રાજકારણીઓને નાત, જાત, માન, સન્માન, ધર્મ અને નીતિ-નિયમ હોતા નથી
ફોજદાર જયદેવે મુળી તાલુકાના પ્રસ્તાપિત દાદાઓને શોધી શોધી પાઠ ભણાવવાનું શરૂ કરેલ હતુ તેમાં જીલ્લા આખાનું કુખ્યાત ગામ રામપરડા, તેના રેલવે સ્ટેશનની ફરિયાદ આવી. આ રામપરડા રેલવે સ્ટેશન મુળીથી પહેલુ સ્ટેશન તેના પછી વગડીયા રેલવે સ્ટેશન પછી થાનગઢ આવતું વિસ્તાર પાકકો પાંચાળ વિસ્તાર રામપરડા ગામથી રેલવે સ્ટેશન ત્રણેક કિલોમીટર દૂર હતુ પણ ગ્રામ પંચાયત એક જ હતી અગાઉ બદલી અને નિમણુંકના પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે આ રામપરડાના માથાભારે ઈસમોએ તે સમયે થાનગઢમાં ઉપાડો લીધેલો અને ગેંગ વોરમાં બંને પક્ષે ઘણા ખૂન પણ થયેલા વ્યાજવટાવ અને તેના આનુસંગીક ગુન્હાથી પંચાળ પ્રદેશની ગરીબ જનતા ત્રસ્ત હતી અને આમ જનતા ભયને કારણે ફરિયાદ કરતા પણ ડરતી હતી.
તેવામાં રામપરડા રેલવે સ્ટેશન વિસ્તારમાં અમુક દાદાઓએ ખાતરા ગઢવીનું મકાન સળગાવ્યું આમતો મકાન જુનુ એક જ ઓરડાનું અને તેમાં ખાસ સામાન પણ હતો નહિ આથી પુરૂષો એ તો ફરિયાદ કરવાનું જ ટાળ્યું પણ એક માજી વઢવાણ વહેવારીક કામે ગયલે તે વળતા મુળી આવ્યા અને મુળી પોલીસ સ્ટેશનમાં તેમણે તેમની આગવી વાણી અને ભાષામાં જયદેવને પોતાનું મકાન સળગાવી નાખ્યાની ફરિયાદ કરી દીધી. જયદેવે તુરત જ ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૩૬ ૧૧૪ મુજબ ગુન્હો નોંધી દીધો. પૂ‚ષોએ તો શરમભરી પણ આતો જોગમાયા જે સત્ય હતુ તે સઘળુ જાહેર કર્યું અને જેજે સંડોવાયેલા માથા હતા તેમના નામ પણ આપી દીધા. માતાજીએ કહ્યું આ મા‚ એકલીનું કામ નથી પરંતુ આખા પાંચાળની ગરીબ જનતાનું દર્દ છે. તેમ સમજીને દાખલો પડે તેવું કામ કરશો તો માતાજીની તમારી ઉપર અસિમકૃપા ઉતરશે.
જયદેવે તપાસ ચાલુ કરી આરોપીઓ નાસી ગયા અને વાયા મીડીયા તાલુકા પ્રમુખ બનારાજાનો સંપર્ક કર્યો પરંતુ બનારાજાને છેલ્લે સુરેન્દ્રનગર પોલીસ વડા સમક્ષ જયદેવની ફરિયાદ કરવા ગયેલા ત્યારે જે શબ્દો પોલીસ વડાએ કહ્યા અને તેમણે સાંભળ્યા તે દ્રશ્ય તેમને યાદ આવીગયું તેના પ્રત્યાઘાત મગજમાં પડવા લાગ્યા. જયદેવનો તો કોઈ ઉપાય જ નથી હવે કોઈને કહેવા ભલામણ કરવા જેવું રહ્યું નહતુ.
