જિલ્લા પોલીસ વડાએ સોંપેલુ કામ સફળતા પૂર્વક કરનાર ફોજદાર જયદેવની ધોરાજીથી ચાર માસના ટૂંકા સમયગાળામાં વધુ એક બદલી થઈ

એમ કહેવાય છે કે બહારના દુશ્મન કરતા અંદરનો દુશ્મન (ઘરના ઘાતકી) વધુ ખતરનાક હોય છે. છેલ્લા દસેક મહિનાથી જેતપુર શહેર પોલીસમાં ફરજ બજાવતા ફોજદાર જયદેવને તબકકાવાર કાંઈક આવો અનુભવ થતો હતો. જસ્મીન સીનેમાના દાદા ‘ભડકા’નાં કિસ્સામાં ફોજદાર આમઝાને કોઈ કારી ફાવી નહિ. તે પછી મેટ્રીક પરિક્ષા બંદોબસ્તમાં સભાપતિ પુત્ર વાળા કિસ્સામાં તો બનાવેલ બાજી બગડી ગઈ હતી. ખટપટીયા ઉભા કરી બંધના બોર્ડ લગાવ્યા, નવનિર્માણ જેવું તોફાન થશે તેવું નાટક કરી તેવા જથ્થા બંધ બંદોબસ્ત અંગે વાયરલેસ મેસેજ કંટ્રોલ‚મને મોકલીને પોતે જ ખોટા પડેલા, નાના મોટા અનેક કાવત્રા કારસ્તાન કરેલા પરંતુ કાયદેસર કાર્યવાહી કરતા જયદેવને કોઈ મુશ્કેલી પડતી નહતી પરંતુ પરેશાન જ‚ર થતો હતો. આથી જયદેવ ‘આ ખટપટમાં’ પણ કાંઈક શીખવાનો અનુભવ મળે છે, તેમ પડકાર ‚પ ગણી અને પોલીસ ખાતાની શિસ્ત અને મોરલ જળવાય રહે તે માટે વળતી કોઈ પ્રતિક્રિયા આપતો નહતો. બાકી ફોજદાર આમઝા કોઈ હરિચંદ્રના અવતાર તો નહોતો તેના પણ અનેક સાપ પકડવાના ધંધા હતા જ. પરંતુ આ ખટપટથી જયદેવનું હવે જેતપુરમાંથી મન ઉઠી ગયું હતુ.

દરમ્યાન રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ વડાની બદલી થઈ નવા અધિકારીની નિમણુંક થઈ. આ અધિકારીને જનતા તથા મીડીયા વાળા ‘વાવાઝોડા’ તરીકે ઓળખતા હતા. આ પોલીસ અધિકારીએ તખલ્લુસ નામ ‘વાવાઝોડા’ માફક જ જીલ્લાભરમાં ત્રાટકીને ગુનેગારો સફાયો કરવા માંડયો. આ અધિકારી સતત અને સખ્ત કાર્યશીલ અને આક્રમક પગલા લેવાની સાહસ વૃત્તિ વાળા હતા. ધોરાજીમાં એકાદ વર્ષ પહેલા કોમી તોફાનો થયેલા અને ત્યારથી એક કંપની (સો) એસ.આર.પી.ના જવાનો તથા તેટલા જ જીલ્લાના બીજા પોલીસ સ્ટેશનોના જવાનો ત્યાં બંદોબસ્તમાં હતા તેવામાં ચાલુ વર્ષે નવરાત્રી અને તાજીયાના પ્રસંગો એક સાથે જ આવવાના હતા. જૂનો બંદોબસ્ત તો ચાલુ હતો તેમાં આ વધારાના બંદોબસ્તની માગણીઓ ચાલુ થયેલી. જુનો બંદોબસ્ત ઉપાડવાનું સાહસ કે નામ તો કોઈ લેતુ નહતુ.

