બરફનો સુયો અને ડીસમીસના ઘા ઝીંકી નવ શખ્સો ફરાર: કોર્ટ કમ્પાઉનમાં હત્યાની કોશિષ
ધ્રોલના યુવાનને આઠેક માસ પહેલાં થયેલા ઝઘડાના કારણે રાજકોટના નવ શખ્સોએ બરફના સુયો અને ડીસમીરથી કોર્ટ કમ્પાઉનમાં ખૂની હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રોલની લંઘા શેરીમાં રહેતા અને બેન્ડ પાર્ટીનો વ્યવસાય કરતા બસીરભાઇ અલારખા લંઘાએ પોતાના પુત્ર ઇનાયત પર રાજકોટના ફિરોઝ ફકીરમામદ કાનીયા, ઇમ્તીયાઝ ફકીરમામદ કાનીયા, મોહસીન ઇસ્માઇલ કાનીયા, હનિફ અલારખા કાનીયા, ઇરફાન ફકીરમામદ કાનીયા, ઇમરાન ઇસ્માઇલ કાનીયા અને ત્રણ અજાણ્યા શખ્સોએ ધ્રોલ કોર્ટ કમ્પાઉનમાં બરફના સુયા અને ડીસમીસથી ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
બસીરભાઇ લંઘાને આઠેક માસ પહેલાં રાજકોટમાં ફિરોઝ ફકીરમામદ કાનીયા સાથે ઝઘડો થયો હોવાથી બંને વચ્ચે અદાવત ચાલતી હોવાથી પોતાનો પુત્ર ઈનાયત ધ્રોલ કોર્ટ કમ્પાઉનમાં હતો ત્યારે તેના પર ખૂની હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. ધ્રોલ પી.એસ.આઇ. વી.કે.ગઢવી સહિતના સ્ટાફે બસીરભાઇ લંઘાની ફરિયાદ પરથી નવ શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.