મારી ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો
એરીયાની ઓળખ સમા ઘટાદાર વૃક્ષો સુકાઇ ગયા છતાં કોઇના પેટનું પાણી હલતું નથી
રાજકોટ શહેરમાં ફાટફાટ થતી માનવ વસ્તીના પ્રમાણમાં વૃક્ષોની સંખ્યા ઓછી છે, અને જેં કાંઇ વર્ષો જૂના હયાત વૃક્ષો ઉભા છે તે પૈકીના ઘણા વૃક્ષો શહેરીજનો અને સંબંધિત તંત્ર વાહકોની માવજતને અભાવે જાણે કે પોતાના અસ્તિત્વને સંકોરી રહ્યા હોય તેમ પોતાના લીલાછમ પાંદડાને ત્યજીને સુકી ડાળખીઓ સાથે ‘ઠુંઠા’ થઇને ઉભા છે. કવિ અનિલ જોશીની કલમથી લખાયેલ અને ગાયક પુરૂષોત્તમ ઉપાધ્યાયના કંઠે ગવાયેલી જાણીતી પંક્તિ….‘મારી ડાળખીમાં કોઇ પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો’ આ વાત જાણે વૃક્ષો પોતે ગાતા હોય ‘ઠુંઠા’ થઇને ઉભેલા વૃક્ષો શહેરના ઘણા વિસ્તારોમાં જોવા મળે છે.
આ લેખની તસ્વીરમાં શહેરની મધ્યમાં આવેલી વર્ષો જૂની સદર બજારની મધ્યમાં આવેલ મુખ્ય ચોકની છે, જે માવજતના અભાવે ‘ઠુંઠા’ થઇ ગયેલો સુકો ભઠ્ઠ લીંમડો નજરે પડે છે. અહિં બાજુમાં કપાયેલા વૃક્ષના જાડા થડ પણ નજરે પડે છે. આ બે વૃક્ષો ઉપરાંત ત્રીજો એક ઘટાદાર લીંબડો પણ આ ચોકમાં હતો અને આ ત્રણેય વૃક્ષો સદર બજારની આગવી ઓળખ હતી. આ વૃક્ષોની છાયામાં અને લીલાછમ વૃક્ષોના પર્યાવરણીય વાતાવરણમાં શ્રમિકો, ધંધાર્થીઓ, રાહદારીઓ બળબળતા બપોરે વિશ્રામ લઇને શાંતિનો અહેસાસ કરતાં હતાં. આ વૃક્ષો નીચે અમુક નાના ધંધાર્થી પોતાનો રોટલો રળતાં હતાં. જેમ કે પ્રાયમસ રીપેર કરતાં કે બૂટ-ચંપલ રીપેર કરીને બે પૈસા કમાઇ લેતા હતાં. આ વૃક્ષની નીચે રેંકડી રાખીને આરામ કરતાં મજૂરોના પણ જમાનામાં દ્રશ્યો જોવા મળતા હતાં.
આ ત્રણેય વૃક્ષોએ સદર બજારના મુખ્ય ચોકની શોભા વધારી ઉનાળાના આકરા તાપની અસર વર્તાવા દીધી ન હતી અને હા આ વૃક્ષોએ વર્ષો સુધી છાંયડો અને શુધ્ધ હવાની ભેટ પણ આપી હતી, પણ તેને બદલામાં ઉપેક્ષા સિવાય કશું મળ્યું નથી.
આ વૃક્ષોએ સદર બજારની અનેક તડકી-છાંયડી જોઇ છે અને સદર બજારની ઘટમાળ અને વર્ષો જૂના ઇતિહાસને અંતરમાં સંકોરીને ઉભા છે. આજે એ હતા ન હતા થઇ ગયા છે ત્યારે કોઇનું આ વિષયક ધ્યાન જતું નથી.
માત્ર સદર બજાર જ નહીં શહેરના ઘણા વિસ્તારોમાં આવા સુકાઇ ગયેલા વૃક્ષો નજરે પડે છે. નવા વૃક્ષો ઉગાડવા જવું. કોર્પો., ટી-ગાર્ડ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો છે પણ વર્ષોથી રસ્તાની શોભા બનીને શહેરને શોભાવતા અને પર્યાવરણ શુધ્ધિમાં મહત્વનો ફાળો આપતાં લીલાછમ-ઘટાદાર વૃક્ષો બચાવવા કોઇ નક્કર કામગીરી થતી નથી એ એટલી જ સત્ય વાત છે.
જુના વૃક્ષોના બચાવ કાર્યો માટે તંત્ર લેવલે, સંસ્થા લેવલે કોઇ નક્કર કામગીરી થાય તો આવા જુના રાજકોટની શોભા સમા આ વૃક્ષોને જીવતદાન મળે અને ફરી લીલાછમ આવરણ સાથે વ્હેલી સવારે પંખીઓનો એ ભૂતકાળનો કલરવ ફરી સાંભળવા મળશે.