રામપરડા સ્ટેશનના આરોપીઓ થાકી હારીને રજૂ થયા જયદેવે આશરાનો ધર્મ નિભાવ્યો પરંતુ કાયદેસરની કાર્યવાહી પાકી કરી આરોપીઓના રીમાન્ડ પૂરા થયા પછી કોર્ટમાં રજૂ કર્યા. મુળીની અદાલતે જામીન અરજી રદ કરી પ્રકરણ ગયું સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં ઘણા લાંબા સમયે જામીન હુકમ થયો અને માંડ માંડ છૂટયા તેમને થયું કે આવો કુબો સળગાવ્યો તેમાં આટલી સજા? ફોજદાર કાગળનો નકામો માણસ લાગે છે.
જયદેવે તેની ફરજ દરમ્યાન ખાસ નોંધ્યું છે કે કોઈ ધંધાદારી ગેંગ આમતો નાના મોટા અનેક ગુન્હા કરતા જ હોય છે. અને તેની રામલીલા ગેંગવોરમાં ચાલતી હોય છે.પણ તેઓ કયારેક કોઈ સાત્વીક અને પવિત્ર વ્યકિતને રંજાડે છે ત્યાંથી કુદરતતે ગેંગના વળતા પાણી કરી દે છે. આના અનેક ઉદાહરણો છે.
બનારાજા કાવાદાવા શરણાગતી કરી અને પ્રલોભનો આપી તાલુકા પંચાયત પ્રમુખ તો બની ગયા પરંતુ પછી ભવિષ્ય સલામત કરવા માટે પોતાના હરીફ અને વિરોધી સુરવિરસિંહને તો ઠેકાણે પાડી દીધા હતા. પરંતુ હવે મુળીનો ફોજદાર જે તેમની જ ભાષામાં આખો હતો અને કહ્યામાં ન હતો વળી પોલીસ વડા પણ તેના સાથમાં હતા હવે જો ફોજદાર ઠેકાણે પડે તો પોતે મુળી તાલુકાના સર્વસતાધીશ બની જાય. પરંતુ જયદેવને ઠેકાણ પાડવો સહેલો નહતો જયદેવને કોઈ કુટેવ ન હતી કામથી કામ હતુ બ્લેક મેઈલીંગ થઈ શકે તેમ હતુ જ નહિ.
પરંતુ આતો સત્તા માટેનું રાજકીય યુધ્ધ હતુ તેમાં Every thing is fair in love & wor મુજબ કાંઈ સાચુ ખોટુ હોતું જ નથી પરિણામ મળવાનું લક્ષ હોય છે. આ ખોટા આયોજનમાં મુળી કે અન્ય ગામોનાં લોકો સહકાર આપે નહિ અને કદાચ તૈયાર થાય તો પણ જયદેવને સમાચાર મળી જાય તેવી જયદેવની પણ ગોઠવણ એટલે બાતમી તંત્ર હતુ જો જયદેવને ષડયંત્રની ખબર પડે તો તે પણ બુધ્ધી પૂર્વક બદલો લીધા વગર રહે નહિ અને પ્રમુખના પોતાના તો સાંજ પડે દરરોજ ડખા જ ડખા હતા.
તેવામાં આ રામપરડાનો ખાતરા ગઢવીના મકાન સળગાવવાનો કિસ્સો બન્યો અને જયદેવે જે દાખલા રૂપ કાર્યવાહી કરી તેથી બનારાજાને લડવા માટે જે ઉંટ જોઈતા હતા. તે મળી ગયા. રામપરડાના આ જેલમાંથી છૂટેલા આરોપીઓનોજ સંપર્ક કરી જયદેવ વિરૂધ્ધ કાવત્રુ કરી તેને ગોઠણીયે વાળવાનું હજુ તો આયોજન ચાલતુ હતુ અને ચર્ચા મુલાકાતો ચાલતી હતી.
