ખારવા, ખીજડીયા, જાલીયા દેવાણી, માનસર વગેરેનો 17 કી.મી.નો બિસ્માર માર્ગ તંત્ર દ્વારા થઇ રહેલા વિકાસ કાર્યોની ચાડી પુરે છે?
જામનગર જીલ્લાના ધ્રોલ પંથકમાં આવેલા ખારવા, જાલીયા માનસર, હમાપર તેમજ ખીજડીયા ગામોને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય આ માર્ગ પર અનેક નાના મોટા અકસ્માતો સર્જાતા હોય ગ્રામજનો દ્વારા અનેક વખત કરવામાં આવેલી રજુઆતો તંત્રના બહેરા કાને અથડાતી હોય આગામી શુક્રવારે માનસર ખાતે યોજાનાર ‘સેવા સેતુ’ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. અને તમામ ગ્રામ પંચાયતો દ્વારા ધ્રોલ તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે લેખીત રજુઆત પણ કરવામાં આવી છે.
આ અંગેની જાણવા મળતી માહીતી પ્રમાણે ધ્રોલ તાલુકાના ખારવા ગામથી હમાપર, હમાપરથી માનસર, માનસરથી જાલીયા દેવાણી અને ત્યાંથી ખીજડીયા ગામ જવાનો અંદાજે 17 કી.મી.નો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે. રસ્તામાં મોટા મોટા ગાબડા પડયા છે. અનેક નાના મોટા અકસ્મતો સર્જાય છે. તાજેતરમાં જ એક વાહન પાણી ભરેલ ખાડામાં ખુંચી ગયું હતું. જેમાં સવાર મુસાફરોને ઇજા પણ થઇ હતી. જો કે આ બીસ્માર માર્ગોની મરામત કરવા અનેક વખત વિવિધ વિભાગો ઉપરાંત માર્ગ મકાન મંત્રીને પણ રજુઆત કરવામાં આવી છે.
છતાં પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ રહેતા આખરે આગામી તા.ર9ને શુક્રવારે ધ્રોલ તાલુકાના માનસર ખાતે યોજાનાર ‘સેવાસેતુ’ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવે છે તેવું જાલીયા માનસરના ઉપસરપંચ કગપરા દિનેશભાઇ ડી. ખીજડીયા ગ્રામ પંચાયતના સરપંચ શિલ્પાબા મહેન્દ્રસિંહ જાડેજા, હમાપર ગ્રામ પંચાયતના સરપંચ કાથળભાઇ પુનાભાઇ શિયાળ વગેરેએ ધ્રોલ તાલુકા વિકાસ અધિકારીને લેખીત જાણ કરી છે. જયારે એક નકલ મામલતદારને પણ મોકલવામાં આવી છે.
જો કે, કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલના જ વિસ્તારમાં સરકારના ‘સેવા સેતુ’ કાર્યક્રમનો બહિષ્કાર સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘ્યાન ખેંચનારી ઘટના કહી શકાય જયારે જાણવા મળતી માહીતી પ્રમાણે માનસર ખાતે સરકાર દ્વારા શુક્રવારે યોજાનાર ‘સેવા સેતુ’ કાર્યક્રમનો બહિષ્કાર કરનાર મોટાભાગના લોકો ભાજપ સમર્થીત છે અને ભાજપની સરકાર અને તેમાં પણ રાજયના કેબીનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલનો વિસ્તાર અને ત્યાં પણ પ્રજાનું કોઇ ગાંઠતું ન હોય અને લોકોને સેવાસેતુ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ફરજ પડે તે સામાન્ય ઘટના તો ન જ કહી શકાય.વિકાસની વાતો વચ્ચે 17 કિ.મી. જેવા માર્ગની મરામત પણ ન કરી શકનાર તંત્ર પાસે લોકો બીજી કંઇ અપેક્ષા રાખે તેવું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
ભાજપ સમર્થીત વિસ્તારના જ લોકો વિકાસથી વંચીત રહે તો સામાન્ય કે વ્યકિતગત પ્રશ્ર્નોની તો વાત જ કયાં રહી ! જો કે ધ્રોલ તાલુકા વિકાસ અધિકારીને ‘સેવા સેતુ’ કાર્યક્રમના બહિષ્કાર અંગે વિવિધ ગ્રામ પંચાયતો દ્વારા આપવામાં આવેલ આવેદનના કેવા પડઘા પડે છે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલ તો આ 17 કી.મી. ના બિસ્માર માર્ગનો પ્રશ્ર્નો ઉભો છે. અને સેવાસેતુ નો બહિષ્કાર આ બન્ને બાબતો વચ્ચે તંત્ર શું માર્ગ કાઢે છે તે જોવાનું રહ્યું તેવું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
શું આને કહેવાય વિકાસ ?સેવા સેતુનો બહિષ્કાર
રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલના જ વિસ્તારમાં તંત્રના અણધડ વહિવટના કારણે અનેક રજુઆતો કરવા છતાં 17 કી.મી.નો બિસ્માર માર્ગની મરામત અંગે આંખ આડા કાન કરવામાં આવતા શુક્રવારે માનસર ખાતે યોજાનાર ‘સેવા સેતુ’ કાર્યક્રમનો વિવિધ ગ્રામ પંચાયતો દ્વારા બહિષ્કાર અને તેમાં પણ સરકાર દ્વારા જે ગામમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે. તે માનસર ગ્રામ પંચાયત દ્વારા પણ સેવાસેતુનો બહિષ્કાર કરતા ખળભળાટ મચી ગયો છે.