આથી નવા જીલ્લા પોલીસ વડાએ પોતાના સ્વભાવને અનુકુળ આવે તેવા આક્રમક અને કોઈ નેતા કે આગેવાનોની શેહશરમમાં ન આવે અને નિડર તથા રાત દિવસ કામ કરે તેવા પોલીસ અધિકારીઓની શોધ શ‚ કરી અને સૌ પ્રથમ તેમણે ધોરાજી શહેરનાં ફોજદારોની બદલી કરીને પડધરીના ફોજદાર રાણા અને જેતપુરથી જયદેવને લઈને ધોરાજી નિમણુંક કરી દીધી. તે સમયે પોલીસ ખાતામાં સન્નાટો થઈ ગયો કે ધોરાજી ઉંચા ક્રાઈમ રેટ અને સંવેદનશિલ કોમી મથકમાં આ બંને નવા પણ આકરા ફોજદારોને મૂકયા તો બંને નકકી કાંઈક લોચો મારશે જ.

ધોરાજીમાં ફોજદાર રાણા અને જયદેવની નિમણુંક થતા જ ગુનેગારો તો ઠીક પરંતુ ખટપટીયા અને ચૌદસીયા પણ ઠરીને ઠેકાણે પડી ગયા. બંને ફોજદારોએ કાયદેસરની કાર્યવાહી આક્રમક રીતે ચાલુ કરતા નાની મોટી અને સાચી ખોટી રજુઆતો જ બંધ થઈ ગઈ. આથી એક મહિનામાં જ ધોરાજીનો માહોલ શાંત થઈ જતા એક કંપની એસઆરપી (સો જવાનો) અને તેટલા જ જીલ્લાના બીજા લોકલ પોલીસ જવાનોનો બંદોબસ્ત જ ઉઠાવીને રવાના કરી દીધો. તેવામાં થોડા સમયમાં જ નવરાત્રી અને તાજીયાના પ્રસંગો એક સાથે જ આવતા હોય સમાજનાં તમામ જ્ઞાતિ આગેવાનો, સંગઠનો અને જુદી જુદી સંસ્થાઓના આગેવાનો સાથે સંકલન મીટીંગો કરી બહુમતી લઘુમતી બંનેના તહેવારો સાથે હોવા છતાં સામાન્ય પોલીસ બંદોબસ્તથી તહેવારો સુપેરે પૂરા કર્યા. ધોરાજીના નગરજનો પણ ખુશ થયા.

જીલ્લા પોલીસ વડાએ ખુશ થઈ ને બંનેને અભિનંદન આપ્યા અને જયારે જીલ્લાની માસીક ક્રાઈમ મીટીંગ થઈ ત્યારે પોલીસ વડાએ તમામ અધિકારીઓને ને કહ્યું કે ‘દેખા મેરા પ્રયોગ નયે અફસરો વાલા સફલ રહાને?’ પરંતુ મીટીંગ પુરી થયા બાદ પોલીસ વડાએ જયદેવ તથા રાણાને પોતાની ચેમ્બરમાં બોલાવી એક ગંભીર અને પડકાર ‚પ કાર્ય સોંપ્યું. જે કામ આમ તો સામાન્ય હતુ કોઈ જોખમી નહતુ પરંતુ રાજકીય દ્રષ્ટિએ ખૂબ મોટુ જોખમ ગણી શકાય તેવું હતુ. આ ‘વાવાઝોડા અધિકારી’એ આ સાહસીક કાર્ય તો જયદેવ અને રાણાને આપ્યું પરંતુ તે કામ થતા તેમના જ જાકમોકળા થવાના હતા તે વાત નકકી હતી કેમકે રાજકીય સિંહની બોડમાં પ્રવેશી ને તેના પરિવારને પાંજરામાં પૂરવાના હતા!