આ રામપરડાના લોકો સુરેન્દ્રનગર જવા માટે ટ્રેનનોજ ઉપયોગ કરતા હતા જતા તો લોકલ ટ્રેનમાં પણ વળતા જો લોકલ ટ્રેન ન હોય અને સુપરફાસ્ટ ટ્રેન હોય રામપરડા હોલ્ટ ન હોય તો પણ તે ટ્રેનમાં ચડી જવાનું અને રામપરડા સ્ટેશન આજુબાજુ સાંકળ ખેંચી (ચેઈન પુલીંગ)ટ્રેન થોભાવી દેવાની અને ઉભી રહે એટલે તુરત ઉતરવાનું નહિ પરંતુ ટ્રેન જેવી ફરી ચાલુ થાય એટલે આ તત્વો ઉતરીને નાસી જતા સુરેન્દ્રનગરની રેલવે પોલીસ (જીઆરપી) પણ આ સાંકળ ખેંચવાના કેસો દાખલ કરી કરી ત્રાસી ગઈ હતી.
રામપરડાના લોકો સામાન્ય રીતે સુરેન્દ્રનગર સવારની લોકલ ટ્રેનમાં જતા અને સાંજની લોકલમાં પાછા આવવાનું આ તેમનો કાર્યક્રમ હતો. ટ્રેનમાં વગડીયા સ્ટેશનેથી પણ મુસાફરો ચડતા પછી રામપરડા રેલવે સ્ટેશન આવતું વગડીયાની આજુબાજુનાં ગામડાઓનાં લોકો પણ વગડીયાથી જ ચડતા કોઈ રામપરડા સ્ટેશન પસંદ કરતા નહિ.
એક દિવસ રામપરડાથી આ બનારાજાના ટાયા ટ્રેનમાં ચડયા તેવી જ તેમની જગ્યા થઈ ગઈ અને બેઠા પછી પોતાનો રોલો રૂઆબ પાડવા ફોજદાર જયદેવ વિરૂધ્ધ એલફેલ બોલતા હતા તે સમયે ત્યાં ડબ્બામાં જ વગડીયા સ્ટેશનથી સુરેન્દ્રનગર નોકરીએ જતો એક કર્મચારી બેઠેલો હતો તે આ વાતચીત શાંતીથી અજાણ્યો થઈ સાંભળતો હતો. રામપરડાના ટાયાઓએ ચર્ચા આગળ વધારી એક જણે વાત કરી કે બનારાજાની તૈયારી ચાલે જ છે. અમને કહે તેટલી વાર છે બધુ ગોઠવાઈ જ ગયું છે.
આ વાત ચીત ચાલતી હતી અને મુળી રેલવે સ્ટેશન આવી ગયું. પેલો વાતચીત સાંભળનાર કર્મચારી જે વગડીયાથી બેઠલો તે સુરેન્દ્રનગર જવાને બદલે મુળી જ ઉતરી ગયો મુળી રેલવે સ્ટેશનથી બીજા વાહનમાં મુળી પોલીસ સ્ટેશને આવ્યો આ વ્યકિત પોલીસ પ્રેમી હતો. તે જયદેવે પંચાળ વિસ્તારમાં કરેલ કાર્યવાહીથી ખૂશ હતો આ વિસ્તારનાં સજજન લોકો તેથી શાંતિ અને નીર્ભયતાથી રહેતા થયા હતા તેને જયદેવથી ખાસ લાગણી હતી. તે જમાદાર મંગલસિંહને ઓળખતો હતો. તેથી તેને મળ્યો અને રેલવેનાં ડબ્બામાં થયેલ વાતચીતની હકિકત જણાવી દીધી આથી મંગળસિંહ એકલા જયદેવ પાસે આવી જયદેવને સમજાવતા કહ્યું કે ‘હવે બધુ પડતુ મુકીને પ્રમુખ બનારાજા સાથે સમાધાન કરી લો. આપણે રોજ કેટલા કેટલા કામ હોય છે.