શહેરની હેડ પોસ્ટ ઓફિસમાં ગ્રામીણ ડાક સેવકના ઓનલાઈન ચલણ ભરવા લોકોનો ભારે ધસારો છતા ટપાલ વિભાગે એક જ બારી ફાળવી

ટપાલ વિભાગ દ્વારા રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે ગ્રામીણ ડાક સેવકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે સવારથી ઓનલાઈન ચલણ ભરવા માટે શહેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે અરજદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. શહેરમાં જગ્યાએ ૧૭ થી વધુ પોસ્ટ ઓફિસ હોવા છતા ટપાલ વિભાગે એક માત્ર હેડ પોસ્ટ ઓફિસ ખાતે જ આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતા અરજદારોની દુવિધા વધી છે. વધારામાં પોસ્ટ ઓફિસે અરજદારોની સંખ્યાની સરખામણીમાં માત્ર એક જ બારી ઓનલાઈન ચલણ ભરવા માટે ફાળવતા લોકોની લાંબી કતારો લાગી હતી અને અવ્યવસ્થા પણ સર્જાઈ હતી.

પોસ્ટની ભરતી પ્રક્રિયા ચાલુ છે તે માટે લોકોને ઓનલાઈન પૈસા ચલણ મારફતે ભરવાના રહે છે ત્યારે આ પૈસા રાજકોટ જીલ્લામાં ફકત રાજકોટ પોસ્ટ હેડ ઓફિસથી જ ભરી શકાય છે. ત્યારે પોસ્ટ ઓફિસ પર પણ એક જ બારી આ માટે ફાળવવામાં આવી છે અને સર્વર ડાઉન છે તેનાથી ફી ભરવા આવતા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ ભરતી પ્રક્રિયા અંતર્ગત મલિક સરએ જણાવતા કહ્યું હતું કે વહેલામાં વહેલી તકે આ વેબસાઈટને ફરીથી કાર્યરત કરવામાં આવશે. આ ચલણના પૈસા ભરવા માટે પોસ્ટ ઓફિસ પર સવારથી જ લોકો આવીને બેસી ગયા હતા અને સતત બે દિવસથી તે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડયો છે.

ભરતી પ્રક્રિયામાં આવેલ વિશાલ ભારદ્વાજે જણાવ્યું હતું કે તે સતત બે દિવસથી હળવદથી આવે છે પરંતુ અહીં સર્વર બંધ છે તેવું કહેવામાં આવે છે. ૧૨:૩૦ સુધી તેવું કહી બેસાડવામાં આવે છે અને ત્યારબાદ ૧૨:૩૦ વાગ્યા પછી જમવાનો બ્રેક પડવાથી ધકકા ખાવા પડે છે અને મુશ્કેલીઓનો કોઈ અંત હજુ આવ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.