તે સમયે ગુજરાત રાજયનાં રાજકારણ ઉપર તેલીયા રાજાઓનો અતિ કડક પ્રભાવ હતો. આ તેલીયા રાજાઓ દ્વારા ખાદ્ય તેલના ભાવ વધારાએ તો અમુક સરકારો પણ ગબડાવેલી તેવી વાતો સંભળાતી. તે સમયનું ખાધતેલનું એશિયા ખંડ આખાનું મોટામાં મોટુ વાયદા (સટ્ટા) બજાર ધોરાજીમાં હતુ. તે સટ્ટા બજારમાં આ તેલીયા રાજાઓની સીન્ડીકેટનો પ્રભાવ હતો. એ સાચા ખોટા ડબ્બા ટ્રેડીંગ વાયદા કરી આમ જનતાની જીવન જ‚રી ચીજ ખાધતેલોનાં ભાવ આસમાને પહોચાડતા અને જનતામાં તથા છાપાઓમાં દેકારો બોલતો. જયદેવ અગાઉ અજમાયશી સમયમાં ધોરાજી પોલીસ સ્ટેશનમાં હતો ત્યારથી તેને ખબર હતી કે રાજયનાં અમુક મંત્રીઓ પણ આ વાયદા બજારના સંચાલક (કિંગ) શેઠના મહેમાન થતા હતા.

આ તેલનાં સટ્ટાબજારમાં રેઈડ કરવાનું પોલીસ વડાએ રાણાને અને જયદેવને જણાવ્યુ આથી બંને જણાએ તે વખતે તો સિધ્ધિ જ હા કહી દીધી. પરંતુ પાછળથી બંને ફોજદારોએ બેસીને વિગતે ચર્ચા કરી કે આના કરતા ગમે તેવા માથાભારે અને દાદાને કે તેની ટોળકીને ઠેકાણે પાડવી સહેલી છે. પરંતુ આ સટ્ટાબજારની રેઈડ કરવી તો સહેલી છે. પરંતુ તેનું પરિણામ અને પ્રત્યાઘાત ઘણા જ વસમા આવી શકે. જયદેવે રાણાને કહ્યું કારણ ગમે તે અગમ્ય છે કેમકે તેમની બે અંગત શાખાઓ ક્રાઈમ બ્રાંચ અને ટાસ્કફોર્સ બરાબર જ છે. છતા આપણને કાર્યવાહી કરવાનું કહ્યું તો જ‚ર કાંતો રાજકીય ગોઠવણ હોય અથવા સટ્ટાબજારના સંચાલકને સબક શિખવાડવાનો હોય કે તેમને ઘોડી વાળવાના હોય પણ બાબત ગંભીર છે. કેમકે ગુપ્ત માહિતી મુજબ તેલનાં વાયદા બજારને પુરવઠા પ્રધાન સહિતના છુપા આશિર્વાદ છે. આમ રેઈડનું પરિણામ તો વિચિત્ર આવવાનું હતુ છતા બંનેએ નકકી કર્યંુ કે જે થવાનું હોય તે થાય આ આપણી ધોરાજીની નિમણુંક રાજકારણની ભલામણથી તો થઈ નથી. જોખમમાં બહુ બહુ તો ધોરાજીમાંથી બદલી થશે, વળી પોલીસ વડાના આદેશથી રેઈડ કરીએ છીએ તો આપણને ખાસ કરીને નિમણુંક બાબતે તો અન્યાય નહિ જ થાય. બન્ને ફોજદારોએ આ રીતે વિચારીને એશિયાના સૌથી મોટા સટ્ટાબજાર કે જેને સરકારનાં પણ છુપા આશિર્વાદ હતા તે ગેરકાયદેસર ડબ્બા ટ્રેડીંગને તમતમતી ઝાપટ ઝીંકવાનું નકકી કરી જ નાખ્યું.

