ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન શાળાઓમાં 29 જાન્યુઆરીથી શરૂ થનારી દ્વિતીય અને પ્રિલિમ પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજવાના છે અને તે કાર્યક્રમ 29 જાન્યુઆરીના રોજ જ યોજાવવાનો હોવાથી બોર્ડ દ્વારા ધો.9થી 12ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. જે મુજબ હવે ધો.9થી 12ની પ્રિલિમ અને દ્વિતીય કસોટી 29 જાન્યુઆરીના બદલે 30 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.
પ્રિલિમ અને દ્વિતિય કસોટી 29 જાન્યુઆરીના બદલે 30 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે
જ્યારે 7 ફેબ્રુઆરીના બદલે હવે 8 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા પૂર્ણ કરાશે. રાજ્યના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમને નિહાળતા હોવાથી કાર્યક્રમના દિવસે પરીક્ષા ન યોજવાનું નક્કી કરાયું છે. ધો.9થી 12ના વિદ્યાર્થીઓની પ્રિલિમ અને દ્વિતીય શાળાકીય પરીક્ષા 29 જાન્યુઆરીથી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા 7 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ કરવાની રહેશે તેવી સૂચના અપાઈ હતી. બોર્ડના એકેડેમિક કેલેન્ડરના આધારે જ રાજ્યની તમામ ધો.9થી 12ની શાળાઓ પરીક્ષાનું શિડ્યૂલ તૈયાર કરતી હોય છે.
જેથી આ વખતે પણ શાળાઓએ બોર્ડના નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર પ્રિલિમ અને દ્વિતીય કસોટીનું આયોજન કરી તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાનો સમયપત્રક પણ મોકલી આપ્યો હતો. દરવર્ષે દેશના વડાપ્રધાન ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પહેલા પરીક્ષા પે ચર્ચા યોજતા હોય છે. આ કાર્યક્રમ દેશની તમામ શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને બતાવવામાં આવતો હોય છે. જેથી રાજ્યની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પણ આ કાર્યક્રમ બતાવવા માટેની સૂચના અપાઈ હતી. જોકે, આ કાર્યક્રમ 29 જાન્યુઆરીના રોજ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હોવાથી કાર્યક્રમનો દિવસ અને ધો.9થી 12ની પરીક્ષા શરૂ થવાનો દિવસ એક સાથે હોવાથી મુશ્કેલીઓ ઊભી થાય તેમ હતી.
જેના લીધે શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરી ધો.9થી 12ની પ્રિલિમ અને દ્વિતીય કસોટીના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાની જાણ કરી છે.શિક્ષણ બોર્ડ દ્વારા કરાયેલા ફેરફાર અનુસાર, શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર વર્ષ 2023-24માં દર્શાવ્યા મુજબ ધો.9થી 12ની પ્રિલિમ-દ્વિતીય શાળાકીય પરીક્ષા 29 જાન્યુઆરી, 2024થી 7 ફેબ્રુઆરી, 2024 દરમિયાન યોજવા માટે જણાવાયું હતું. જોકે, હવે આ પરીક્ષાના સમયગાળામાં ફેરફાર કરીને 30 જાન્યુઆરી, 2024થી 8 ફેબ્રુઆરી, 2024 દરમિયાન પરીક્ષાનું આયોજન કરવા માટે આદેશ અપાયો છે. જેથી જિલ્લા શિક્ષણાધિકારીઓએ તેમના તાબા હેઠળની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને આ અંગેની જાણ કરવાની રહેશે.