કેટલી કેટલી જગ્યાએ ધ્યાન રાખવું. જયદેવે કહ્યું કે આપણે વાંધો જ કયાં છે. તેને ખોટુ કરવું છે. એટલે તેને વાંધો છે. પછી જયદેવ વિચારમાં પડી ગયો અને મનમાં થયું કે આતો રાજકારણ છે સગો બાપ પણ દિકરાનો ન હોય પછી બીજુ શું? જયદેવે તુરત સ્વસ્થ થઈ ને મંગળસિંહને કહ્યું એ બરાબર પણ આ તમને વાત કરનાર વ્યકિતને તો મને મેળવો. મંગળસિંહે કહ્યું જો જો આનું નામ ખાનગી રાખજો કાંઈ જાહેર કરતા નહિ, નહિતર આ બાપડા કર્મચારીનું આવી બનશે. તેનું જીવવું ભારે પડી જશે જયદેવે કહ્યું ભલે
જયદેવ આ બાતમીદાર કર્મચારીને પોતાની ચેમ્બરમાં એકલો જ મળ્યો અને વિગતે વાત જાણી બીજી થોડી ઘણી પણ પૂછપરછ કરી લીધી. તથા આ ટ્રેનમા બોલનાર ઈસમનું નામ પણ જાણી લીધું અને તેને બાંહેધરી પણ આપી દીધી કે તમા‚ કયાંય નામ નહિ આવે આથી આ કર્મચારીએ રેલવે કોચમાં થયેલ સંપૂર્ણ વાતચીત કહી બતાવી બાદમાં જયદેવે આ કર્મચારીને પોતાની જીપમાં બેસાડી રોડ ઉપર આવી સુરેન્દ્રનગર સમય સર પહોચે તેવા વાહનમાં બેસાડી દીધો.
પોલીસ સ્ટેશને આવી જયદેવે તમામ સરકારી અને ખાનગી કામ પડતા મૂકી કોન્સ્ટેબલ પ્રતાપસિંહને એકલાજ બોલાવ્યા અને રેલવે ટ્રેનની બાતમીની સઘળી હકિકત જણાવી અને ‘પહેલો ઘા રાણાનો’ કરી દેવાનું નકકી કરી નાખ્યું. જયદેવે એવું આયોજન કર્યું કે એક કાંકરે બે પક્ષી તો મરે,પરંતુ બીજા પક્ષીઓ ભવિષ્યમાં આ બાજુ જોવે પણ નહિ તેવો કાર્યક્રમ ગોઠવ્યો.
પોલીસ દળ આમતો યુધ્ધનું જ કામ કરે છે. આવા બનેલા ગુનેગારો અને રાજકારણીઓની ખાલ પહેરેલા જેને હવે વ્હાઈટ કોલર ક્રીમીનલ પણ કહે છે. તેમની જોડે કાયદાકીય ચડ ઉતરનું, વર્ચસ્વનું અને પોતાના અહંનું યુધ્ધ જ કરવું પડે છે. યુધ્ધના નિયમો છે તે પોલીસ દળને પણ લાગુ પડે છે. શામ-દામ-ભેદની નીતિ ગુપ્તચર બાતમી તંત્ર અને આક્રમણ પૂરી તાકાતથી કરવાનું જયદેવે રાજકીય ઘર્ષણ ટાળવા બનારાજા પ્રમુખ બને તે માટે ની ચાલમાં પરોક્ષ ટેકો કોલસીની ખાણ ના ધંધામાં આંખ આડા કાન કરીને આપેલો,દીલુભા ભગત મારફતે જ‚રી સંદેશો પણ મોકલ્યો હતો કે હવે પોલીસનું નામ લેવાનું નહિ પણ કુતરાની પુછડી કયારેય સીધી થાય નહિ તેથી જયદેવે શામ-દામ અને ભેદની દ્રષ્ટીએ પ્રયત્નો કર્યા પછી હવે યુધ્ધજ એટલે કે સબક શીખવાડવાનો જ બાકી રહ્યો હતો. તેનું આયોજન કરી પ્રતાપસિંહને કહ્યું કે આ કાર્યક્રમની મંગળસિંહને પણ ખબર પડવી જોઈએ નહિ. તે રીતે કોન્સ્ટેબલો જયુભા, હીરાજી, ભુપતસિંહ તથા ભામા ઝાલા ઉર્ફે સવાઈ રીબેરોને પણ સાંજે પાંચ વાગ્યે બહાર ગામ જવા તૈયાર રહેવાનું કહ્યું.
