સ્ત્રીને હવે પતિ જીવતો હોવાનો હરખ કરવો કે જીંદગીમાં ક્યારેય પાછો ની આવવાનો તેનો શોક ?

પહેલા ક્રિકેટની રમતમાં ખાસ કરીને વન ડે ક્રિકેટમાં ટર્નીંગ પોઈન્ટ એટલે કે પરિવર્તન બીન્દુની બહુ ચર્ચા થતી, પરંતુ હવે તે ચર્ચા ટી.૨૦માં નથી રહી કેમકે ટી.૨૦ પોતે જ ક્રિકેટનું ટર્નીંગ પોઈન્ટ છે.

સમાજમાં ઘણી વખત કોઈક વ્યકિતના જીવનમાં એક એવો બનાવ બને કે બધુ આમૂલ પરિવર્તન થઈ જાય છે. ઘણી વખત દારૂડીયા માણસ દારૂ પીતો બંધ થઈ સજજન બની જાય ઘણી વખત નાસ્તિક માણસ પણ ભગત થઈ જાય છે. કોઈ વખત અબજો પતિ હીરાના વેપારીને વૈરાગ્ય લાગી જતા જૈન મૂનિ બનીને શ્વેતાંબર બની જાય છે. કયારેક કોઈ કડકો કરોડપતિ બની જતો હોય છે. તો ઘણા કરોડ પતિઓ રોડ પતિ પણ બની જતા હોય છે. આને માટે કોઈ એક ક્ષણ કે કોઈ એક જ બનાવ બને અને માનવની જીંદગીમાં બધુ પલ્ટાઈ જાય છે. ફોજદાર જયદેવે આવા બે ટર્નીંગ પોઈન્ટ મુળી તાલુકામાં એ પણ ફકત એક જ નાની ચીઠ્ઠીને કારણે બનેલા તે જોયા હતા!

મુળી તાલુકાનું ખંપાળીયા ગામ એકદમ નાનુ અને મધ્યમ પાંચાળમાં આવેલું ગામમાં ફકત ખેડુતો અને શ્રમજીવીઓ જ રહેતા પણ બે ખોજાના કુટુંબો પણ રહેતા તેઓ પાસે પણ ખેતીની જમીન ખરી પરંતુ ખોજા વેપારી માનસ વાળા અને પ્રગતિશીલ પ્રકૃતિવાળા બે ભાઈનાં કુટુંબમાં રમજાનઅલી મોટો અને પ્યારઅલી નાનો ભાઈ હતો. તેના બાપા જન્નત નશીન થઈ ગયા હતા. એક બહેન હતી તે પરણાવી દીધેલી પરંતુ પાંચાળની જમીન અને દુષ્કાળના વર્ષો કેમે કરીને ખેતીમાં પુરૂ થતું નહતુ. જમીનના ભાગ તો તેના બાપાની હયાતીમાં જ પાડી દીધા હતા. પરંતુ કુટુંબ સંયુકત કુટુંબ હતુ આથી રમજાને તેની મા ને પોતે મોટા શહેરમાં જઈ ધંધો ચાલુ કરવા માટે વાત કરી તેથી તેનીમા એ સંયુકત કુટુંબમાં થોડી ઘણી રકમ બચત કરીને ભેગી કરેલી તે રમજાન ને આપી આથી રમજાને તેના નશીબ અજમાવવા સુરેન્દ્રનગરથી મુંબઈની ટ્રેન પકડી પ્યાર અલીએ ખેતીનું કામકાજ ઉપાડી લીધું.

ટ્રેનમાં મુસાફરી દરમ્યાન વિરમગામથી એક કુટુંબ ચડયું તે કુટુંબને રમજાને બેસવાની વ્યવસ્થા કરી આપી આથી વાતચીતનોવ્યવહાર ચાલુ થયો કયાંના રહેવાસી કયાં જવું વિગેરે વાતચીત થતા રમજાને કહ્યું કે ગામડે ખેતીમાં કાંઈ પેદાશ થતી નથી નશીબઅજમાવવા મુંબઈ જાવ છું. આ વિરમગામથીચડેલા ભાઈએ રમજાનને શું શું આવડત છે તે અંગે પૂછતા રમજાને પોતાને ખેતી ઉપરાંત ઓઈલ એન્જીન રીપેરીંગ અને સાયકલનું તમામ કામ આવડતું હોવાનું કહ્યુ આ ભઈ પણ જોગાનુ જોગ સાયકલની દુકાન વાળા જ હતા. તેમને માણસની જરૂરત હતી અને રમજાનને સંજાણ આવવા ઈચ્છા હોય તો આમંત્રણ આપ્યું અને રમજાન તેમની સાથે સંજાણ જ ઉતરી ગયો.

