નામચીન વણિક દંપતીના પાંચ મળતીયા કાળા કલરની કારમાં આવી પ્રોજેકટ પુરો ન થવા દેવાની ધમકી દઇ રૂ.૫ કરોડની ખંડણીની કરી માગણી.
શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ મવડીના સર્વે નંબર ૪૮-૧માં કૃતિ ઓનેલા બિલ્ડીંગ પ્રોજેકટને વિવાદીત બનાવી બિલ્ડર પાસેથી રૂ.૫ કરોડની ખંડણી માગ્યા અંગેની વણિક દંપત્તી સહિત સાત સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા કૈલાશવાડીમાં રહેતા બિલ્ડર નવીનભાઇ આત્મરામભાઇ બેલાણીએ મુંબઇ અને રાજકોટ રહેતા નરેન્દ્ર મગનલાલ શાહ, તેના પત્ની વર્ષાબેન નરેન્દ્રભાઇ શાહ અને પાંચ અજાણ્યા શખ્સો સામે તાલુકા પોલીસમાં રૂ.૫ કરોડની ખંડણી માગી જાનથી મારી નાખવાની ધમકી દીધા અંગેની ફરિયાદ નોંધાવી છે.
૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા કૃતિ ઓનેલા પ્રોજેકટમાં વિવાદ ઉભો કરી મુંબઇ ખાતે રહેતા નરેન્દ્ર શાહ અને તેના પત્ની વર્ષાબેના કહેવાથી પાંચ અજાણ્યા શખ્સો કાળા કલરની કારમાં આવી વિવાદ અંગેના વાંધા હટાવી પ્રોજેકટ પુરો કરવો હોય તો રૂ.૫ કરોડ આપવા પડશે તેવી ધમકી દીધી હતી.
સહયોગ રેખા ઇન્ફા.પ્રોજેકટ એલએલપીના નામે ભાગીદારી પેઢી ધરવતા નવીનભાઇ બેલાણીએ મવડી સર્વે નંબર ૪૮ પૈકી ૧ અને ૨ તેમજ સર્વે નંબર ૪૭ પૈકીના પ્લોટ નંબર ૧માં જુદા જુદા દસ્તાવેજ કરાવી કોર્પોરેશનમાંથી બાંધકામની પરવાની મેળવી કૃતિ ઓનેલાના નામથી સાત હાઇરાઇઝ બિલ્ડીગ બનાવવાનું કામ શરૂ કર્યુ હતું.
આ પ્રોજેટકમાં કોઇ પણ જાતનો કોર્ટમાં કે કોઇ ઓથોરિટી સમક્ષ દાવો કે તરકાર ન હતી તેમ છતાં તા.૧૮ એપ્રિલે વાંધા વચકા ઉભા કરી નરેન્દ્ર મગનલાલ શાહે અખબારમાં જાહેર નોટિસ પ્રસિધ્ધ કરાવી મિલકત વિવાદીત બનાવવા પ્રયાસ કર્યો હતો અને ત્યાર બાદ તા.૧૯ એપ્રિલે કાલા કલરની નંબર પ્લેટ વિનાની કારમાં પાંચ અજાણ્યા શખ્સો પ્રોજેકટ સ્થળે આવી નવીનભાઇ બેલાણીને બોલાવી ધમકી દઇ નરેન્દ્ર શાહના માણસો છીએ તમારે આ પ્રોજેકટ પુરો કરવો હોય તો વર્ષા શાહને મળી રૂ.૫ કરોડની ખંડણી ચુકવી પડશે નહી તો આ પ્રોજેકટ પુરો નહી થવા દેવાનું કહી ખંડણીનો હવાલો અમને આપ્યો હોવાનું જણાવી હત્યા કરવાની ધમકી દઇ પાંચેય શખ્સો ભાગી ગયા હતા ત્યારે પાંચેય શખ્સો જતા જતા પ્રોજેકટમાં વાંધા ચાલુ જ રહેશે તેમ જણાવ્યું ત્યારે નવીનભાઇ બેલાણીના ભાગીદાર જેરામભાઇ અને કરશનભાઇ હાજર હતા.
નરેન્દ્ર શાહ સામે અત્યાર સુધીમાં ચાર જમીન કૌભાંડ અંગેની ફરિયાદ નોંધાઇ છે. જેમાં પ્રહલાદ પ્લોટ શેરી નંબર ૬માં રહેતા નિતિન મગનલાલ દેસાઇએ તા.૧૮-૪-૧૦ના રોજ માલવીયાનગર પોલીસમાં મવડી સર્વે નંબર ૪૮ પૈકી-૧ની જમીનના બોગસ દસ્તાવેજ ઉભા કર્યા અંગેનો નરેન્દ્ર શાહ સામે ફરિયાદ નોંધાવી હતી.
મવડી વિસ્તારના ડો.દિલીપભાઇ કાનજીભાઇ પટેલે જમીનના સોદાના બહાને બોગસ દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કરી ઠગાઇ કર્યા અંગેની નરેન્દ્ર શાહ, વર્ષાબેન શાહ, પુત્રી ચૈતાલી શાહ, સંજય દામજી ચૌહાણ સામે ફરિયાદ નોંધાઇ હતી નરેન્દ્ર શાહે પોતાના પરિચીત એવા વિક્રમભાઇ રાવલને દસ્તાવેજની ઓળખ આપવાની સાક્ષીમાં છેતરીને સહી કરવા ખોટી રીતે ફસાવ્યાનું બહાર આવ્યું છે.
મવડી આશ્રય બંગલામાં રહેતા ભીખાલાલ લક્ષ્મણ પટોડીયાએ વાવડી ગામના સર્વે નંબર ૧૫ની જમીન અંગે રૂ.૭ લાખની છેતરપિંડી કર્યા અંગેની નરેન્દ્ર મગનલાલ શાહ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ત્રણ ગુના બાદ નરેન્દ્ર શાહ અને વર્ષા શાહ સામે નવીનભાઇ બેલાણીએ વધુ એક ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી.એસ.વણઝારા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,