જયદેવે તમામને લઈ સાંજે સાડા પાંચ વાગ્યે જીપમાં મુળી રેલવે સ્ટેશને આવી ગયો. સ્ટેશન માસ્તરને કહ્યું કે લોકલ ટ્રેન સુરેન્દ્રનગરથી ઉપડે એટલે અમને જાણ કરવી થોડીવારે સ્ટેશન માસ્તરે કહ્યું કે લોકલ રવાના થઈ ગઈ છે. આથી જયદેવે ડ્રાઈવર પરસોતમને સૂચના કરી કે તમે ભામા ઝાલાને લઈ રામપરડા સ્ટેશન ઉભા રહેજો અને ટ્રેન આવે ત્યાં સુધી કોઈ સાથે કાંઈ વાતચીત કરતા નહિ.
જયદેવને મળેલ બાતમી મુજબ મોટામાથાઓ ટ્રેનમાં મફત મુસાફરીતો કરે છે. પરંતુ તે પણ ફસ્ટ કલાસમાં જ , ટીટી પણ તેમને કાંઈ કહી શકતા નથી આથી મારવા તોમીર જ મારવાનું નકકી કરી તમામ સ્ટાફને અલગ અલગ ડબ્બામાં ચડી જઈ રામપરડા સ્ટેશને જે વ્યકિત ઉતરે તેને પકડી લેવા સુચના કરી જયદેવ સ્ટેશન ઉપર ફસ્ટરકલાસનો ડબ્બો કઈ જગ્યાએ ઉભો રહે છે. તે નકકી કરી તે જગ્યા એ દૂરથી કોઈ જોઈ શકે નહી તે રીતે ઉભો રહી ગયો સાથે જયુભાને લીધા.
જેવી ટ્રેન આવી એટલે તમામ પોલીસ વાળા એક એક ડબ્બામાં ચડી ગયા. જયુભાને લઈ જયદેવ ફર્સ્ટ કલાસના ડબ્બામાં ચડયો. બાતમી મુજબ તે ડબ્બામાં રામપરડાના બે નંગ મળી ગયા તેમાં એકતો સવારની ટ્રેનમાં જયદેવને પાડી દેવાની બનારાજાની યોજનાની વાત કરતો. હતો તેજ હતો. તેની અંગ જડતીમાંથી રાબેતા મુજબ મેઈડ ઈન સ્વીડનનો કાળા ચામડાના કવર વાળો છરો મળી આવ્યો. તુરત જ રામપરડા રેલવે સ્ટેશન આવી ગયું.રામપરડા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ભામા ઝાલા ઉર્ફે સવાઈ રીબેરો બે પગ પહોળા કરી એક હાથમાં ધોકો અને એક હાથ કમર ઉપર રાખીને ફીલ્ડ માર્શલની અદામાં ઉભા હતા. જયદેવ તથા જયુભાએ બંને નંગને ઉતારી લીધા. ટ્રેન તુરત જ ઉપડી ગઈ. તેમા પોલીસ વાળા રામપરડા રેલવે સ્ટેશને ઉતરેલ પેસેન્જરોને લઈ જયદેવ પાસે આવ્યા. જયદેવે તમામની ઝડતી તપાસ કરાવી જેમની પાસેથી હથીયારો નીકળ્યા તેમને રોકી રાખી બીજાને જવા દીધા.