આ સંજાણ (બંદર) વલસાડ પાસે આવેલું છે. ઈરાનમાં ત્યાંના શાહનો ત્રાસ અતિવધી જતા વર્ષો પહેલા પારસી કોમ ઈરાન છોડી વહાણો લઈને નાસી ને ભારતમાં આવેલા ત્યારે આ પારસી કોમ સૌ પ્રથમ સંજાણ બંદરે આવેલ અને અહી વહાણો નાંગરેલા અને પારસી પ્રજાના વડીલો સંજાણના રાજાને આશ્રય આપવા વિનંતી કરતા જવાબમાં સંજાણના રાજાએ તેમને દુધથી છલકતો પ્યાલો મોકલેલો. આથી બુધ્ધી શાળી પારસીઓ સમજી ગયા કે અહિ જગ્યા નથી પરંતુ પારસીઓએ પ્યાલામાં સાકર મેળવીને પ્યાલો પાછો સંજાણના રાજાને મોકલ્યો. રાજા સમજી ગયા કે આ પારસી કોમ દુધમાં સાકર ભળે તેમ હિન્દુસ્તાનમાં ભળી જશે અને સંજાણમાં આશ્રય આપ્યો આમ ભારત ભૂમી ઉપર પારસીઓ આવીને ભળી ગયા અને આ ડાહી બુધ્ધીશાળી અને વેપારી કોમે ખૂબજ પરિશ્રમ કરી પોતાનો અને ભારત દેશનો પણ વિકાસ કર્યો. જમશેદજી તાતા એ ભારતીય ઉદ્યોગનો વિકાસ કર્યો અને ડો. હોમીભાભા જેવા વૈજ્ઞાનિકે ભારતને વિશ્વમાં અણુ સત્તા બનવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો.

આજ રીતે સંજાણ ગામમાં રમજાનઅલી પણ દુધમાં સાકરભળે તે રીતે ભળી ગયો. શરૂમાં સાયકલની દુકાનમાં નોકરી કરી પછી પોતાની સ્વતંત્ર સાયકલની દુકાન કરી ધંધો જમાવી દીધો શરૂમાં વારંવાર અને પછી ધીરેધીરે વારે પ્રસંગે વતનમાં તે આવતો લગ્ન થઈ ગયા અને બાળકો પણ મોટા થઈ ગયા એક વખત રમજાન પોતાના વતનના ગામ ખંપાળીયા પ્રસંગોપાત આવેલો અને તેને તેનાભાઈ પ્યારઅલી સાથે કોઈક બાબત વડછડ થઈ અને તેમાંથી મોટો ઝઘડો થઈ ગયો તેની માં એ બંને સમજાવ્યા પરંતુ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. આથી રમજાને પોતાના ભાગની જમીનો કબ્જો અને દસ્તાવેજ આપવા પ્યારઅલીને કહ્યું એટલે પ્યારઅલીએ તેને ગામના દૂરના સીમાડે આવેલ ખેતરાઉ જમીનના દસ્તાવેજ આપ્યા આથી રમજાને કહ્યું કે મારા ભાગે તો ગામના પાદરમાં આવેલી વાડી હતી. અને હવે આ ખેતર કેમ? આમ કેમ થયું? રમજાને પોલીસ ફરિયાદ કરવાનું નકકી કર્યું તેથી તેની મા એ તેને સમજાવ્યો કે મારૂ ગઢપણ શા માટે બગાડો છો. તારે તો અલ્લાહની મહેરબાની છે તારે ભાગે ખેતર છે. તે પણ ઘણુ છે નાનો શું કરશે? પણ રમજાન માન્યો નહિ.

આ ડખામાં પ્યારઅલીના વિરોધીઓ રમજાન પાસે ચડી ગયા અને રમજાન મુળી પોલીસ સ્ટેશનમાં દસ્તાવેજો લઈને છેતરપીંડીની ફરિયાદ કરવા આવ્યો પણ. પી.એસ.ઓ. એ દસ્તાવેજો પૈકી ગામના નમુના ૭ -(૧૨) અને ૮ (અ) જોઈને જ ફરિયાદ લેવાની ના કહી કે આતો દિવાની બાબત છે. રેવન્યુ રાહે કે કોર્ટ રાહે પગલા લ્યો. પરંતુ જેમ મમતે ચડેલો પૈસાદાર માણસ બદલો લેવા તૈયાર થાય ત્યારે સામાવાળાને ‘જેલના સળીયા’ જ બતાવવા માગતો હોય તેમ રમજાને પણ વકીલને કહ્યું કે ભલે પૈસા ગમે તેટલા થાય ફોજદારી ફરિયાદ જ થવી જોઈએ.