તે સમયે ગેરકાયદેસર વાયદા (સટ્ટા)ને નિયંત્રણમાં રાખવાનું કામ રાજયની સી.આઈ.ડી. ક્રાઈમ પોલીસના એફ.એમ.સી. સેલ દ્વારા તે અંગેના ખાસ કાયદા ફોરવર્ડ માર્કેટ કોન્ટ્રેકટ રેગ્યુલેશન એકટ મુજબ કાર્યવાહી થતી આ રીતે રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તાર માટે એક પોલીસ ઈન્સ્પેકટર એફ.એમ.સેલ.ની નિમણુંક હતી. આ એફ.એમ.સી. સેલની કાર્યવાહી શું અને કયા પ્રકારની હતી તે લોકલ પોલીસને ખબર જ નહતી. જયદેવે ધોરાજી ખાતેના અજમાયશી સમયે જાણકાર અધિકારીઓથી આ બાબતે હકિકત મેળવવા પ્રયત્ન કરેલા પરંતુ લોકલ કોઈ અધિકારીઓ ને આ સટ્ટા બજારમાં કાયદેસરનો વેપાર શું અને ગેરકાયદેસર (ડબ્બા ટ્રેડીંગ)શું તેનો ખ્યાલ જ નહતો. જયદેવને એવો જવાબ મળેલાં કે તે એન્ટી કરપ્શન એકટ મુજબ કાયદો જ અલગ છે. અને તેમાં સી.આઈ.ડી. ક્રાઈમને જ સત્તા છે. આથી જયદેવ ધોરાજીના સરકારી વકીલ ખંધેડીયાને મળેલો અને ચર્ચા કરેલી તો તેમણે કહેલું કે આ કાયદો જ અલગ છે. અને સી.આઈ.ડી. ક્રાઈમના અધિકારીઓ ખાસ મુંબઈ ટ્રેનીંગ લીધા પછી જ રેઈડની કાર્યવાહી કરે છે. તમારી કોઈ જવાબદારી નથી તો તમે શા માટે આ વણજોતી ઝંઝટમાં પડોછો, તેથી જયદેવે તે વખતે કમને પણ આ વાત ત્યાં જ પડતી મુકેલી, પણ કોર્ટ ડયુટી કોન્સ્ટેબલો એ જયદેવને કહ્યું કે સાહેબ આ સાહેબ પણ સટ્ટા બજારના શેઠ સાથે યુનિયન સ્પોર્ટસ કલબના સભ્ય છે. નિયમીત સ્પોર્ટસ કલબમાં સાથે જ હોય છે.

પરંતુ હવે તો લોકલ પોલીસ અધિકારી તરીકે પણ રેઈડ સટ્ટા બજાર ઉપર કરવાની જ હતી. જેમાં રેઈડની કાયદેસરની જોગવાઈ તથા કાર્યવાહી અંગેની માહિતીનું કાર્ય તો જયદેવે જ કરવાનું હતુ જો કે રેઈડમાં સાથે ફોજદાર રાણા પણ રહેવાના જ હતા. જયદેવે આ તમામ કાયદેસરની વિધિ અંગેની માહિતી માટે સરકારી વકીલ પાસે રહેતા સી.આઈ.ડી ક્રાઈમના આ કાયદા તળે થયેલા કેસોના જે ચાર્જશીટો કોર્ટમાં પડેલ હોય તે જોવાનું નકકી કરી સરકારી વકીલને મળ્યો એજ સરકારી વકીલ હતા. તેમની પાસે આવા ગેરકાયદેસર સટ્ટા અંગેના ફોરવર્ડ માર્કેટ કોન્ટ્રેકટ રેગ્યુલેશન એકટ તળેના પ્રોસીકયુશન કોપીના કાગળોની માગણી કરી. સરકારી વકીલે જયદેવ સામે કાંઈક વિચિત્ર રીતે જોઈને કહ્યું ‘વળી તમારે આનું શું કામ પડયું?’ જયદેવે આ સટ્ટા બજાર રેઈડ અંગેની વાત તદન ખાનગી રાખવાની હતી. જો થોડો પણ અણસાર કોઈને મળી જાય તો બાજી ઉંધી વળી જાય તેમ હતી. આથી જયદેવે વાત બનાવી ને કહ્યું કે સરકારમાં તેમજ ઉપલી કચેરીઓએ આવા પેન્ડીંગ કેસો કેટલા છે, અને હવે પછી કઈ કઈ તારીખો છે તે માહિતી માંગી છે. ખંધેડીયાને બે વર્ષ પહેલા પણ જયદેવે આ કાયદા અંગે પૂછપરછ કરેલી તેથી કાંઈક શંકા ‚પે તેમણે કહ્યું મારે કોર્ટમાં જવું છે તમે ડેપ્યુટી કોન્સ્ટેબલથી લઈ લેજો.