ફર્સ્ટ કલાસમાંથી પકડેલ બનારાજાના ટાયાનું ઘર રેલવે સ્ટેશન ઉપર જ હતુ. જયદેવે પંચોને લઈ તેના ઘરની ઝડતી તપાસ કરી ઘરમાંથી દેશી દા‚ ગાળવાની ભઠ્ઠીનો સામાન, એક લોડેડ રીવોલ્વર તથા રેલવેનાં ફર્સ્ટ કલાસનાં ડબ્બાની સીટોનાં લીલા રંગના રેકઝીનના કવરો કે જેના ઉપર રેલવેના એન્જીનનું ગોળ માર્કામાં નિશાન હોય અને અંગ્રેજીમાં ડબલ્યુ.આર. વેસ્ટર્ન રેલવે લખેલ હોય તે મળી આવતા પંચનામું કરી કબ્જે કર્યા.
અને જયદેવ આ ફૂલેકુ લઈ મુળી પોલીસ સ્ટેશને આવ્યો ત્યાં ફૂલેકાનું સામૈયું કરવા માટે રાજકીય નેતા બટુકસિંહ હાજર હતા. જયદેવને નવાઈ લાગી આટલી ઝડપથી કેવી રીતે ખબર પડી ગઈ. પરંતુ પછી જાણવા મળ્યું કે રેલવે સ્ટેશન ઉપર ઝડતીની કાર્યવાહી ચાલુ હતી. ત્યારે જ એક મોટર સાયકલ આ ટાયા પકડાયાની મોકાણના સમાચાર બનારાજાને દેવા માટે રવાના થઈ ગયું હતુ. અને તેથી જ બનારાજાએ પોતાના પ્રતિનિધિ રૂપે બટુકસિંહને પોલીસ સ્ટેશને મોકલી દીધા હતા.
બટુકસિંહ પાકકા ટેકેદાર તેથી તેમણે તેમની ભલામણ કરવાની ફરજ બજાવી એટલે જયદેવે તેમને થોડીવાર પીએસઓના ટેબલે બેસવા કહ્યું અને પેલો મુખ્ય ટાયો રીવોલ્વર વાળાને બોલાવી સીધી રીતે પૂછપરછ કરતા સઘળી હકિકત નહિ જણાવતા જયદેવે ધોકો મંગાવ્યો અને સવારની ટ્રેનમાં તે કરેલ વાત ત્યાં બેઠેલ ટીટીએ સાંભળેલી અને મને ફોન કરીને જણાવેલ છે તેમ કહેતા જ તે બોલ્યો કે સાહેબ મારી તે ભૂલ થઈ ગઈ. આતો ટીટી તથા પબ્લીકમાં રોલો પાડવા જ વાત કરેલ હતી. ફરીથી જયદેવે સાચુ કહેવા અથવા દિગંબર ડ્રેસ પહેરાવી સરભરા કરવાનું જણાવતા તે દિગ્મુઢ થઈ ગયો. જયદેવે પોલીસ વાળાને કહ્યું કે આને દિગંબર ડ્રેસ પહેરાવો. જેવો શર્ટ ઉતરાવ્યો ત્યાંજ તેણે સાચી વાત કહી દીધી. જયદેવે બટુકસિંહને ચેમ્બરમાં બોલાવી પકડાયેલ ઈસમના મોઢે જ તાલુકા પ્રમુખ બનારાજાના કાળા કારનામાની આ વાત બટુકસિંહને સંભળાવી આથી બટુકસિંહ પણ અચંબો પામી ગયા. તેમણે આ ગુનેગારને બહાર મોકલવાનું કહેતા જયદેવે આરોપી લોકઅપમાં મોકલી દીધો.