આમ વકિલ મારફત રમજાનની ફોજદારી ફરિયાદ કોર્ટમાં દાખલ થઈ તપાસ માટે મુળી પોલીસ સ્ટેશનમાં આવી જેમાં રમજાને જણાવેલુ કે કાવત્રુ કરી છેતરપીંડીથી દસ્તાવેજો સાથે ચેડા કરી પોતાની પીયત વાળી વાડી પ્યારઅલીએ પોતાના નામે અને પ્યારઅલીનું દૂરનું ખેતર પોતાના નામે કરી નાખ્યાનું જણાવેલું મુળી પોલીસે એમ કેસ નોંધી ને બીટ જમાદારે ગુન્હાની તપાસ ચાલુ કરી. દસ્તાવેજ આધારીત ગુન્હો હોઈ જમાદારે ગ્રામ પંચાયતનું રેકર્ડ, મામલતદાર કચેરીનું રેકર્ડ તપાસ્યું પણ વર્ષોથી આ પીયત વાળી પાદરની વાડી પ્યારઅલીના નામે જ હતી તેમ ફલીત થતું હતુ. અને પ્યારઅલીની ધરપકડ કરવાનો કોઈ મુદો જ ન હતો. પરંતુ વટે અને મમતે ચડેલો રમજાન વારંવાર સંજાણથી મૂળી આવી કેસ અને ધરપકડનું શું થયું તેની તપાસ કરતો. આખરે રમજાને જુદી જુદી કચેરીઓને અરજી કરી તેમજ પોલીસ વડાને પણ તપાસ બરાબર થતી ન હોવાની રજૂઆત કરી એક અરજી જયદેવને પણ આપી. પરંતુ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડાએ આ એમ કેસની તપાસ જાતે સંભાળી લેવા ફોજદાર જયદેવને જ હુકમ કરી દીધો. આથી જયદેવે આ તપાસ સંભળી લીધી.

જયદેવે ખંતપૂર્વક તપાસ કરી ખંપાળીયા ગામના તલાટી કમ મંત્રીને જ મુળી બોલાવી વિશ્ર્વાસમાં લઈ ખરેખર શું હકિકત છે. તે જાણ્યું તલાટીએ કહ્યું કે ત્રિસેક વર્ષ પહેલાથી આ જમીન હાલ જે જે ના ખાતે છે તે પ્રમાણે જ છે. અને જે વખતે ખાતે ચડાવવા જે રોજકામ કબુલાત નામા પંચો રૂબરૂ જે તે તલાટી સમક્ષ થયેલા તે પણજેમના તેમ જ છે.જે તે વખતના મામલતદાર કચેરીના સક્ષમ અધિકારીએ આ દસ્તાવેજો આધારે જ ગામની નોંધમાં એન્ટ્રી વેરીફાય કરેલ હોય તોજ સહી કરી હોય તેમ જણાવ્યું. હવે આ તમામ દસ્તાવેજી પૂરાવા અને કબુલાત નામા રોજકામ વાળા પંચોના નિવેદનો જોતા આ ફરિયાદ તદન ખોટી જણાતી હોય ફાયનલ ભરી ‘બી’ સમરી માગવા સિવાય કોઈ રસ્તો નહતો. જયદેવે આ એમ કેસનું બી ફાયનલ ભર્યું અને કોર્ટમાં મોકલ્યું કોર્ટમાં સમરી મંજૂર કરવાની કાર્યવાહી ચાલુ હતી.

