વર્ષ ૨૦૧૯ થી ૨૧ માટે નવી કારોબારી રચાઈ: એસો.માં કાર્યરત ૧૫૦ મેમ્બર્સ મુંબઈ ખાતે ‘સિકયોટેક’ એકિઝબિશનમાં ભાગ લેશે: કાલે નવનિયુકત સભ્યોનો સ્વાગત કાર્યક્રમ: હોદ્ેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
સૌરાષ્ટ્ર તથા કચ્છના સિકયુરિટી સર્વિસીઝ અને સર્વેલન્સના વ્યવસાય સાથે સંકળાયેલા અગ્રણી વેપારીઓ દ્વારા ૨૦૧૭ના વર્ષમાં સૌરાષ્ટ્ર સિકયુરીટી એન્ડ સર્વેલન્સ એસોસીએશનની સ્થાપના કરી હતી. બે વર્ષ સુધી આ એસોસિયેશનના હોદેદારોએ સુચારુ રીતે સમગ્ર સંસ્થાનું સંચાલન ચલાવ્યું અને આ સંસ્થાને વધુ મજબુત કરી ગત ૨૦૧૭ થી ૨૦૧૯ સુધીની ચુંટાયેલી કારોબારીની મુદત પુરી થયેલ હોય, વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૧ માટેની નવી કારોબારીની સર્વાનુમતે વરણી એસોસીએશનની વાર્ષિક સામાન્ય સભામાં સર્વે સભ્યમિત્ર દ્વારા કરવામાં આવેલ છે અને સર્વે સભ્યોએ આગામી બે વર્ષમાં આ એસોસિયેશનની નવી પાંખ વધુ ઉંચી ઉડાન ભરશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.
વાર્ષિક સામાન્ય સભામાં સર્વાનુમતે એસોસીએશનના પ્રમુખ તરીકે સુનીલભાઈ શાહ, ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ પટેલ તથા મંત્રી તરીકે વિશાલભાઈ મહેતા, સહમંત્રી તરીકે વિજયસિંહ જાડેજા તેમજ ટ્રેઝરર તરીકે જતીનભાઈ સંઘાણી તેમજ સલાહકાર સમિતિમાં કેતનભાઈ દોશી અને જેનીશભાઈ કંટારીયાની વરણી સર્વાનુમતે કરવામાં આવેલી છે. નવી કારોબારી સમિતિના સભ્યોની શપથવિધિ તેમજ નવા જોડાયેલા તમામ સભ્ય મિત્રોના સ્વાગત કાર્યક્રમ કાલે સાંજે ૭ વાગ્યે ક્રન્ચી રિ પબ્લિક ખાતે રાખેલ છે.
નવનિયુકત પ્રમુખ સુનીલભાઈ શાહ દ્વારા આ વર્ષમાં આ ઈન્ડસ્ટ્રીઝમાં કાર્ય કરતા સૌરાષ્ટ્ર-કચ્છના તમામ મિત્રો એસોસીએશનમાં જોડાઈ તે માટે કાર્યક્રમો જાહેર કર્યા હતા અને આ એસોસીએશન માત્ર સૌરાષ્ટ્ર પુરતું જ નહીં આખા ગુજરાતમાં ફેલાય તે માટે દરેક જીલ્લાવાર મેમ્બરો બનાવવા માટે આયોજનની બ્લુ પ્રિન્ટ રજુ કરવામાં આવી હતી. વધુમાં એસોસીએશનના તમામ મેમ્બર મિત્રોને એપ્રીલ મહિનામાં મુંબઈમાં યોજાનાર નેશનલ લેવલના સિકયુરીટી અને સેફટી એકઝીબીશન સીકયોટેકમાં તમામ મેમ્બરોને લઈ જવામાં આવનાર છે. તે ઉપરાંત મેમ્બરો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ, મોટીવેશનલ પ્રોગ્રામ્સ, ટેકનીકલ સેમિનારોનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. શહેરના તેમજ સૌરાષ્ટ્રના લોકોને પણ બદલાતી ટેકનોલોજી
અને લેટેસ્ટ અપડેટનો લાભ મળે તે માટે આ વર્ષમાં સૌરાષ્ટ્ર સિકયુરીટી અને સર્વેલન્સ અપડેશન શો કરવાનું પણ નકકી કરવામાં આવ્યું છે.
વિદાય લેતી કમિટીના પ્રમુખ વિશાલભાઈ મહેતા, સેક્રેટરી જતીનભાઈ સંઘાણી, ઉપપ્રમુખ જેનીશભાઈ કંટારીયા, ટ્રેઝરર મનીષભાઈ પટેલ તેમજ કારોબારી સભ્યો નવનીતભાઈ પટેલ, જયદીપભાઈ પટેલ, આકાશભાઈ ત્રિવેદી, ધર્મેશભાઈ ગાઠાણી, હરિકૃષ્ણભાઈ દલ (દલકાકા), દીપભાઈ રાજપરા તેમજ વિજયસિંહ જાડેજાએ તમામ સભ્યોના સાથ સહકાર બદલ આભાર માની નવનિયુકત કારોબારીના તમામ સભ્યોને સુચારુ સંચાલન માટે શુભેચ્છા અને સમર્થનનો વિશ્ર્વાસ આપ્યો હતો. આગામી દિવસોમાં એસો.ની કામગીરી વધુ વેગવંતી બને તે માટે હોદેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા.