અડધી રાત્રે કેન્ટીન ઉભી કરવા આવેલા કાફલાને કચેરીમાં પ્રવેશ આપવા બદલ સિક્યુરીટી ગાર્ડસને અધિક કલેકટરે ખખડાવ્યા
જિલ્લા કલેકટર કચેરી ખાતે રાતો-રાત કેન્ટીન ખડકી દેવામાં આવી હતી. હાલ આ કેન્ટીન શરૂ થવા દેવામાં નહીં આવે તેમ જિલ્લા વહીવટી તંત્રમાંથી જાણવા મળ્યું છે. ઉપરાંત અડધી રાત્રે કેન્ટીન ઉભી કરવા આવેલ કાફલાને કલેકટર કચેરીમાં પ્રવેશ આપવા બદલ સિકયુરીટી ગાર્ડસને અધિક કલેકટરે આજે પોતાની ચેમ્બરમાં બોલાવીને ખખડાવ્યા હતા. સાથે જરૂરી સુચના પણ આપી હતી.
તાજેતરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે ગોંડલ તાલુકાના સુલતાનપુર સખી મંડળ દ્વારા રાતો-રાત કેન્ટીન ખડકી દેવામાં આવી હતી. આ મંડળ દ્વારા કેન્ટીનની મંજૂરી તો લેવામાં આવી હતી પરંતુ કોઈપણ જાતની જાણ કર્યા વગર કલેકટર કચેરીમાં રાત્રે બે વાગ્યે પ્રવેશીને મસમોટી ૨૫ બાય ૧૫ ફૂટની કેબીન ખડકી દેવામાં આવી હતી. અડધી રાત્રે આ કેબીન ઉપર રંગરોગાન તેમજ પાણીની પાઈપ લાઈન અને ઈલેકટ્રીક લાઈન પણ આપી દેવામાં આવી હતી. આ કેબીન વૃક્ષનું નિકંદન કરીને મુકવામાં આવી હતી. રાતો-રાત કેબીન મુકવાનો આ મામલો વિવાદાસ્પદ અને ચર્ચાનો વિષય બન્યો છે.
જિલ્લા વહીવટી તંત્રમાંથી મળતી વિગતો મુજબ વહીવટી તંત્ર દ્વારા હાલના તબકકે આ કેન્ટીન ચાલુ થવા દેવામાં આવશે નહીં. જિલ્લા કલેકટર કચેરીના કર્મચારીઓની ગ્રાહકીના હેતુથી મંજૂરી આપવામાં આવી હતી.
પરંતુ સખી મંડળે કોઈ મોટા માથાના ઈશારે રોડ પરની ગ્રાહકી મેળવવા માટે કલેકટર કચેરીના બગીચામાં કેન્ટીન ખડકી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મોડી રાત્રે કેન્ટીન ખડકવા આવેલા કાફલાને પ્રવેશ આપવા બદલ આજરોજ અધિક જિલ્લા કલેકટરે સિકયુરીટી ગાર્ડસને પોતાની ચેમ્બરમાં બોલાવી ખખડાવ્યા હતા. ઉપરાંત આવા સમયે કોઈ અધિકારીને પુછવાની સુચના આપી હતી.