દરમ્યાન સુરેન્દ્રનગરથી ક્રાઈમ બ્રાંચના જમાદાર ભૂ‚ભા આ રમજાનની અરજીની તપાસમાં આવેલા ભૂરૂભા પીઢ અને ખૂબ અનુભવી જમાદાર હતા અરજીને તેમણે પણ ખંપાળીયા તલાટી મંત્રીનું રેકડર મામલતદાર કચેરીનું રેકર્ડ જોયું તો બધુ બરાબર જ હતુ. તો આ અરજદાર આટલા ઠેકડા કેમ મારે છે? તેમ તેમને થયું.ભૂરૂભાએ મુળી તાલુકા પંચાયત કચેરીમાં જે જમીનની વિંઘોટી ભર્યાની ત્રીસ વર્ષ પહેલાની પહોચો હતી તેમાં ખંપાળીયા ગામની વિઘોટી પાવતીઓમાં જે વાદ વાળી ગામના પાદરની પીયતવાળી વાડી હતી તેના સર્વેનંબરની પાવતીમાં જોયું તો ખાતેદાર તરીકે રમજાનનું નામ હતુ અને જે દૂરની ખેતરાઉ જમીન હતી તેમાં વિંઘોટી ભરનાર ખાતેદાર તરીકે પ્યારઅલીનું નામ હતુ ! આ ટર્નીંગ પોઈન્ટ હતો.

એક નાની એવી પાવતીએ જે તપાસ પણ પૂરી થઈ ગઈ હતી અને ખોટી ફરિયાદ ઠરાવી કોર્ટમાં રીપોર્ટ પણ મોકલી દીધો હતો તેની દિશા જ બદલાઈ ગઈ. ભૂરૂભાએ જયદેવને આ પાવતીની વાત કરી એટલે ફરિયાદી સાચો હોવાનું પ્રસ્થાપિત થતું હતુ.

જયદેવે તુરત જ મુળી કોર્ટને ફોજદારી કાર્યવાહી ધારાની કલમ ૧૭૩ (૮) મુજબ વધારે પૂરાવો મળે તેમ હોઈ આ કેસના કાગળો અને તપાસ પાછી સોંપવા રીપોર્ટ કર્યો જયદેવે કોર્ટમાંથી કાગળો આવે તે પહેલા જ તાલુકા પંચાયત મુળીમાંથી ખંપાળીયા ગ્રામ પંચાયતની આ વિવાદ વાળી જમીનની તે સમયની વિઘોટીની પાવતી મેળવી લીધી. પ્યારઅલીને બોલાવ્યો પૂછપરછ કરી થોડોક જ ગરમ કર્યો અને તમામ સત્ય હકિકત જણાવી દીધી. રમજાન સંજાણ સેટ થઈને ધંધો જામી ગયા બાદ ખંપાળીયા આવેલો ત્યારે તેણે ઉમંગથી જ કહેલું કે હવે મારે અહી કયાં રહેવું છે. અને કયાં ખેતી કરવી છે? મારે ખેતી કરવાની નથી વાડી પડુ તારા નામે કરાવી નાખજે જેથી જે તે વખતે ત્યારના તલાટી મંત્રીને કહી આ અંગે પોતાની માની અરજી લઈ તલાટીએ જ કબુલાતનામુ રોજકામ ફેરથી કરી પંચોની સહી લઈ આ ફેરફાર કર્યો હતો.

આથી જયદેવે છેતરપીંડી કિંમતી દસ્તાવેજો સાથે ચેડા કરવા અને ખોટી રીતે પૂરાવા રજૂ કરી પોલીસની તપાસને ગેરમાર્ગે દોરવા સબબ ખોટી મહિતી આપવા સબબ ભારતીય દંડ સહિતાની ક. ૧૭૭નો ઉમેરો કરી આરોપીઓ પ્યારઅલી તેનીમાં નુરજહા જે તે વખતના તલાટી મંત્રીને પણ પકડીને કોર્ટમાં રજૂ કરી દીધા આ ત્રણેય જણાએ માત્ર એક ચીઠ્ઠી વિઘોટીની પાવતી ને કારણે ચાર ચાર મહિના જેલમાં રહેવું પડેલું હતુ.

સૌરાષ્ટ્રમાં એક પ્રખ્યાત કહેવત છે ‘જર-જમીન અને જો‚ આ ત્રણ કજીયાના છો‚’ થતા ઝઘડાઓમાં મોટે ભાગે આજ કારણો હોય છે. ઉપરનાં ખંપાળીયાના કિસ્સામાં જમીન ઝઘડાનું કારણ હતુ. હવે જો‚ (પત્ની)ને કારણે એક વિચિત્ર બનાવ મૂળી તાલુકામાં જ બન્યો.