બટુકસિંહ કહ્યુ અમે તો રાજકીય રીતે બનારાજા સાથે છીએ આ કરેલ હલકા કાવત્રા કરવા તે દરબારોનું કામ નહિ દરબારો પીઠ પાછળ ઘા કરે નહિ. આથી જયદેવે બટુકસિંહ જોડે બનારાજાને સંદેશો કહેવરાવ્યો કે મેં ક્ષત્રીય તરીકે જ મારી ફરજ બજાવી છે તમારે તાલુકા પંચાયત પ્રમુખ થવું હતુ ત્યારે ગોલા (ગુલામ)ની જેમ આ ફોજદારની મદદ માટે કરગરતા હતા હવે આ નીચ અને હલકટ ધંધા તરકડા જેવા શ‚ કર્યા છે. તે કોમને શોભા દેતા નથી. દુનિયા જાણે છે કે લાલ પીળા કપડાનો શોખ કોને છે. હું પીઠ પાછળ તો ઘા નહિ ક‚ પરંતુ કાયદેસરની કાર્યવાહી તો મોકો મળ્યે ગોઠવીને કરી દઈશ. આવા ગુન્હામાં જામીન પણ મળતા નથી. તે જગજાહેર હકિકત છે. હું હંમેશા મર્યાદામાં રહીશ પરંતુ હવે જો ચાળો કર્યો તો ખેર નથી. ‘બટુકસિંહે કુદરતી રીતે જ સંદેશો પૂરેપૂરો પહોચાડયો અને ફોજદારની તાકાત સાથેનો.
આ પકડાયેલ ઈસમ વિરૂધ્ધ પ્રોહીબીશનનો ભઠ્ઠીના સામાનનો, તેમજ રીવોલ્વર તથા છરા માટે ઈન્ડીયન આર્મ્સ એકટ અને બી.પી.એકટની અલગ અલગ ફરિયાદો આપી ઘરમાંથી પકડાયેલ રેલવેના રેકઝીન માટે સુરેન્દ્રનગર રેલવે પ્રોટેકશન ફોર્સ (આર.પી.એફ)ની પોસ્ટને ધ અનલોકુલ પઝેશન ઓફ રેલવે પ્રોપર્ટીઝ એકટ મુજબ કાર્યવાહી કરવા રીપોર્ટ કયો. આથી આ કેસ ગયો વિરમગામ રેલવે કોર્ટમાં આથી તમામ અચંબો પામી ગયા કે ત્રણ ગુન્હાતો ખરા પણ છેક વીરમગામ સુધી લાંબો કર્યો. પોલીસ દળને પણ નવાઈ સાથે આનંદ થયો. બાકીનાં પકડાયેલા ઈસમો ઉપર તેમની પાસેથી મળેલો છરો જે કલેકટરના હથીયાર બંધી જાહેરનામાના ભંગના હોઈ બી.પી. એકટ મુજબના ગુન્હા દાખલ કર્યા.
બટુકસિંહે મુળી ગામમાં ફકત હિન્દુ અને મુસલમાન બેને જ આ કાવત્રાની વાત કરી ! આખુ ગામ તો ઠીક તમામ જગ્યાએ આની ચર્ચા થવા લાગી બનારાજાના અંગત માણસો પણ વિચારતા થઈ ગયા. હલકાઈ તો બનારાજાની જ થઈ. પરંતુ રાજકારણીઓને કોઈ નાત-જાત-માન સન્માન ધર્મ નીતિ હોતા નથી ફકત સત્તા જ લક્ષ હોય તેમ બનારાજા પણ નફટ થઈ ને થોડો સમય સંતાતા ફર્યા પરંતુ પછી બધુ રાબેતા મુજબ કામકાજ શરૂ થઈ ગયું. પરંતુ તેનો જયાં સુધી જયદેવ મુળી પોલીસ સ્ટેશનમાં રહ્યો ત્યાં સુધી હોદા અને સત્તાનો સ્વાદ ખારો થઈ ગયો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,