ડેન્ગ્યૂનો પણ એક કેસ નોંધાયો: શરદી-ઉધરસના 460, ઝાડા-ઉલ્ટીના 76 અને સામાન્ય તાવના 53 કેસ
સવારે અને સાંજે ઠંડી જ્યારે બપોરે ઉનાળા જેવા આકરા તાપના કારણે છેલ્લા એકાદ પખવાડીયાથી મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરી રહ્યાં છે. જેના કારણે રોગચાળાએ માથુ ઉંચક્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરના ડેન્ગ્યૂનો એક સહિત અલગ-અલગ રોગના 590 નોંધાયા હતા. મચ્છરોની ઉત્પતિ સબબ 286 લોકોને નોટિસ આપવામાં આવી છે.
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શરદી-ઉધરસના 460 કેસ નોંધાયા છે. જ્યારે સામાન્ય તાવના 53 અને ઝાડા-ઉલ્ટીના 76 કેસ મળી આવ્યા છે. મિશ્ર ઋતુના કારણે રોગચાળાએ માથુ ઉંચક્યું છે. ડેન્ગ્યૂનો પણ એક કેસ મળી આવ્યો છે.
રોગચાળાની અટકાયત માટે 9,291 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 434 ઘરોમાં ફોગીગની કાર્યવાહી કરાઇ હતી. અલગ-અલગ વિસ્તારોમાં બિનરહેણાંક હોય તેવી 280 જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 14 સ્થળોએથી મચ્છરના લારવા મળી આવતા નોટિસ આપવામાં આવી હતી. જ્યારે રહેણાંક મિલકતોમાં 272 સ્થળોએ મચ્છરોની ઉત્પતિ જણાતા તમામને નોટિસ અપાઇ છે.