જયદેવનું કામ થઈ ગયું સીઆઈડી ક્રાઈમના ડબ્બા ટ્રેડીંગ રેઈડ અંગેના કેસ કાગળો મળી ગયા. તેમાં જોયુ તો ખાસ કોઈ મોટી કાર્યવાહી ન હતી. સૌ પ્રથમ સટ્ટા બજાર (જગ્યા)ની રેકી એટલે કે વોચ કરી ખાત્રી કરવાની કે બે નંબરનાં સોદા થાય છે કે કેમ! જો થતા હોય તો હકુમત વાળા મેજીસ્ટ્રેટને રીપોર્ટ આપી સટ્ટા બજાર (જગ્યા)માં પ્રવેશવા, ઝડતી અને જપ્તી કરવાની કાર્યવાહી માટેનું વોરંટ મેળવવાનું અને બાદમાં તે જગ્યાએ રેઈડ કરવાની જો તે જગ્યાએ ગેરકાયદેસર સોદા થતા હોય તો તેનું સાહિત્ય, દસ્તાવેજો પંચો ‚બ‚ કબ્જે કરી સ્ટેશન ડાયરીમાં નોંધ કરવાની અને કબ્જે થયેલા સીલ બંધ મુદામાલ મુંબઈ ફોરવાર્ડ માર્કેટ કોન્ટ્રેકટ રેગ્યુલેશનના ખાસ વાયદા બજારનાં જાણકાર નિષ્ણાંતોને અભિપ્રાય માટે મોકલવાનો અને અભિપ્રાય હકારાત્મક આવે તો આ કામે એફ.આઈ. આર. દાખલ કરી તપાસને અંતે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાનું હોય છે.

આ પહેલા ધોરાજીની સટ્ટાબજારમાં લોકલ પોલીસના જવાનો જતા તો આ સટોડીયાઓ (ખેલીઓ) તેમને આમ જનતાની માફક જ જોતા કેમકે લોકલ પોલીસે કયારેય રેઈડ કરેલી જ નહિ. જયદેવ પણ અજમાયશી સમયે સટ્ટા બજારનો તાસીરો જોઈ આવ્યો હતો. પરંતુ આ વખતે વાત જુદી હતી. જયદેવ રેકી કરવા સાદા કપડામાં સટ્ટા બજારની રીંગમાં પ્રવેશવા અને નીકળવાના અન્ય દરવાજાઓનો બરાબર અભ્યાસ કર્યો, પરંતુ આ સટોડીયાઓને જયદેવની આ આંટો મારવાની અને નીરીક્ષણ કરવાની બાબત જરા પણ શંકાસ્પદ લાગેલી નહિ.

રેકી કર્યા બાદ જયદેવ ધોરાજીનાં જયુડીશીયલ મેજીસ્ટ્રેટને આ સટ્ટા બજારમાં રેઈડ કરવા અને સાહિત્ય કબ્જે કરવાનું વોરંટ આપવા રીપોર્ટ કર્યો વોરંટ મળતા જ બીજે દિવસે સવારે અગીયાર વાગ્યે ઓલ્સવેલમાં જે પચાસેક જવાનો એકઠા થયેલા તેમાંથી રાણાએ પચ્ચીસ જવાનોને રેઈડમાં સાથે લેવા જુદા તારવ્યા અને બાકીનાને પોલીસ સ્ટેશનમાં સ્ટેન્ડ ટુ જ રાખ્યા.

