ઉનાળાનું વેકેશન પડવાનું હોય કે દિવાળીનું વેકેશન પડવાનું હોય. વેકેશનની રજાઓમાં સૌ કોઇ બહાર ફરવા જવાનો પ્લાન કરતાં હોય છે. પરંતુ એ રજાઓમાં ક્યાં ફરવા જવું એ ખૂબ જ ગૂંચવણ વાળું કામ છે. કેટલાક લોકો વિદેશમાં ફરવા જવાનો પ્લાન કરે તો કેટલાક લોકો ભારતમાં જ વિવિધ સ્થળે ફરવાનો પ્લાન કરતાં હોય છે. પરંતુ શું તમે કોઇ દિવસ ભારતના ગુજરાત રાજ્યમાં ગયા છો. ગુજરાતમાં પણ ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં તમને ફરવાની ખૂબ જ મજા આવશે.

જામનગર 
આ સ્થળે તમે ફરવાની સાથે કાઠીયાવાડી ખાણીપીણીનો પણ સ્વાદ માણી શકો છો. આ સાથે જ જગપ્રખ્યાત બાંધણીની ખરીદી પણ કરી શકો છો. જામનગરમાં રાત્રે તળાવના કિનારે ફરવાનો આનંદ જ કંઈ અનેરો છે. લાખોટા તળાવની વચ્ચે આવેલ મહેલ પણ સૌરાષ્ટ્રની એક છાપ ઊભી કરે છે. અહીં તમે મસાલા ઘુઘરા, રગડો જેવી વાનગીઓનો આનંદ માણી શકો છો તથા ઠંડીની શરૂઆત હોવાથી ગરમા ગરમ ‘કાવા’ની પણ મજા લઈ શકો છો.

ગુજરાતનો તાજ મહેલ 
ભારતમાં તાજ મહેલની વાત કરવામાં આવે તો તમારો જવાબ આગ્રાનો તાજમહેલ હશે. પરંતુ તમને ગુજરાતના તાજ મહેલ વિશે પુછવામાં આવે તો તમે જાણો છો કે એ ક્યાં આવેલો છે? તાજ મહેલને પણ ટક્કર આપે તેવો આ મહેલ જુનાગઢમાં આવેલો છો. સફેદ આરસના પથ્થરમાં આ મહેલ નથી બન્યો, પરંતુ તેની કલાકૃતિ અને તેની રચના જોઈને દુરથી પણ લોકો મોહી જાય તેવો આ મહેલ છે. આ મહેલને ‘મહોબ્બત મકબરો’ના નામથી ઓળખવામાં આવે છે. આ મહેલ માત્ર એક સમાધી છે. જે 18મી સદીમાં બનાવવામાં આવ્યો હતો

પાવાગઢ 
આ સ્થળે તમે માં મહાકાળીના દર્શનનો લાભ લઈ શકો છો. માતાના દર્શન કરવા માટે અહીં રોપ-વેની પણ સગવડ કરવામાં આવી છે. માતાના દર્શન કર્યા બાદ તમે આસપાસના સ્થળોની મુલાકાત લઈ શકો છો. અહીંથી થોડે દુર તમે ચાંપાનેરમાં કિલ્લાઓની મુલાકાત લઈ શકો છો.

કચ્છ 
કચ્છથી આજે કોઈ વ્યક્તિ અજાણ નથી. અહીંના રણમાં તમને રાજસ્થાન જોવા મળશે, તો અહીની ઠંડીમાં તમને કાશ્મીરની યાદ આવશે. આ સ્થળે તમને પાણીથી ભરેલું નારાયણ સરોવર પણ જોવા મળશે, તો બીજી તરફ તમને રણની વચ્ચો વચ્ચ આવેલી હાજીપીરની દરગાહ પણ જોવા મળશે. કચ્છના રાજાઓના વિશાળકાય મહેલો, આજે પણ તેમને તેની ભવ્યતા અને સમૃદ્ધિની ઝાંખી કરાવે છે.

હડપ્પીય સંસ્કૃતિનો સંગમ 
ગુજરાતમાં લોથલ અને ધોળાવીરો બંન્ને સ્થળોએ હડપ્પીય સંસ્કૃતિના અવશેષ મળ્યા છે. જેમાં કચ્છમાં આવેલુ ધોળાવીરા આજે પણ એ સંસ્કૃતિની ભવ્યતાના દર્શન કરાવે છે. અહીં તમને એ સમયની બજાર, મહેલ, કુંડ અને તે સમયની કેટલીક ઉપયોગી વસ્તુઓ પણ જોઈ શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.