મુળીના સરા આઉટ પોસ્ટના નાળધરી કરશનગઢ ગામોની સરહદો મોરબી તાલુકાના જેતપર ગામની નજીક હતો ત્યાં એક શ્રમજીવી મનજી પત્ની સાથે જેતપર બાજુ ખેતીકામે રહેતો હતો. ત્યાં જેતપરનાં સીમાડે રાત્રીનાં સમયે સ્ત્રી સાથે કોઈ આડા સંબંધો બાબતે મોટર સાયકલ ઉપર જઈ રહેલ પૈસાદાર ખેડુતનું તેણે ખૂન કરી નાખી લાશ ઉપરથી કિંમતી સોનાના દાગીના ઘડીયાળ પણ મનજીએ કાઢી લીધા અને તે દાગીના અને ઘડીયાળ બીજી જગ્યાએ દાટી દીધેલા મોરબી પોલીસે પ્રથમ તો લૂંટના ઈરાદે કરાયેલ ખૂનનો વણ શોધાયેલ ગુન્હો નોંધ્યો. પણ પોલીસે વિગતે તપાસ કરતા સત્ય હકિકત બહાર આવી. તે ખૂન કેસમાં મનજી પણ પકડાયો અને તેના ભાગે આવેલા દાગીના પણ પંચો રૂબરૂ કાઢી આપેલા કોર્ટમાં કેસ ચાલ્યો અને મનજી તથા તેના જોડીદારને બંનેને આજીવન કારાવાસની સજા થઈ ગઈ અને મોરબી જેલમાં ગયા.

દરમિયાન અતિવૃષ્ટિને કારણે મોરબીનો મચ્છુ ડેમ અતિશય પૂર આવવાના કારણે તૂટયો અને મોરબી શહેરમાં પણ પાણી ઘૂંસ્યા આમ જેલમાં પણ પાણી આવ્યા. જેલરે વિવેક બુધ્ધી વાપરી જેમ જેમ પાણી વધતા ગયા તેમ તેમ જેલની કોટડીઓ ખોલતા ગયા અને કેદીઓને જીવન બચાવવાની તક આપી આ પૂર હોનારતમાં મોરબી શહેર અને આજુબાજુના ગામડાઓમાં હજારો લોકો ડુબી મર્યા તેમાં આ કેદી મનજીનું નામ પણ ઉમેરાયું પરંતુ પોલીસ તો શબ મળે નહિ ત્યાં સુધી કેદીનું નામ કમી કરે નહિ સમયાંતરે મોરબી અને રાજકોટની પોલીસ મનજીના ઘેર તપાસ કરવા આવતી કે મનજી આવ્યો કે કેમ.

મનજીના ઘરના લોકોએ આમ તો મનજીના નામનું નાહિ નાખ્યું હતુ. પરંતુ આ પોલીસ કયારેક કયારેક તપાસ કરવા આવતી હતી તેથી મનજીની પત્નીને મન હજુ મનજી જીવતો જ હોવાની અને પાછો ઘેર આવવાની આશા હતી આમ ને આમ મનજીની રાહત જોવામાં ત્રણ ચાર વર્ષ નીકળી ગયા.

જયારે મનજી પોલીસમાં પકડાયો હતો ત્યારે તેની પત્નીને એક વર્ષનું બાળક હતુ તેથી મનજીની પત્ની તેની છૂટવાની અને પાછા આવવાની રાહમાં મનજીના ઘેર જ સાસરે રોકાયેલી પીયર ગયેલ નહિ અનેક નાત‚ કે ઘરઘરણુ કરેલુ નહિ આમને આમ મનજીની રાહ જોવામાં ચારેક વર્ષના વહાણા વાઈ ગયા.

એક દિવસ ઓચિંતા મનજીના ઘેર એક ટપાલનું કવર આવ્યું તેના ઉપર અંગ્રેજી અને ઉર્દુભાષામાં અક્ષરો છાપેલા હોય અને ગામ આખામાં કોઈ અંગ્રેજી જાણકાર નહિ હોય તલાટી કમ મંત્રીને આ કવર આપ્યું તલાટીએ કવર ઉપર વાંચ્યું તો કવર ઉપર પાકિસ્તાન પોસ્ટલ સર્વીસ લખેલુ હતુ તેથી તેણે પણ કવર ખોલ્યુંં નહિ અને કહ્યું કે આ કાંઈક ગંભીર બાબત પાકિસ્તાનની છે. આ પત્ર પહેલા પોલીસને વંચાવવો પડે તેથી કોઈ શંકા ન થાય આથી કવર ખોલ્યા સિવાય જ તલાટી મંત્રી, મનજીની પત્ની, તેનો બાપ વિગેરે મુળી પોલીસ સ્ટેશને આવ્યા.જયદેવે કવર હાથમાં લઈ ગંભીરતા પૂર્વક નિરીક્ષણ કર્યું. તેના ઉપર પાકિસ્તાન એમ્બેસીનું પણ એન્ડોર્સમેન્ટ હતુ તેથી કવર ફાટે નહિ તે રીતે યુકિત પૂર્વક ખોલ્યું.