આ જુદા તારવેલા પચ્ચીસ જવાનો કે જે સાદા કપડામાં જ હતા. તેને લઈને ફોજદાર જયદેવ તથા રાણા એ પંચોને સાથે રાખી ધોરાજીના આઝાદ ચોકમાં આવેલા સટ્ટાબજારમાં રેઈડ કરી. પ્રથમ તો તમામ દરવાજાઓ ઉપર બે બે જવાનો ગોઠવી દીધા અને રાયટરો તથા પંચોને લઈને જયદેવ અને રાણા એ સટ્ટાની રીંગ કે જયાં ખેલીઓ ‘લીધા દીધા’ની ઉંચા અવાજે બુમરાણ મચાવતા હતા ત્યાં પ્રવેશ કર્યો અને રાણાએ ત્રાડ નાખીને કહ્યું તમામ જેમના તેમજ ઉભા રહેજો, આડા અવળા થવાની કોશિષ કરતા નહિ ચારે બાજુ પોલીસ આવી ગઈ છે. અને સટ્ટાબજારમાં સન્નાટો થઈ ગયો તમામ સટોડીયાઓ સજજડ ઉભા રહીને શાંત થઈ ગયા. ધોરાજીના ઈતિહાસમાં આ સટ્ટાબજારમાં લોકલ પોલીસ દ્વારા સૌ પ્રથમ જ રેઈડ હતી. વળી અગાઉના ઈતિહાસમાં કયારેય ન પકડાયા હોય તેટલા બત્રીસ ખેલીઓ (સટોડીયાઓ)ને એક સાથે ગેરકાયદેસર સટ્ટો (ડબ્બા ટ્રેડીંગ) રમતા ઝડપી લીધા. ત્યાર બાદ પંચો ‚બ‚ પોલીસે જે તે ખેલી, સટ્ટાની રીંગમાંથી, જેતે પેઢીઓમાંથી સટ્ટાબજારનાં કોરીડોરમાંથી એમ કુલ ત્રણ કોથળા ભરાય તેટલું ડબ્બા ટ્રેડીંગનું સાહિત્ય કબ્જે કર્યું જે મુંબઈ સ્ટોક માર્કેટમાં નિષ્ણાંતના અભિપ્રાય માટે મોકલ્યું અને અઠવાડીયામાં જ તેમણે અભિનંદન પત્ર પાઠવી જણાવ્યું કે તમામ વાયદા ગેરકાયદે છે. પણ આ રેઈડથી સમગ્ર ધોરાજી વિસ્તારમાં ચકચાર મચી ગઈ. ચોરે ચૌટે આ રેઈડની ચર્ચા થવા લાગી સમાચાર પત્રોમાં પણ હેડ લાઈનમાં આ સમાચાર હતા.

પણ આ રેઈડ કરી તે દિવસે જ રાજકોટ જિલ્લા પોલીસ કંટ્રોલ ‚મમાંથી વર્ધી આવી ગઈ કે ફોજદાર જયદેવ અને રાણાએ જેતપુર હાઈવે ઉપર રાત્રે નવ વાગ્યે એક ઉચ્ચ પોલીસ અમલદારને મળવાનું છે. સુચના મુજબ જ જયદેવ અને રાણા ખાનગી વાહનમાં ધોરાજીથી બે કિલોમીટર દૂર જેતપૂર હાઈવે ઉપર રાત્રીનાં નવ વાગ્યે ઉભા હતા ત્યારે એક લાલ લેમ્પ વાળીગ ડી આવીજેમાંથી એક પોલીસ અધિકારી ઉતર્યા, પ્રથમ અભિનંદન આપ્યા અને પછી કહ્યું કે હવે રેઈડ પૂર્વ મંજૂરી વગર કરતા નહિ. ત્યાંથી ધોરાજી આવ્યા પછી જયદેવે રાણાને કહ્યું મને લાગે છે કે મેં અગાઉકહ્યામુજબ જ પ્રત્યાઘાત પડયા લાગે છે. અને મને લાગે છે કે હવે ‘એક મ્યાન (ધોરાજી)માં બે તલવારો (રાણા અને જયદેવ) સાથે નહિ રહે અને ટુંક સમયમાં જ તેનું પરિણામ ચોકકસ આવશે. તે પ્રમાણે ખરેખર રેઈડની સંપૂર્ણ તૈયારી અને કાર્યવાહી કરનાર, વોરંટ મેળવનાર અને કાગળની કાર્યવાહી કરનાર ફોજદાર જયદેવની બદલી થઈ ગઈ એક મ્યાનમાં કયારેય બે તલવારો ન જ રહે ત્રણ ચાર મહિનામાંજ જયદેવની ધોરાજીથી રાજકોટ કંટ્રોલ ‚મમાં બદલી થઈ ગઈ. જયદેવ ફરી એજ રાજકોટના કરણપરાનાં સીટી ગેસ્ટ હાઉસમાં બેગ લઈને આવી ગયો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.