ખેડુતોને નુકશાની તથા બદલ સહાય આપવા ધારાસભ્ય રાધવજી પટેલે મુખ્યમંત્રીને રજુઆત કરી
જોડીયા તાલુકામાં આવેલ ઉંડ-ર ડેમમાંથી વધુ પાણી છોડાતા હેઠવાસનાં ગામોમાં ખેતરોનું ઘોવાણ થયું છે. તે બદલ સરકાર ખેડુતોને સહાય આપે તેવી ધારાસભ્ય રાઘવજી પટેલે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ અતિવૃષ્ટિ તથા ડેમમાંથી પાણી છોડવાના હિસાબે જામનગર જીલ્લાના જોડીયા તાલુકામાં આવેલ ઉંડ-ર ડેમના હેઠવાસના ગામડાના ખેડુતોના ખેતરોમાં ઉભા પાક તથા ખેતરોનું સંપૂર્ણ ઘોવાણ થઇ જતાં ખેડુતોને મોટુ નુકશાન થયું છે. અને ભવિષ્યમાં આ ખેડુતો પોતાની ઘોવાણ થયેલ ખેતીની જમીનમાં ખેતી કરી શકશે કે કેમ ? તે મોટો પ્રશ્ર્ન ઉભો થયો છે.
આ પુરથી વાવેતર કરેલ પાકનું સંપૂર્ણ ઘોવાણ થયેલ છે અને નદી પોતાના કાંઠાઓને તોડીને કાંઠાની બન્ને બાજુએ ફેલાઇ જતાં નદી કાંઠાની બન્ને બાજુએ હજારો એકર ખેતીની જમીનનો ઘોવાણ ગઇ છે અને ખેતી માટે સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે.
ઉંડ-ર ડેમની હેઠવાસના ભાદરા, બાદનપર, આણંદા અને કુન્નડ ગામોના ખેડુતોને આ પુર અને અતિવૃષ્ટિથી મોટી અસર થઇ છે. આ પ્રશ્ર્ને સરકાર ખેડુતોને તેની ખેતીની જમીન ફરીથી ખેતી લાયક બનાવી આપે તથા નિષ્ફળ ગયેલ બી, બીયારણ અને ખાતર માટે પુરતી સહાય આપે તો જ આ ખેડુતો ખેતી કરી શકે તેમ છે.