તેમાં લીખીતન મનજી કરાંચી પાકિસ્તાન હતુ. આ ટપાલ મનજીએ લખી છે તે સાંભળીને મનજીની પત્ની હર્ષ વિભોર થઈને મનજી જીવતો હોઈ તેના બાળકને વહાલ કરીને બથમાં લઈ બચીઓ કરવા લાગી. તેમાં મનજીએ લખ્યું હતુ કે મચ્છુ નદીનાં પાણી જેલમાં ઘૂસવા લાગતા જેલરે દયા ખાઈને કોટડીઓ ખોલતા જ તમામ કેદીઓ બચવા માટે પોત પોતાની રીતે ધાબામાં કે અગાસી કે વૃક્ષો ઉપર ચડી ગયેલા જેમને તરતા આવડતું હતુ તે ઉંચા મકાનો ઉપર જઈ ચડી ગયેલા તેમ પોતે પણ એક બહુ ઉંચા મકાન ઉપર ચડી ગયેલ હતો અને બચી ગયેલો પરંતુ પાણી ઉતરી જતા જ હવે પાછું જેલમાં જવાનું અને આખી જીંદગી જેલમાં ચાર દિવારીમાં જ વિતાવવાની તેના કરતા વતન પ્રેમ કુટુંબ બાળક અને પત્ની પ્રેમ નો ત્યાગ કરીને હવે પોલીસના હાથમાં જ નહિ આવવાનું નકકી કર્યું

મનજીએ બચપણમાં સૌરાષ્ટ્રના કુખ્યાત ભૂપત બહારવટીયાની વાત સાંભળેલી કે પોલીસથી કાયમી રીતે બચવા અને પાછળની જીંદગી શાંતિથી પસાર કરવા તે સૌરાષ્ટ્રમાં થઈ કચ્છમાં આવી પાકિસ્તાન ભાગી ગયેલો અને ત્યાં ભુપતે દુધનો વેપાર ચાલુ કરીને ત્યાં કોઈ સ્ત્રી સાથે લગ્ન કરેલા અને બાળબચ્ચા પણ થયેલા. મનજીએ પણ મોકો શોધી કપડા બદલીને કચ્છમાં આવ્યો અને ભારતની સરહદ પાર કરી કરાંચી પહોચી ગયો. શરૂમાં કરાંચીમાં મજૂરી કરતો હવે ફળોની લારી ફેરવે છે. વ્યવસ્થિત ગોઠવાઈ જતા શાદી પણ કરી લીધી હોવાનું લખેલ હતુ. મનજીએ તેની પત્નીને સંબોધીને લખ્યું હતુ કે હવે તું મારી રાહ જોતી નહિ તું પણ છૂટ્ટી અને તારે પણ બીજા લગ્ન કરી લેવા હોયતો કરી લેજે હવે પોતે આ જન્મે પાછો આવવાનો નથી ‘આ છેલ્લા જાજા કરીને જુહાર નસીબમાં હશે તો આવતા ભવે મળીશુ !’ તેમ લખેલુ હતુ.

ટપાલ લઈને ટોળુ પોલીસ સ્ટેશને આવેલ અને જયદેવે ટપાલ ખોલીને જણાવેલ કે મનજીની ટપાલ છે. જે સાંભળીને મનજીની પત્ની આનંદ વિભોર થઈ ગયેલ તે આ છેલ્લા સમાચાર ‘જાજા કરીને જુહાર અને આવતે ભવે મળીશુ’ સાંભળીને દિગ્મુઢ થઈ ગઈ. હવે શું કરવું મનજી જીવતો છે તેનો આનંદ કરવો કે હવે કયારેય પાછો જોવા પણ મળવાનો નથી તેનો શોક કરવો?

આ એક ચિઠ્ઠીએ મનજીની પત્નીની દશા અને દિશા બન્ને બદલી નાખ્યા (ટર્નિંગ પોઈન્ટ)

ફોજદાર જયદેવે આ પાકિસ્તાનનો પત્ર બે પંચો રૂબરૂ પંચનામું કરીને કબ્જે કર્યો અને કાગળો બનાવી મોરબી પોલીસને કાગળો સાથે પાકિસ્તાનથી આવેલ પત્ર પણ મોકલવા તજવીજ કરી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.