંધ કરી અને રૂટિન મેનટેનન્સનું કામ પણ કરાવી લીધુ છે. ૮મી એપ્રિલથી ફેરી સેવા પુન: કાર્યાન્વિત કરવામાં આવશે.

થોડા સમય માટે સેવા સ્થગિત કરાઈ

રાજુલા, મહુવા, તળાજા, ગારિયાધાર, અમરેલી, પાલિતાણા, ભાવનગરથી સુરત વાયા ફેરી સર્વિસ જવા-આવવા માટે બસ સેવા પણ શરૂ કરવામાં આવી હતી અને તેને સારો પ્રતિસાદ પણ સાંપડી રહ્યો હતો. પરંતુ ટિકિટમાં કરાઇ રહેલા દર અંગેના ચેડાંને કારણે સેવા થોડા સમય માટે સ્થગિત કરવાની ઓપરેટરોને ફરજ પડી છે અને આ દરમિયાન જહાજનું સર્વિસિંગ, ઓઇલિંગ અને રૂટિન મરામત કામ પણ આટોપી લેવામાં આવ્યુ છે.

કેસ કરવા કાનૂની અભિપ્રાય લેવાઇ રહ્યો છે

ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસના ટિકિટ બૂકિંગ માટે તન્ના ટ્રાવેલ્સને મેઇન એજન્સી આપવામાં આવી હતી અને તેઓએ સબ એજન્ટોની નીમણૂંક કરી હતી. સોફ્ટવેર બનાવી અને ફેરીના નિયત દરથી વધુ ગ્રાહકો પાસેથી વસુલવામાં આવતા હતા. તેઓની સામે કેસ દાખલ કરવા માટે કાનૂની અભિપ્રાય મેળવવામાં આવી રહ્યો છે. નવા એજન્ટો નીમવાની પ્રક્રિયા ગતિમાં છે.

બુકિંગ એજન્સીના એજન્ટએ ગ્રાહકો પાસેથી ટિકિટના નિયત કરતાં વધુ દર લેવાનું શરૂ કરી દીધું હતું, જેના લીધે લોકોને ફેરી સર્વિસ મોંઘી પડવા લાગી હતી. આથી ડાયરેક્ટ બુકિંગ તો ૨ થી ૪ ટકા જ થતું હતું. આ બાબતે જેને એજન્સી આપવામાં આવી છે. તે કોન્ટ્રાક્ટરે વિગતે તપાસ કરતાં એજન્ટોની વરવી ભૂમિકા સામે આવી હતી અને એજન્ટો વધુ નાણાં ઉસેડતા હોવાનું ખુલ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.